મૂસ (crucible) : ધાતુરસ બનાવવા માટે વપરાતું સાધન. જે ધાતુ કે મિશ્રધાતુને પિગાળવાની હોય તેને મૂસમાં મૂકવામાં આવે છે અને પછી તેને ઊંચા તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ધાતુના ગલનબિંદુ સુધી તાપમાન થતાં તે પીગળે છે અને તૈયાર થયેલ રસને જરૂરિયાત પ્રમાણે તૈયાર કરેલ બીબામાં ઢાળી દાગીનો તૈયાર કરવામાં આવે છે.

આકૃતિ 1 : કૂંડી પ્રકારની મૂસ ભઠ્ઠી

મૂસ ગ્રૅફાઇટ અથવા સિલિકોન કાર્બાઇડ જેવા ઉષ્માસહ પદાર્થમાંથી તૈયાર કરવામાં આવે છે. તે જુદા જુદા કદમાં બનાવવામાં આવે છે. તેના કદને 1થી 400 સુધીના આંકમાં દર્શાવવામાં આવે છે. આ આંક મૂસ કેટલા રતલ વજનનો ઍલ્યુમિનિયમ-રસ સંગ્રહી શકશે તે દર્શાવે છે; દા.ત., 100 નંબરની મૂસ એટલે 100 રતલ ઍલ્યુમિનિયમનો રસ સંગ્રહી (સમાવી) શકે તેવી મૂસ. ભરતર લોહ અને ઍલ્યુમિનિયમની વિશિષ્ટ ઘનતાનો ગુણોત્તર આશરે ત્રણ હોઈ 100 નં.ની મૂસમાં 300 રતલ વજનનો ભરતર લોહરસ સમાઈ શકે છે.

મૂસ ભઠ્ઠીઓ બે પ્રકારની હોય છે : (1) કૂંડી-પ્રકારની ભઠ્ઠી, (2) અવનમ્ય પ્રકારની ભઠ્ઠી.

આકૃતિ 2 : અવનમ્ય પ્રકારની ભઠ્ઠીમાં મૂસ (tilting furnace)

કૂંડી મૂસ ભઠ્ઠી, જમીનમાં ખાડો તૈયાર કરી તેને અંદર ફરતું ઉષ્માસહ-ઈંટોથી અસ્તર (લાઇનિંગ) કરવામાં આવે છે અને તેમાં મૂસ ગોઠવવામાં આવે છે. મૂસની આસપાસ કોલસા ગોઠવાય છે. મોટરથી ચાલતા પંખા દ્વારા દહન માટે જરૂરી હવા પૂરી પાડવામાં આવે છે. અવનમ્ય ભઠ્ઠી બે પેડેસ્ટલ ઉપર ટેકવેલ હોય છે. આ ભઠ્ઠીમાં મૂસ જરૂરિયાત મુજબ નમાવી શકાય છે. આ ભઠ્ઠીમાં ઈંધણ તરીકે તેલ અથવા ગૅસ વપરાય છે.

સોની લોકો પણ સોનાચાંદીનો રસ બનાવવા નાના કદની મૂસો વાપરે છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ