મૂળનું ચાંચવું : ડાંગરના પાકમાં નુકસાન કરતા મૂળના ઉપદ્રવ માટે કારણભૂત એક કીટક. તેનો ઉપદ્રવ ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ 1958માં ખેડા જિલ્લાના માતર તાલુકાના નવાગામ વિસ્તારમાં જોવા મળ્યો હતો, ત્યારબાદ ધીમે ધીમે તેનો ઉપદ્રવ આજુબાજુના વિસ્તારમાં ફેલાયો હતો. પંજાબમાં 1956માં આ જીવાતની નોંધ થઈ હતી. આ કીટક પહેલાં તામિલનાડુમાં પણ નોંધાયેલ. આ જીવાતનો ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના કુરકુલિયોનિડી કુળમાં સમાવેશ થયેલો છે. પુખ્તને શરીરની આગળની બાજુએ પક્ષીની ચાંચ જેવાં મુખાંગો વિકસેલાં હોવાથી તે ‘ચાંચવાં’ તરીકે ઓળખાય છે. ડાંગરના પાકને ઉપદ્રવકારક ચાંચવાનું શાસ્ત્રીય નામ Hydronomidius motitor Fst. છે. પુખ્ત ચાંચવાં રાખોડિયા રંગનાં અને 3થી 4 મિમી. લંબાઈનાં હોય છે. માથું નાનું અને રતાશ પડતા રંગનું હોય છે, જે ડાંગરના પાનનો હરિતદ્રવ્યયુક્ત ભાગ ખાય છે. આ કીટકની માદા દરરોજના 1થી 2 લેખે તેના 20થી 23 દિવસના જીવનકાળ દરમિયાન આશરે 26 જેટલાં ઈંડાં ડાંગરની ક્યારીમાં માટીની નીચે મૂકે છે. ઈંડાં ત્રણથી ચાર દિવસમાં સેવાતાં તેમાંથી નાની ઇયળ (grab) નીકળે છે. આવી ઇયળો સફેદ ભાતના દાણા જેવી અને તેનાથી સહેજ મોટી હોય છે. આ ઇયળ તાજી રોપેલી ડાંગરના છોડનાં મૂળ ખાઈને છોડને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ થતાં છોડ ફિક્કા પડી જાય છે. તેમની વૃદ્ધિ અટકે છે અને તેમને ફૂટ થતી નથી. પરિણામે છોડ એક જ ચીપે રહે છે. ચાંચવા ઇયળની અવસ્થા 96થી 110 દિવસમાં પૂર્ણ થાય છે. તે માટીના કોચલામાં કોશેટા બનાવે છે. કોશેટા 4થી 4.5 મિમી. લંબાઈ અને 2.5 મિમી. પહોળાઈ ધરાવે છે. આ અવસ્થા 10થી 14 દિવસની હોય છે. આ અવસ્થા પૂર્ણ થતાં તેમાંથી પુખ્ત કીટક બહાર આવે છે. પુખ્ત કીટક 3થી 4 અઠવાડિયાં જીવે છે. ડાંગરની ઋતુ પૂર્ણ થતાં આ કીટક ઑક્ટોબરથી એપ્રિલ મહિના સુધી સુષુપ્ત અવસ્થામાં પડી રહે છે. આ કીટકની વર્ષમાં એક જ પેઢી જોવા મળે છે.
આ જીવાતના નિયંત્રણ માટે ઉનાળામાં ખેતરને ખેડી નાખવામાં આવે છે. તેથી આ સુષુપ્ત અવસ્થાના કીટકોનો તાપથી તેમજ પરભક્ષી જીવો દ્વારા તેમનું પ્રાશન થવાથી નાશ થાય છે. જુલાઈમાં (વહેલાં) રોપેલી ડાંગરમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ થાય છે; જ્યારે પ્રમાણમાં ઑગસ્ટમાં (મોડેથી) રોપેલી ડાંગરમાં ઉપદ્રવ ઘટે છે. ઉપદ્રવ વખતે કાર્બોફ્યુરાન 3 % દાણાદાર દવા 25 કિલોગ્રામ અથવા ફૉરેટ 10 % દાણાદાર દવા 8 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ડાંગરની ક્યારીમાંથી પાણી નિતારી આ જંતુઘ્ન દવાનો છંટકાવ કરવામાં આવે છે. અને ત્યારબાદ નાઇટ્રોજનયુક્ત ખાતર આપી ક્યારીમાં પાણી ભરવાથી તેના પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.
પરબતભાઈ ખી. બોરડ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ