મૂળના રોગો : વનસ્પતિના મૂળને નુકસાન કરતી ફૂગ, કૃમિ જેવા પરોપજીવી સજીવોના આક્રમણથી ઉદભવતો વ્યાધિ. આ પરોપજીવીઓ પાકોના મૂળના વાહીપુલોના કોષોમાં અને મૂળની છાલના કોષોમાં આક્રમણ કરી તેમાંથી ખોરાક મેળવતા હોવાથી આક્રમિત કોષો અને પેશીઓ મૃત્યુ પામે છે. વળી કેટલીક પરોપજીવી ફૂગો પાકોના મૂળના વાહીપુલોમાં પ્રવેશ કરી કોષોની દેહધાર્મિક ક્રિયામાં, અથવા છોડમાં પાણી અને ખોરાકના વહનમાં અડચણ પેદા કરે છે અને તેથી છોડને સુકારાનો રોગ લાગે છે. તુવરનો સુકારો Fusarium oxysporum(subsp-udum) નામની ફૂગથી થાય છે, જ્યારે કપાસના પાકમાં Fusarium oxysporum(subsp-vasirifectum) નામની ફૂગથી સુકારો થાય છે. કેળના પાકમાં આ રોગ Fusarium oxysporum(subsp-cubense) નામની ફૂગથી થાય છે. તેને પનામા રોગ કહે છે. આ જ ફૂગની અન્ય પ્રજાતિઓ વિવિધ પાકોમાં જાતજાતના સુકારાના રોગ કરે છે.

પરોપજીવી ફૂગો મૂળની છાલમાં આક્રમણ કરે છે અને તેથી તેના સડાનો રોગ પેદા થાય છે. કપાસના પાકમાં Rhizoctonia bataticola નામની ફૂગ મૂળના કોહવારાનો રોગ કરે છે. શણ(jute)ના પાકમાં Macrophomina phascolina નામની ફૂગ મૂળ અને થડના કોહવારાનો રોગ કરે છે. બટાટાના પાકમાં Rhizoctonia solani નામની પરોપજીવી ફૂગ મૂળ, કંદ અને ડાળી ઉપર ગાંઠો કરી કાળા સડાનો રોગ કરે છે.

મેલેડોગાયની પ્રજાતિના કૃમિઓ રીંગણ, ભીંડા જેવા પાકોના મૂળમાં પ્રવેશ કરી મૂળગાંઠના રોગો કરે છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ