મૂલરાજ 1લો (રાજ્યકાલ : ઈ. સ. 942–997) : ગુજરાતના ચૌલુક્ય (સોલંકી) વંશનો સ્થાપક. મૂલરાજનો પિતા રાજિ પ્રાય: કનોજના પ્રતીહાર રાજ્યમાં ગુર્જરદેશનો સામંત હતો. અણહિલવાડના ચાવડા રાજા સામંતસિંહે પોતાની બહેન લીલાદેવીને રાજિ સાથે પરણાવી હતી. એ મૂલ નક્ષત્રમાં જન્મ્યો હોવાથી, એનું નામ ‘મૂલરાજ’ પડ્યાની અનુશ્રુતિ ‘પ્રબંધચિંતામણિ’માં આપેલી છે. મૂલરાજનો મામો રાજા સામંતસિંહ મદિરામત્ત અવસ્થામાં ભાણેજ મૂલરાજને ગાદીએ બેસાડતો ને ભાન આવતાં ગાદી પરથી ઉઠાડી મૂકતો. આ રીતે વારંવારના ઉપહાસથી અપમાનિત મૂલરાજે મામાની હત્યા કરી અને પોતે ખરેખર રાજા થઈને રહ્યો. આ અનુશ્રુતિમાં ઐતિહાસિક તથ્ય કરતાં લોકકથાની ચમત્કૃતિ હોવાની શંકા વ્યક્ત થઈ છે, પરંતુ કુમારપાલના સમયના વડનગર શિલાલેખમાં મૂલરાજે ચાપોત્કટ રાજાની રાજ્યલક્ષ્મી પ્રાપ્ત કરી હોવાનો તેમજ ‘મોહરાજ-પરાજય’ નાટકમાં ચાપોત્કટ મદિરાસક્ત હતા અને એથી તેમણે રાજ્ય ગુમાવ્યાના ઉલ્લેખ આવે છે. વળી વસ્તુપાલના સમયમાં રચાયેલા ‘સુકૃતસંકીર્તન’ તથા ‘સુકૃતકીર્તિકલ્લોલિની’માં મૂલરાજને ચાપોત્કટ વંશના છેલ્લા રાજાનો ભાણેજ કહ્યો છે. આથી મૂલરાજે મદિરામત્ત મામાને મારીને ચાપોત્કટની રાજલક્ષ્મી હસ્તગત કરી હોવાની હકીકત અશ્રદ્ધેય ન ગણાય.

કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘દ્વયાશ્રય’માં મૂલરાજનાં કેટલાંક પરાક્રમ વિગતે નિરૂપ્યાં છે. આ ઉપરાંત ‘પ્રબંધચિંતામણિ’, ‘કીર્તિકૌમુદી’, ‘સુકૃતસંકીર્તન’ વગેરે ગ્રંથોમાં મૂલરાજનાં વિવિધ પરાક્રમોની વિગતો આપેલી છે.

મૂલરાજ અણહિલપાટણની આસપાસ આવેલા સારસ્વત મંડલ તેમજ જોધપુર-સાંચોરની આસપાસ આવેલા સત્યપુર મંડલ પર રાજ્ય કરતો હતો. એેણે ખેટક મંડલ, કચ્છ અને આબુનાં રાજ્યો પર પોતાનું આધિપત્ય પ્રવર્તાવી ‘મહારાજાધિરાજ’ પદ પ્રાપ્ત કર્યું હતું.

એના સમય(ઈ. સ. 942થી 997)નાં ચાર દાનશાસનો પ્રાપ્ત થયાં છે. એના રાજ્યકાલના ઉત્તરાર્ધમાં (ઈ. સ.. 974માં) મૂલરાજે વચ્છકાચાર્યને ગંભૂતા (ગાંભુ) ગામ દાનમાં દીધું હતું. રાજપુત્ર ચામુંડરાજે ઈ. સ. 976માં વરુણશર્મક(વડસમા)માં જૈનગૃહને ભૂમિદાન દીધું હતું. ઈ. સ. 987માં મહારાજાધિરાજ શ્રીમૂલરાજે સારસ્વત મંડલમાંના મોઢેરક વિભાગમાંનું એક ગામ વર્દ્ધિવિષયમાં મંડલી ગામમાં આવેલા મૂલનાથદેવને અર્પણ કર્યું હતું. ઈ. સ. 995માં પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી મૂલરાજદેવે સત્યપુર (સાંચોર) મંડલમાંનું એક ગામ દીર્ઘાચાર્યને દાનમાં દીધું હતું.

મૂલરાજ પ્રજાવત્સલ અને દાનવીર હતો. એણે કરનો દર હળવો કરી પ્રજાની પ્રીતિ પ્રાપ્ત કરી હતી. શ્રીસ્થલ(સિદ્ધપુર)ના રુદ્ર મહાદેવનો એ પરમ ભક્ત હતો. મંડલી ગામમાં એણે મૂલનાથ-મૂલેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. અણહિલવાડમાં તેણે સોમેશ્વરનો ત્રિપુરુષ પ્રાસાદ તેમજ મૂલરાજ-વસહિકા નામે જૈન ચૈત્ય અને મુંજાલદેવ સ્વામીનો પ્રાસાદ પણ બંધાવ્યાં હતાં. નગર(વડનગર)ના બ્રાહ્મણ સોલશર્માને મૂલરાજે પોતાનો રાજપુરોહિત નીમ્યો હતો.

મૂલરાજની રાણી માધવી ચાહમાન કુલની હતી. એનો પુત્ર ચામુંડ યુવરાજ તરીકે અધિકાર ધરાવતો હતો. માલવપતિ મુંજ, સપાદલક્ષનો વિગ્રહરાજ અને દખ્ખણના રાજા તૈલપ જેવા પ્રબળ રાજવીઓનાં રાજ્યો વચ્ચે મૂલરાજે નવું રાજ્ય સ્થાપ્યું એ એની નોંધપાત્ર સિદ્ધિ ગણાય. મૂલરાજે 55 વર્ષ રાજ્ય કરી યુવરાજ ચામુંડનો રાજ્યાભિષેક કર્યો ને પોતે શ્રીસ્થલ(સિદ્ધપુર)માં જઈ સરસ્વતી-તીરે ચિતામાં અગ્નિપ્રવેશ કરી, મૃત્યુને ભેટ્યો એવી અનુશ્રુતિ છે.

રામજીભાઈ ઠા. સાવલિયા