મૂલક (Radical) : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વૈયક્તિક હસ્તી તરીકે વર્તતો હોય તેવો એક અથવા વધુ તત્વોનો બનેલો વીજભાર ધરાવતો સમૂહ. દા.ત., સલ્ફેટ, નાઇટ્રેટ, ફૉસ્ફેટ, કાર્બોક્સિલેટ વગેરે. તેમના વીજભાર અનુસાર તેમને ધનમૂલક અથવા ઋણમૂલક કહે છે. કોઈ પણ તત્વના પરમાણુમાંથી એક અથવા વધુ ઇલેક્ટ્રૉન દૂર થતાં તે ધનમૂલક બને છે. દા.ત., Na+, K+, Ag+, Cu++, Ca++, Ba++, Sr++, Fe++, Co++, Fe+++, As+++, Sb+++ વગેરે.
ઋણમૂલકો, એકપરમાણ્વીય અથવા બહુપરમાણ્વીય હોય છે. દા.ત., Cl–, Br–, I–; વગેરે. મૂલકો સ્વતંત્રપણે રહી શકતાં નથી.
અકાર્બનિક સંયોજનો સામાન્ય રીતે આવાં ધન અને ઋણ મૂલકોનાં જોડાણથી બને છે. દા.ત., CuSO4, AgCl, BaSO4, FeCl3, NaNO3, Na3PO4 વગેરે.
અકાર્બનિક સંયોજનોના ઘટકો હોય એવા ધન તથા ઋણમૂલકો પારખવા માટેની વિવિધ રાસાયણિક રીતો વિકસાવાઈ છે.
જ. પો. ત્રિવેદી