મૂર, પૅટ્રિક (જ. 4 માર્ચ 1923, પીનર, મીડલસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 9 ડિસેમ્બર 2012, સેલ્સી વેસ્ટસસેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના અવૈતનિક ખગોળશાસ્ત્રી, લેખક અને પ્રસારણકર્તા. શૈશવથી જ બીમાર રહેવાથી તેમને ઘરઆંગણે જ શિક્ષણ આપવામાં આવ્યું હતું. બીબીસી પર લાંબા સમયથી ચાલતી ટેલિવિઝન શ્રેણી ‘ધ સ્કાય ઍટ નાઇટ’(1957)ના તેઓ ઉત્સાહી, ઉદ્યમી અને જાણકાર પ્રસ્તુતકર્તા તરીકે અત્યંત જાણીતા બન્યા. ખગોળ- વિજ્ઞાનના ક્ષેત્રે પણ તેમણે બજાવેલી સેવા બદલ તેમને અનેક ઍવૉર્ડ મળ્યા છે. આ વિષય પરત્વે તેમણે 60 ઉપરાંત પુસ્તકો પ્રગટ કર્યાં છે; તેમાં ‘ઍમચ્યોર એસ્ટ્રૉનોમર’ (1970), ‘ધી એટુઝેડ ઑવ્ એસ્ટ્રૉનોમી’ (1986), ‘મિશન ટુ પ્લૅનેટ્સ’ (1990) અને ‘ટીચ યૉરસૅલ્ફ એસ્ટ્રૉનોમી’ (1995) મુખ્ય છે.

મહેશ ચોકસી