મૂન, વિલિયમ (જ. 1818, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1897) : બ્રિટનના મૂન ટાઇપના સંશોધક. 4 વર્ષના હતા ત્યારથી તેમને અંશત: અંધાવસ્થા હતી, પરંતુ 1840માં તેઓ પૂરા અંધ બની ગયા. તે પછી તેઓ અંધ બાળકોને શિક્ષણ આપવા લાગ્યા. ઉપસાવેલા ટાઇપની તત્કાલ પ્રચલિત પદ્ધતિઓથી તેમને  સંતોષ ન હતો. તેથી તેમણે રોમન કૅપિટલો પર આધારિત એક નવતર પદ્ધતિ 1845માં શોધી કાઢી અને તે ‘મૂન ટાઇપ’ નામે ઓળખાતી થઈ. તે પછી પોતાના ટાઇપ સાથે ઉપયોગમાં લઈ શકાય એ રીતે એક સ્ટીરિયોટાઇપ પ્લેટ પણ વિકસાવી. અલબત્ત, તેમાં વધારે જગ્યાની જરૂર પડતી હતી, પરંતુ બ્રેઇલ કરતાં તેમના ટાઇપ શીખવા વિશેષ સહેલા હતા. ખાસ કરીને પાછલી ઉંમરે અંધ બનેલી વ્યક્તિઓ માટે તેમાં વિશેષ સાનુકૂળતા રહેલી હતી. અત્યારે તો તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે.

મહેશ ચોકસી