મૂત્રાશયમાપન (cystometry) : મૂત્રાશયનું કદ, તેમાં ઉદભવતાં દબાણ, તેની દીવાલમાં થતા તણાવ તથા મૂત્રણની ક્રિયા વખતે મૂત્રપ્રવાહનો વેગ વગેરે વિવિધ પરિમાણો માપીને નિદાન કરવાની પદ્ધતિ. તેને મૂત્રણગતિકી તપાસણી અથવા મૂત્રણગતિકી-માપન (urodynamic testing) પણ કહે છે. નીચલા મૂત્રમાર્ગના વિકારોના નિદાનમાં તે ઉપયોગી છે. તેમાં કૃત્રિમ રીતે મૂત્રાશયને ભરવાની અને ખાલી થવાની ક્રિયાઓ કરાવાય છે. તપાસ માટે સૌપ્રથમ દર્દીને પેશાબ રોકી રાખીને ભરેલા મૂત્રાશય સાથે આવવાનું સૂચવાય છે. ત્યારબાદ તેને પેશાબ કરવાનું કહેવાય છે. તે વખતે મૂત્રણનો મહત્તમ વહનદર (maximum flow rate) માપવામાં આવે છે. મૂત્રણની ક્રિયા પત્યા પછી મૂત્રાશયમાં જેટલું મૂત્ર રહી ગયું હોય તેનું માપ મેળવાય છે. મૂત્રાશયમાં મૂત્રણની ક્રિયા પૂરી થઈ ગયા પછી રહી ગયેલા મૂત્રને અવશિષ્ટ મૂત્ર (residual urine) કહે છે. તે માટે ધ્વનિચિત્રણ(sonography)ની મદદથી અંદાજ મેળવાય છે. આ રીતે મૂત્રાશય પૂરેપૂરું ખાલી થયું છે કે નહિ તેની માહિતી મેળવાય છે. મૂત્રાશયને ખાલી કરવાની ક્રિયાને મૂત્રાશય-રિક્તીકરણ (bladder emptying) કહે છે.
મૂત્રણગતિકી-માપન માટે બે પાતળી નિવેશિકાનળીઓ (catheters) અથવા બે પોલાણોવાળી અથવા દ્વિગૌહિક નિવાશિકાનળી (twin lumen catheter) વપરાય છે. એક પોલા ભાગમાંથી ક્ષારજલ(saline)ને કે એક્સ-રે-રોધી દ્રવ્યને મૂત્રાશયમાં નાંખીને મૂત્રાશયને ભરાય છે, જ્યારે બીજા પોલા ભાગમાંથી પારસંવેદક (transducer) નંખાય છે. ક્ષારજળ કે એક્સ-રે-રોધી દ્રવ્યને 50 મિલી./મિનિટના દરે અંદર નંખાય છે અને પારસંવેદક વડે સતત મૂત્રાશયની અંદરનું દબાણ (અંતર્મૂત્રાશય પ્રદમ અથવા દાબ; intravesical pressure) માપતા રહેવાય છે. આ સાથે એક નિવેશિકાનળી મળાશયમાં કે યોનિ(vagina)માં મુકાય છે. તેમને અંતર્મળાશયી (intrarectal) કે અંતર્યોનિક (intravaginal) નિવેશિકાનળી કહે છે. તેને છેડે ફુગ્ગા જેવી સંરચના હોય છે. તે પેટની અંદરનું દબાણ (અંતરુદરીય પ્રદમ, intra-abdmoninal pressure) માપે છે. મૂત્રાશયમાંના દબાણ અને પેટમાંના દબાણના તફાવત વડે મૂત્રક્ષેપક સ્નાયુ(detrussor muscle)થી કરાતું દબાણ ગણી કાઢી શકાય છે. મૂત્રક્ષેપક સ્નાયુ વડે ઉદભવતા દબાણને મૂત્રક્ષેપકીય દબાણ (detrussor pressure) કહે છે. મૂત્રાશયમાં ભરાયેલા મૂત્રને બહાર ધકેલવાનું કાર્ય મૂત્રક્ષેપક સ્નાયુ કરે છે. મૂત્રાશયમાંની નિવેશિકાનળી દ્વારા દર્દી જ્યાં સુધી મૂત્રાશય ભરાઈ ગયાની સંવેદના થઈ છે એવું કહે ત્યાં સુધી પ્રવાહી ભરાય છે. એક્સ-રે-ચિત્રણની મદદથી મૂત્રાશયનું ગ્રીવામુખ બરાબર બંધ છે કે નહિ તથા મૂત્રણની ક્રિયા વખતે કે મૂત્રક્ષેપક સ્નાયુના ફલકીય સંકોચનો (phasic contractions) વખતે મૂત્ર અવળે માર્ગે મૂત્રપિંડનળીમાં પ્રવેશે છે કે નહિ તે જાણી લેવાય છે. નિવેશિકાનળી કાઢી નાંખીને દર્દીને સામાન્ય રીતે પેશાબ કરવાનું કહેવાય છે.
સામાન્ય મૂત્રાશય 50 મિલી. / મિનિટના દરે 400થી 550 મિલી. જેટલું મૂત્ર સ્વીકારી શકે છે. તેવે સમયે મૂત્રાશયમાંનું દબાણ પાણીના 15 સેમી.થી વધતું નથી તથા મૂત્રક્ષેપક સ્નાયુનાં ફલકીય સંકોચનો હોતાં નથી. સામાન્ય માણસમાં 40(સ્ત્રીઓ)થી 60 (પુરુષો) સેમી. પાણી જેટલા દબાણે મૂત્રાશય ખાલી થવાનો મૂત્રપ્રવાહ વહે છે. મૂત્રપ્રવાહનો દર (મૂત્રવહન દર) 20થી 25 મિલી./સેકન્ડ હોય છે. મૂત્રાશયના વિવિધ પ્રકારના વિકારો; જેવાં કે પુર:સ્થગ્રંથિ (prostate gland) મોટી થવાથી થતો અટકાવ, મૂત્રાશયનું નિયંત્રણ કરતા ચેતાતંત્રના વિકારો તથા ખાસ કરીને સ્ત્રીઓમાં યોનિ અને ગર્ભાશયના વિકારો વગેરેમાં મૂત્રાશય અસરગ્રસ્ત થાય ત્યારે થતા મૂત્રાશયના વિકારના નિદાનમાં આ પ્રકારનું માપન ઉપયોગી રહે છે.
શિલીન નં. શુક્લ
પ્રવીણ અ. દવે