મૂત્રાઘાત (મૂત્રાવરોધ) (આયુર્વેદ)

February, 2002

મૂત્રાઘાત (મૂત્રાવરોધ) (આયુર્વેદ): આયુર્વેદમાં નિર્દિષ્ટ મૂત્રપ્રવૃત્તિનો એક રોગ. આ રોગમાં મૂત્રાશય બગડી જાય છે અને પેશાબની ઉત્પત્તિ કે વિસર્જન-પ્રવૃત્તિ બહુ જ ઓછી થઈ જાય છે. મૂત્રાશય ચૈતન્યરહિત થવાથી મૂત્રાઘાત થાય, ત્યારે પેડુ (બસ્તિ-બ્લૅડર) ભરાઈ જાય છે, પણ પેશાબની પ્રવૃત્તિ ખાસ થતી નથી. આ રોગમાં પેશાબ રોકાઈને થોડો થોડો થાય છે. ઘણી વાર પ્રમેહનો રોગ થયા પછી ‘મૂત્રાઘાત’ (મૂત્રબંધ) થાય છે, જેને આધુનિક વિજ્ઞાન obstructed micturition અથવા anuria કહે છે.

મૂત્રાઘાત રોગને મળતો આવતો બીજો રોગ છે – મૂત્રકૃચ્છ્ર, જેમાં મૂત્રમાર્ગ સંકુચિત થતાં પેશાબ વારંવાર થોડો થોડો ટીપે ટીપે થાય છે ને તેમાં તીવ્ર વેદના પણ થાય છે. મૂત્રાઘાતમાં ક્લેશ (પીડા) અલ્પ હોય છે. તેમાં મૂત્રનો અવરોધ હોય છે.

મૂત્રાઘાત રોગનાં લક્ષણો : ટીપે ટીપે પેશાબ થવો, કદીક મૂત્રની સાથે લોહી જવું, મૂત્રાશયનું ફૂલવું, આફરો, તીવ્ર વેદના, બસ્તિ(મૂત્રાશય)માં પથ્થર જેવી ગાંઠ થવી, પેશાબ જાડો (ડહોળો), મલમિશ્રિત કે મળની દુર્ગંધવાળો થવો ઇત્યાદિ આ બધાં આ રોગનાં લક્ષણો છે.

રોગનું કારણ : મૂત્ર, વીર્ય અને ઝાડા જેવા કુદરતી આવેગોને પરાણે રોકી રાખવાની ટેવથી મૂત્રાશયમાં વાયુદોષ સવિશેષ વકરે છે ને તેથી આ રોગ થાય છે.

રોગના પ્રકારો : આયુર્વેદવિજ્ઞાને મૂત્રાઘાતના કુલ 13 પ્રકારો તેનાં વિવિધ લક્ષણો મુજબ બતાવ્યા છે; જેમ કે, વાતકુંડલિકા, વાતબસ્તિ, મૂત્રજઠર, મૂત્રાતીત (અતિમૂત્ર), અષ્ઠીલા (ગાંઠ), મૂત્રોત્સંગ (મૂત્રમાર્ગસંકોચ), મૂત્રક્ષય, મૂત્રગ્રંથિ (પૌરુષ ગ્રંથિ), મૂત્રશુક્ર, ઉષ્ણવાત (ઊનવા), મૂત્રસાદ, વિડ્વિઘાત અને બસ્તિકુંડલ.

સારવાર : (1) ઇંદ્રિયના મૂત્રછેદમાં શુદ્ધ કપૂર મૂકવાથી પેશાબ છૂટે છે. (2) કેળના 100 ગ્રામ પાણીમાં સાકર ઉમેરી પીવાથી કે શેરડીનો રસ પીવાથી મૂત્ર છૂટથી થાય છે. (3) સૂરોખાર 1 ગ્રામ અને જવખાર 1 ગ્રામ દૂધ કે પાણીમાં મેળવીને દિનમાં 3–4 વાર લેવા જોઈએ. (4) દૂધમાં સોડાવૉટર ઉમેરી તરત પી જવું. (5) તાંદળજાના રસમાં કે ગોખરુના ઉકાળામાં ચપટી સૂરોખાર નાંખી પીવાથી પેશાબ છૂટથી થાય છે. (6) ઊનવા : આ રોગમાં ચંદન, જટામાંસી, ચોખાનું ધોવરામણ અને સાકર મેળવી પીવું અથવા ચંદનાદિ વટી  ઠંડા દૂધ સાથે લેવી હિતાવહ છે. (7) એલચી, પાષાણભેદ, ગોખરુ અને શિલાજિત – આ સર્વ એકત્ર કરી ચોખાના ધોવરામણમાં દેવાથી પથરી અને મૂત્રબંધ મટે છે. (8) આ રોગના દર્દીને રોજ રાતે દિવેલમાં સાંતળેલી હિમેજની ફાકી દેવી.

શાસ્ત્રોક્ત ઔષધો : ગોક્ષુરાદિ ક્વાથ, પુનર્નવાદિ ક્વાથ, હરીતક્યાદિ ક્વાથ, ચંદ્રપ્રભા વટી, ગોક્ષુરાદિ ગૂગળ, શુદ્ધ શિલાજિત તથા અશ્મરીહર ક્વાથ.

અન્ય ઉપાય : પેશાબ બંધ થઈ ગયો હોય ને પેડુમાં પેશાબ ભરાયો હોય તો મૂત્રમાર્ગમાં રબરની પાતળી નળી (કૅથેટર) મૂકવાથી, તત્કાલ પેશાબ ઊતરે છે.

બળદેવપ્રસાદ પનારા