મૂત્રપિંડશોફ, સજલ અને સપૂય

February, 2002

મૂત્રપિંડશોફ, સજલ અને સપૂય (Hydronephrosis and Pyonephrosis) : મૂત્રવહનમાં અવરોધને કારણે ફૂલી ગયેલા મૂત્રપિંડનો વિકાર. તેને સજલ મૂત્રપિંડશોફ અથવા મૂત્રપિંડજલશોફ (hydronephrosis) કહે છે અને તેમાં પરુ ભરાયેલું હોય તો તેને સપૂય મૂત્રપિંડશોફ અથવા મૂત્રપિંડપૂયશોફ (pyonephrosis) કહે છે. જો મૂત્રપિંડનળીમાં અટકાવ આવેલો હોય તો તેને મૂત્રપિંડનળીરોધ (ureteric obstruction) કહે છે. એક બાજુ મૂત્રપિંડનળીરોધમાં અટકાવની ઉપરની મૂત્રપિંડનળી, તથા મૂત્રપિંડમાંની દ્રોણી (કુંડ, pelvis) પણ પહોળી થયેલ હોય છે. તેવે સમયે ફક્ત એક બાજુના મૂત્રપિંડમાં સજલ મૂત્રપિંડશોફ થાય છે. તેને એકપાર્શ્વી (unilateral) સજલ મૂત્રપિંડશોફ કહે છે. જો અટકાવ મૂત્રાશયનળી(urethra)માં હોય તો તેને મૂત્રાશયનળીરોધ (urethral obstruction) કહે છે. મૂત્રાશયનળીરોધ, મૂત્રાશયમાંની ગાંઠને કારણે બંને મૂત્રપિંડનળીનાં દ્વારછિદ્રો પર અટકાવ અથવા બંને મૂત્રપિંડનળી પર બહારથી આવતા દબાણને કારણે બંને બાજુ (દ્વિપાર્શ્વી, bilateral) સજલ મૂત્રપિંડશોફ થાય છે. સજલ મૂત્રપિંડશોફ કરતાં અવરોધક પરિબળોની યાદી સારણી 1માં દર્શાવી છે.

સારણી 1: સજલ મૂત્રપિંડશોફ કરતાં કેટલાંક મુખ્ય રોગો કે પરિબળો

વિકાર

કારણજૂથ ઉદાહરણ
1 2

3

1. એકપાર્શ્વી સજલ મૂત્રપિંડશોફ(unilateral hydronephrosis)

 

 

અ.

 

 

મૂત્રપિંડનળી પર બહારથી દબાણ

ગર્ભાશીય ગ્રીવા (uterine cervix), પુર:સ્થગ્રંથિ (prostate gland), મળાશય, મોટું આંતરડું તથા અંધાંત્ર(caecum)માં ગાંઠ, પેટની પાછલી દીવાલમાં તંતુતા (fibrosis) થાય (પશ્ચપરિતની  તંતુતા, retroperitoneal fibrosis), નીચલી મોટી શિરાની પાછળથી મૂત્રપિંડનળી જતી હોય (પશ્ચ- મહાશિરાસ્થાની મૂત્રપિંડ-નળી, retrocaval ureter)

આ.

 

મૂત્રપિંડનળીમાંથી ઉદભવતો અવરોધ અંત:ભિત્તિરોધ (intramural obstrution)

જન્મજાત સાંકડી નળી (સંકીર્ણતા, stenosis), સાંકડું દ્રોણી-નળી જોડાણ (pelviureteric junction), મૂત્રપિંડનળી કોષ્ઠ (ureterocoele) જેમાં મૂત્રપિંડનળીમાં પ્રવાહી ભરેલી પોટલી ભરેલી પોટલી બનેલી હોય, મૂત્રપિંડનળી મૂત્રાશય જોડાણ આગળ સાંકડું છિદ્ર, પથરી કે ક્ષયરોગ જેવા ચેપને કારણે ઉદભવતી તંતુતા, મૂત્રપિંડનળીને અસર કરતી કૅન્સરની ગાંઠ

ઇ. મૂત્રપિંડનળીની અંદર ઉદભવતો રોધ (અંતર્ગુહાકીય રોધ, intraheminal obstruction)

પથરી અથવા મૂત્રપિંડપ્રાંકુર(renal papilla)માં કોષનાશને કારણે છૂટો પડેલો ગઠ્ઠો મૂત્રપિંડ- નળીની અંદર અટકાવ કરે. મધુપ્રમેહ, પીડાશામક દવાઓનો અતિશય ઉપયોગ, દાત્રકોષી પાંડુતા(sicklecell anaemia)માં મૂત્રપિંડ પ્રાંકુરનો કોષનાશ (necrosis) થતો જોવા મળે છે.

2. દ્વિપાર્શ્વી સજલ મૂત્રપિંડશોફ (bilateral hydronephrosis)

 

 

અ.

 

જન્મજાત વિકારો (congenital disorders)

મૂત્રાશયનળીમાં વાલ્વ જેવા પડદા હોય, જ્યાંથી મૂત્રાશયનળી નીકળે છે તે મૂત્રાશય-ગ્રીવા (bladder neck) સાંકડી હોય અથવા શિશ્નમુકુટ પરનું છિદ્ર ચર્માવરણને કારણે સાંકડું હોય (મણિબંધતા, phimosis) તો બંને બાજુની મૂત્રપિંડનળીઓ તથા મૂત્રપિંડો પર દબાણ આવે છે અને મૂત્રપિંડજલશોફ થાય છે.

આ. સંપ્રાપ્ત વિકારો (acquired disorders)

પુર:સ્થ ગ્રંથિમાં સૌમ્ય પ્રકારની અતિવૃદ્ધિ થાય (પુર:સ્થગ્રંથીય સૌમ્ય-અતિવૃદ્ધિ benign enlargement of prostate), કે તેમાં કૅન્સર થાય, શસ્ત્રક્રિયા પછી મૂત્રાશયગ્રીવા સાંકડી થાય તથા ચેપ કે ઈજાને કારણે મૂત્રાશયનળીનું બાહ્ય છિદ્ર સાંકડું થાય.

મૂત્રપિંડનું દ્રોણી (renal pelvis) કાં તો મુખ્યત્વે મૂત્રપિંડ બહાર હોય છે અથવા અંદર હોય છે. જ્યારે પણ મૂત્રપિંડનળીમાં દબાણ વધે એટલે મૂત્રપિંડ-દ્રોણી પહોળું થવા માંડે છે અને તેમાં મૂત્ર ભરાઈ રહે છે. જો મૂત્રપિંડ-દ્રોણી મૂત્રપિંડની અંદર હોય તો મૂત્રપિંડની પેશીને વહેલું નુકસાન થાય છે. પરંતુ જો તે મુખ્યત્વે બહાર હોય તો દ્રોણિકાઓ (calyses) પહોળી થાય છે અને પછી મૂત્રપિંડ અસરગ્રસ્ત બને છે. જો મુખ્યત્વે દ્રોણી અસરગ્રસ્ત હોય તો તેને દ્રોણીય મૂત્રપિંડજલશોફ (pelvic hydronephrosis) કહે છે. મૂત્રપિંડને નુકસાન થતું જાય તેમ તે પાતળી પાણી ભરેલી અનેક પોટલીઓના સમૂહ જેવું બને છે અને તેમાં ઓછી વિશિષ્ટ ઘનતાવાળું મૂત્રસમ (uriniferous) પ્રવાહી ભરેલું હોય છે.

નિદાન : મોટા ભાગે દ્રોણી-મૂત્રપિંડનળી જોડાણના સાંકડાપણાને કારણે કે પથરીને કારણે એક બાજુનો મૂત્રપિંડજલશોફ થાય છે. તેનું સ્ત્રી:પુરુષ પ્રમાણ 2 : 1 છે. સામાન્ય રીતે તે જમણી બાજુ પર થાય છે. ધીમે ધીમે વધતા મંદ પ્રકારના કમરના દુખાવા રૂપે શરૂ થાય છે. વધુ પાણી પીવાથી તેમાં વધારો થાય છે. દ્રોણી-મૂત્રપિંડનળીના જોડાણ આગળ અટકાવ હોય તો મૂત્રપિંડ મોટો થાય છે. પેટ તથા પીઠના કમરવાળા ભાગ એમ બંને જગ્યાએ હાથ મૂકીને બંને હાથ વચ્ચે મોટા થયેલા મૂત્રપિંડનું સંસ્પર્શન (palpation) કરી શકાય છે. જો સંસ્પર્શન ન થઈ શકે એવી રીતે મોટો થયેલો મૂત્રપિંડ ન હોય તો ક્યારેક પેટમાં સખત ચૂંક ઊપડે છે. જો અટકાવ અપૂર્ણ હોય તો થોડા સમય પછી ભરાયેલો પેશાબ નીચે વહે છે અને તેવા સંજોગોમાં મૂત્રણ કર્યા પછી પેટમાંનો દુખાવો ઘટે છે. તેને ડાયટ્લનું સંકટમોચન (Dietl’s crisis) કહે છે. જો નીચલા મૂત્રમાર્ગમાં અટકાવ હોય તો પેશાબ કરવામાં પડતી મુશ્કેલીથી થતી તકલીફો જોવા મળે છે. તે સમયે બંને મૂત્રપિંડમાં જલશોફ થઈ શકે છે. બંને બાજુની મૂત્રપિંડનળીઓમાં અટકાવ થવાની સંભાવના ઓછી હોય છે. જો તે થાય તો તેમાં સામાન્ય રીતે એક બાજુ પર જ કેડનો દુખાવો જોવા મળે છે. સગર્ભાવસ્થાના 20મા અઠવાડિયાથી બંને બાજુની મૂત્રપિંડનળીઓ અને મૂત્રપિંડ-દ્રોણીઓ પહોળી થયેલી હોય છે અને તે પ્રસૂતિ પછી 12 અઠવાડિયાં સુધીમાં ફરીથી સામાન્ય થાય છે. તે થવાનું કારણ લોહીમાં પ્રોજેસ્ટીરોન નામના અંત:સ્રાવનું વધેલું પ્રમાણ છે. આ આખી સ્થિતિ સામાન્ય સગર્ભાવસ્થાનું ચિહન છે. આ સ્થિતિની જાણકારીનું મહત્વ બીજું છે – તેને કારણે પેશાબમાં ચેપ લાગવાની સંભાવના વધે છે તથા ક્યારેક પેટમાં થતો દુખાવો પણ મૂત્રપિંડજલશોફને કારણે હોય છે.

આકૃતિ : (અ) મૂત્રપિંડનો ઊભો છેદ; (આ, ઇ) પેટ અને પીઠમાં દુખાવો થવાની જગ્યા; (ઈ, ઉ) મૂત્રપિંડદ્રોણી–મૂત્રપિંડનળીના જોડાણના સાંકડાપણાને દૂર કરવાની શસ્ત્રક્રિયા : (1) મૂત્રપિંડ, (2) મૂત્રપિંડનળી, (3) મૂત્રપિંડદ્રોણી, (4) દ્રોણિકા, (5) પાંસળીઓ, (6) પેટ, (7) દુખાવાની જગ્યા, (8) મૂત્રપિંડ–નળીમાંની ચૂંકનો માર્ગ, (9) મૂત્રપિંડદ્રોણીનળી વચ્ચેનું સાંકડાપણું, (10) પહોળી થયેલી દ્રોણી, (11) શસ્ત્રક્રિયા વડે જોડાણના સાંકડાપણામાં સુધારો

નિદાન માટે ધ્વનિચિત્રણ (sonography) સરળ અને સચોટ પદ્ધતિ છે. તેની મદદથી ગર્ભાશય-સ્થિત ગર્ભશિશુમાંના દ્રોણી-મૂત્રપિંડનળી જોડાણના સાંકડાપણાનું પણ નિદાન શક્ય છે. આ ઉપરાંત ઉત્સર્ગીય મૂત્રમાર્ગચિત્રણ (excretion urography) પણ ઉપયોગી પદ્ધતિ છે. સમસ્થાનિક-જન્ય મૂત્રપિંડચિત્રણ (isotope renography) વડે પણ નિદાનમાં મદદ થાય છે. તેને માટે સમસ્થાનિક દ્રવ્ય રૂપે 99mTc સંજ્ઞાધારી ડાઇઇથાયલિન ટ્રાયામિન પેન્ટા – એસેટિક ઍસિડ (99mTc – DTPA) વપરાય છે. આ સમસ્થાનિક દ્રવ્યને નસ વાટે અપાય તો તે ઝડપથી મૂત્રપિંડ દ્વારા ગળાઈને પેશાબમાં પ્રવેશે છે. જો મૂત્રમાર્ગમાં અવરોધ હોય તો તે પહોળા થયેલા દ્રોણીમાં ભરાઈ રહે છે અને તેનાં ચિત્રો મેળવી શકાય છે. જો જરૂરી લાગે તો જવલ્લે જ કરાતી વ્હિટેકરની કસોટી (Whitaker’s test) કરાય છે. તેમાં કમરમાંથી પ્રવેશ આપીને સોયને મૂત્રપિંડની દ્રોણીમાં નંખાય છે અને તેના દ્વારા નિશ્ચિત અને નિયમિત દરે પ્રવાહી વહેવડાવવામાં આવે છે. જો અટકાવ ન હોય તો તે મૂત્રપિંડનળી દ્વારા વહીને મૂત્રાશયમાં ભરાય છે અને નીચલા મૂત્રમાર્ગે બહાર આવે છે. તેથી દ્રોણીમાંનું દબાણ વધતું નથી. પરંતુ જો મૂત્રમાર્ગમાં અટકાવ હોય તો દ્રોણીમાં દબાણ વધે છે. તેને અંત:દ્રોણી પ્રદમ અથવા અંત:દ્રોણી દાબ(intrapelvic pressure)નો વધારો કહે છે. અટકાવ કરતા વિકારના સ્થાનને વધુ સ્પષ્ટ રીતે નિશ્ચિત કરવા માટે વિપરીતમાર્ગી મૂત્રમાર્ગચિત્રણ (retrograde pyelography) કરાય છે, જેમાં એક્સ-રે-રોધી દ્રવ્ય મૂત્રાશયનળી દ્વારા મૂત્રાશયમાં તથા મૂત્રપિંડ-દ્રોણી અને મૂત્રપિંડનળીમાં નાંખવામાં આવે છે.

સારવાર : કમરમાં દુખાવાના વારંવાર થતા હુમલા, વધતો જતો મૂત્રપિંડજલશોફ, મૂત્રપિંડની પ્રમુખપેશીને થતું નુકસાન તથા વારંવાર લાગતો ચેપ સારવાર કરવાની જરૂરિયાત સર્જે છે. મૂત્રપિંડની પેશીને તથા કાર્યને જાળવી રાખવાના ઇરાદાથી સારવાર કરાય છે. વારંવાર ચિત્રણો મેળવીને તથા પેશાબનું પરીક્ષણ મેળવીને તપાસ કરાય છે, અટકાવને શસ્ત્રક્રિયા કે અન્ય રીતે દૂર કરવા પ્રયત્ન કરાય છે અને અંતિમ તબક્કાઓમાં જરૂર પડ્યે મૂત્રપિંડ-ઉચ્છેદન (nephrectomy) કરીને મૂત્રપિંડ કાઢી નંખાય છે. મૂત્રપિંડ-દ્રોણી અને મૂત્રપિંડનળીના જોડાણ પાસે સાંકડાપણું થયેલું હોય તો ઍન્ડરસન હાઈન્સની દ્રોણી-પુનર્રચના (Anderson–Hynes’ pyeloplasty) નામની શસ્ત્રક્રિયા કરાય છે. તેના વડે જોડાણનું સાંકડાપણું દૂર કરાય છે. જો પથરી કે ગાંઠને કારણે અટકાવ હોય તો તેની યોગ્ય સારવાર અપાય છે.

મૂત્રપિંડ પૂયશોફ અથવા સપૂય મૂત્રપિંડશોફ (pyonephrosis) : મૂત્રપિંડ જ્યારે પરુ કે પરુમય પેશાબ ભરેલી પોટલીઓનો સમૂહ જેવો બની જાય ત્યારે તેને મૂત્રપિંડપૂયશોફ કહે છે. સામાન્ય રીતે તે મૂત્રપિંડમાં પથરીને કારણે થતા રોગમાં જોવા મળે છે. ક્યારેક તે ઉગ્ર સદ્રોણી મૂત્રપિંડશોથ(acute pyelonephritis)ના રોગમાં આનુષંગિક તકલીફ રૂપે તથા સજલ મૂત્રપિંડશોફ(hyedron-ephrosis)માં ચેપ લાગવાથી પણ થાય છે. તેને કારણે લોહીમાં હીમોગ્લોબિન ઘટવાથી પાંડુતા (anaemia) થાય છે, તાવ આવે છે તથા કમરમાં સોજો આવે છે. સજલ મૂત્રપિંડશોફ ચેપને કારણે ઉદભવે છે ત્યારે મૂત્રપિંડ ઘણો મોટો થયેલો હોય છે. પુષ્કળ ટાઢ વાય છે અને સખત તાવ ચઢે છે. ઘણી વખત મૂત્રાશયશોથ(cystitis)નાં ચિહનો અને લક્ષણો થઈ આવે છે. એક્સ-રે-ચિત્રણમાં જો પથરી હોય તો તે જણાઈ આવે છે. ધ્વનિચિત્રણમાં મોટો થયેલો મૂત્રપિંડ અને પહોળી થયેલી દ્રોણી જોવા મળે છે. નસ વાટે એક્સ-રે-રોધી દ્રવ્ય નાંખીને કરાતી શિરામાર્ગી મૂત્રમાર્ગ-ચિત્રણ(intravenous pyelography)ની તપાસમાં મૂત્રપિંડનું ઘટેલું કાર્ય જોવા મળે છે.

સપૂય મૂત્રપિંડશોફને શસ્ત્રક્રિયા કરવા માટેની એક સંકટસમ જરૂરિયાત ગણવામાં આવે છે, કેમ કે તેને કારણે મૂત્રપિંડની બાકીની સામાન્ય પેશીને બચાવી શકાય છે અને પરુને શરીરમાં ફેલાતું અટકાવી શકાય છે. લોહી દ્વારા પરુ શરીરમાં બધે ફેલાય તેવી સ્થિતિને પૂયરુધિરતા (septicaemia) કહે છે. નસ વાટે ઍન્ટિબાયૉટિક દવાઓ અપાય છે અને મૂત્રપિંડમાંનું પરુ બહાર કાઢવાની ક્રિયા કરાય છે. તેને પૂયનિષ્કાસન (pus aspiration) કહે છે. જો સોય વડે આ રીતે પરુ કાઢી શકાતું ન હોય તો ચામડીમાં મોટો છેદ મૂકીને મૂત્રપિંડમાં છિદ્ર પડાય છે અને પરુ કઢાય છે. તેને પારત્વકીય મૂત્રપિંડ-છિદ્રણ(percutaneous nehprostomy)ની શસ્ત્રક્રિયા કહે છે. ક્યારેક પૂરેપૂરી શસ્ત્રક્રિયા કરીને મૂત્રપિંડને ખુલ્લો કરાય છે અને પછી તેમાં છિદ્રણ કરાય છે. તેને અનાવૃત મૂત્રપિંડછિદ્રણ (open nephrostomy) કહે છે. મૂત્રપિંડમાં પાડેલા કાણા (છિદ્ર) દ્વારા પરુ કાઢી લેવાય છે. જો પથરી હોય તો તેને દૂર કરાય છે. જો લાંબા સમયના અવરોધને કારણે તથા ચેપને કારણે આખો મૂત્રપિંડ પરુની પોટલી બની ગયો હોય તો તેને શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે. તેને મૂત્રપિંડ-ઉચ્છેદન (nephrectomy) કહે છે. તેવે સમયે બીજી બાજુના મૂત્રપિંડનું કાર્ય જો સામાન્ય હોય તો દર્દી સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે.

શિલીન નં. શુક્લ

પ્રવીણ અ. દવે