મૂત્રપિંડશોથ, અંતરાલીય (Interstitial Nephritis) : તાવ, ચામડી પરનો સ્ફોટ (rash), ટૂંકા સમયથી થયેલી મૂત્રપિંડ-નિષ્ફળતા તથા પેશાબમાં લોહી તથા ક્યારેક પૂયકોષો (pus cells) જતા હોય તેવી સ્થિતિવાળો વિકાર. મૂત્રપિંડમાં બે પ્રકારની પેશી હોય છે : મુખ્ય કાર્ય કરતી પ્રમુખપેશી (દા.ત., મૂત્રક – nephron) તથા મૂત્રકોની વચ્ચે આવેલી અંતરાલીય પેશી (interstitial tissue). અંતરાલીય પેશીના વિકારજન્ય સોજાના રોગને અંતરાલીય મૂત્રપિંડશોથ કહે છે. અંતર્ગત કારણોથી ઉદભવતી મૂત્રપિંડ નિષ્ફળતાના દર્દીઓના 10 % થી 15 % દર્દીઓમાં ઉગ્ર અંતરાલીય મૂત્રપિંડશોથ થાય છે. સામાન્ય રીતે તેમાં મૂત્રકનલિકા(renal tubule)ના કોષોને થતી ઈજા તથા મૂત્રપિંડની અંતરાલીય પેશીમાં શોથકારી (inflammatory) પ્રતિભાવરૂપ થતો સોજો જોવા મળે છે. શરીરનું પ્રતિરક્ષાતંત્ર (immune system) જ્યારે વિકાર રૂપે ઉત્તેજિત થાય ત્યારે કોષીય પ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયા (cell mediated immunological reaction) ઉદભવે છે. તેને કારણે મૂત્રપિંડની અંતરાલીય પેશીના કોષો મરે છે તથા કેટલાંક લસિકાકોષગતિક દ્રવ્યો(lymphokines) છૂટાં પડે છે, જે એકકેન્દ્રી કોષો તથા અન્ય શોથકારી કોષોની અંતરાલીય પેશીમાં જમાવટ કરે છે. તેને કારણે ત્યાં સોજો આવે છે. આશરે 70 % કિસ્સામાં તે દવાઓને કારણે થાય છે. ક્યારેક તે ચેપી રોગો કે પ્રતિરક્ષાતંત્રના રોગોમાં પણ જોવા મળે છે. પેનિસિલિન્સ, સિફેલોસ્પૉરિન્સ, સલ્ફોનેમાઇડ્ઝ, સલ્ફોનેમાઇડવાળા મૂત્રવર્ધકો, સ્ટીરૉઇડ સિવાયનાં પ્રતિશોથ ઔષધો (દા.ત., ઍસ્પિરિન વગેરે), રિફામ્પિન, ફેનિટૉઇન તથા એલોપ્યુરિનોલ જેવી દવાઓના ઉપયોગમાં ક્યારેક આવો વિકાર થઈ આવે છે. સ્ટ્રેપ્ટોકોકલ જીવાણુઓથી થતો ચેપ, લેપ્ટોસ્પાયરૉસિસ, સાયટોમેગેલો વિષાણુનો ચેપ, હિસ્ટોપ્લાઝમૉસિસ તથા રૉકિ-માઉન્ટન સ્પૉટેડ રોગ જેવા ચેપી રોગોમાં પણ તે થાય છે. પ્રતિરક્ષાતંત્રના રોગોમાં મોટે ભાગે સગુચ્છ મૂત્રપિંડશોથ (glomerulonephritis) થાય છે. પરંતુ જોગ્રેનનું સંલક્ષણ, સારકોઇડૉસિસ તથા ક્રાયોગ્લોબ્યુલિનિમિયા જેવા પ્રતિરક્ષાલક્ષી વિકારોમાં ક્યારેક અંતરાલીય મૂત્રપિંડશોથ થાય છે.

ઉપર દર્શાવેલ દવાઓની આડઅસર વિવિધ પ્રકારના ચેપ તથા પ્રતિરક્ષાલક્ષી વિકારો શરીરના રોગપ્રતિકાર માટેના પ્રતિરક્ષાતંત્રમાં વિષમ પ્રતિભાવો સર્જે ત્યારે ક્યારેક મૂત્રપિંડની અંતરાલીય પેશીમાં વિવિધ પ્રકારના કોષોનો નાશ કરતાં દ્રવ્યો (કોષવિષ, cytotoxins) તથા લોહીમાંના કેટલાક કોષોને આકર્ષતાં દ્રવ્યો (દા.ત., લસિકાકોષગતિક) છૂટાં પડે છે. તેને કારણે અંતરાલીય પેશીના કોષોને ઈજા થાય છે. કોષગતિક દ્રવ્યને કારણે લોહીમાંના વિવિધ શ્વેતકોષો અંતરાલીય પેશીમાં પ્રવેશે છે અને તેને કારણે ત્યાં સોજો આવે છે. તેને શોથ(inflammation)નો વિકાર કહે છે. અંતરાલીય પેશીમાં આવેલા શોથના વિકારમાં મૂત્રકનલિકાઓ પણ અસરગ્રસ્ત થાય છે. આ સમગ્ર વિકારને અંતરાલીય મૂત્રપિંડશોથ કહે છે.

આશરે 80 % દર્દીઓને તાવ આવે છે, ચામડી પર ડાઘા (maccules) અને ફોલ્લીઓ(papules)વાળો સ્ફોટ થાય છે, સાંધા દુખે છે તથા ક્યારેક ઉગ્ર પ્રકારની મૂત્રપિંડી અપર્યાપ્તતા (renal insufficiency) થઈ આવે છે. લોહીમાં ઈયોસિનરાગી શ્વેતકોષો અથવા ઈયોસિનકોષો (eosinophils) વધે છે, પેશાબમાં લોહીના રક્તકોષો તથા શ્વેતકોષો વહે છે. તેને રુધિરમૂત્રમેહ (haematuria) કહે છે. પેશાબમાં શ્વેતકોષોનાં ઘન રૂપો (casts) પણ જોવા મળે છે. જો પ્રતિશોથ-પીડાનાશકો (anti-inflammatory analgesics) અપાયાં હોય તો ક્યારેક પ્રોટીનમૂત્રમેહ પણ થાય છે. મૂત્રપરીક્ષણમાં રાઈટની અભિરંજનક્રિયા કરવામાં આવે તો મૂત્રમાં પણ ઈયોસિનરાગી શ્વેતકોષો અથવા ઈયોસિનકોષો જોવા મળે છે. તેને ઈયોસિનકોષ-મૂત્રમેહ (eosinophiluria) કહે છે. જો મૂત્રપિંડી અપર્યાપ્તતા થાય તો ઉગ્ર મૂત્રપિંડી નિષ્ફળતાનાં અન્ય કારણોથી તેને અલગ પડાય છે. (જુઓ : મૂત્રપિંડી નિષ્ફળતા, ઉગ્ર).

કારણરૂપ રોગની સારવાર કરીને અથવા કારણરૂપ ઔષધનો ઉપયોગ બંધ કરીને આધારદાયી સારવાર આપવાથી ઘણું સારું પરિણામ આવે છે. થોડાંક અઠવાડિયાંથી થોડાક મહિનામાં સંપૂર્ણપણે પુન:સ્વાસ્થ્ય-સ્થાપન (recovery) થાય છે. જોકે 1/3 જેટલા કિસ્સામાં પારગલન (dialysis) વડે સારવાર કરવાની જરૂર પડે છે. ભાગ્યે જ કોઈ દર્દીમાં મૂત્રપિંડ-નિષ્ફળતાનો છેલ્લો તબક્કો થાય એટલી હદે વિકાર વધે છે. મોટી ઉંમરની વ્યક્તિ કે લાંબા સમય સુધી પેશાબ-ક્રિયા ઘટી ગઈ હોય એવા અલ્પમૂત્રતા(oliguria)વાળા દર્દીઓમાં ક્યારેક સુખદ પરિણામ જોવા મળતું નથી. દવાઓ વડે તીવ્ર પ્રકારનો વિકાર થયેલો હોય તો થોડાક સમય માટે પ્રેડ્નિસોલોનને ભારે માત્રામાં અપાય છે.

શિલીન નં. શુક્લ

જગદીપ શાહ