મૂત્રપિંડરુગ્ણતાઓ, સગુચ્છ (glomerulo-nepheropathies) : મૂત્રકગુચ્છ(glomerulus)નો કોઈ ભાગ અસરગ્રસ્ત થવાથી થતા મૂત્રપિંડના રોગો. તેમને ગુચ્છમૂત્રપિંડરુગ્ણતા પણ કહે છે. મૂત્રકગુચ્છના વિવિધ ભાગો અસરગ્રસ્ત થઈ શકે છે; જેમ કે, અધિચ્છદ(epithelium)ના પાદકોષો (podocytes), તલપટલ (basement membrane), કેશવાહિનીઓનું અંતશ્ચછદ (endothelium) અને મધ્યપેશી (mesangium). મોટાભાગે તે શોથ(inflammation)ના વિકાર રૂપે જોવા મળે છે. શોથના વિકારના ભાગ રૂપે મૂત્રપિંડની અસરગ્રસ્ત પેશીમાં લોહીની નસો ફૂલે છે, રુધિરાભિસરણ વધે છે, કેટલાક પ્રકારના શ્વેતકોષો પેશીમાં પ્રવેશે છે અને તેથી ત્યાં સોજો આવે છે. આ સમગ્ર સ્થિતિને શોથ કહે છે. નિદાન માટે મૂત્રપિંડનું પેશીપરીક્ષણ (biopsy) ઉપયોગી નીવડે છે. તેમાં બહેરી કરેલી ચામડી દ્વારા સોય નાંખીને મૂત્રપિંડની પેશીનો નાનો ટુકડો મેળવાય છે અને તેને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે છે. તેની મદદથી કારણરૂપ પરિબળની જાણકારી મળે છે. ગુચ્છમૂત્રપિંડરુગ્ણતાના વિકારમાં ઉદભવતાં લક્ષણો અને ચિહનો બે જૂથમાં વહેંચાય છે – મૂત્રપિંડશોથીય સંલક્ષણ (nephritic syndrome) અને અપમૂત્રપિંડી સંલક્ષણ (nephrotic syndrome). પેશાબમાં લોહી વહે (રુધિરમૂત્રતા, haematuria), પ્રોટીન વહે (નત્રલમૂત્રતા, proteinuria), લોહીનું દબાણ વધે તથા ગુચ્છગલનનો દર ઘટે તો તેને મૂત્રપિંડશોથ સંલક્ષણ કહે છે. મૂત્રકગુચ્છનું મુખ્ય કાર્ય લોહીનું ગાળણ કરવાનું છે અને તેના પ્રતિ મિનિટ દરને ગુચ્છગલન દર (glomerular filtration rate, GFR) કહે છે. અપમૂત્રપિંડી સંલક્ષણ રૂપે ભારે માત્રામાં નત્રલમૂત્રમેહ થાય છે (3.5 ગ્રામ/24 કલાકથી વધુ). લોહીમાં આલ્બ્યુમિન ઘટે છે તથા મેદદ્રવ્યો વધે છે અને શરીરે સોજા આવે છે.

વર્ગીકરણ : મૂત્રકગુચ્છના રોગોને 3 જૂથમાં વહેંચવામાં આવે છે – મૂત્રપિંડશોથીય સંલક્ષણ, અપમૂત્રપિંડી સંલક્ષણ અને લક્ષણ રહિત (asymptomatic) મૂત્રપિંડ રોગ. વિવિધ પ્રકારના મૂત્રકગુચ્છી રોગો આ ત્રણમાંથી કોઈ એક કે ત્રણેય પ્રકારનાં સંલક્ષણો દર્શાવે છે. મૂત્રકગુચ્છના રોગો પ્રાથમિક (primary) મૂત્રપિંડી રોગ તરીકે અથવા શરીરના કોઈ અન્ય રોગમાં આનુષંગિક તકલીફ તરીકે ઉદભવતા મૂત્રકગુચ્છના વિકાર તરીકે હોય એવું જોવા મળે છે.

મૂત્રપિંડશોથીય સંલક્ષણ (nephritic syndrome) : તેમાં પેશાબમાં લોહી વહે, શરીરે સોજા આવે તથા લોહીનું દબાણ વધે છે. ઉગ્ર ગુચ્છમૂત્રપિંડશોથ (acute glemerulonephritis)ના રોગમાં દિવસોથી અઠવાડિયા સુધી મૂત્રપિંડમાં શોથનો વિકાર થઈ આવે છે અને મૂત્રપિંડની ક્રિયામાં ઘટાડો થાય છે. જો તીવ્ર વિકાર હોય તો 50 % જેટલા મૂત્રકો(nephrones)નો નાશ થાય છે. આવા વિકારને સતતવર્ધનશીલ ઉગ્ર ગુચ્છમૂત્રપિંડશોથ (progressive acute glomerulonephritis) કહે છે. તેમાં મૂત્રકગુચ્છોને થતું નુકસાન કાયમી હોય છે. સતત રહેતો વિકાર દીર્ઘકાલી ગુચ્છમૂત્રપિંડશોથનો રોગ સર્જે છે, જેમાં છેવટે દર્દી અંતિમફલકીય મૂત્રપિંડરોગ(end stage renal disease)ના તબક્કામાં પ્રવેશે છે. મુખ્ય 3 પ્રકારના રોગોને આ વિકારજૂથમાં સમાવવામાં આવે છે : ઉગ્ર સંક્રમણોત્તર ગુચ્છમૂત્રપિંડશોથ (acute postinfections  glomerulonephritis), પ્રતિરક્ષા ગ્લોબ્યુલિન–એ (lgA) સંબંધિત મૂત્રપિંડરુગ્ણતા (nephropathy) અથવા બર્જરનો રોગ અને હૅનોક–શૉન્લેન રુધિરછાંટ (Henoch Schionlein purpura) તથા અતિસતતવર્ધનશીલ ઉગ્ર ગુચ્છમૂત્રપિંડશોથ. નિદાન માટે પ્રતિરક્ષાલક્ષી (immunological) કસોટીઓ, પેશાબની તપાસ તથા મૂત્રપિંડમાં સોય નાંખીને ટુકડો લેવાની પેશીપરીક્ષણ(biopsy)ની પ્રક્રિયા કરવામાં આવે છે. સારવારમાં લોહીનું ઊંચું દબાણ, સોજા તથા મૂત્રવિષરુધિરતા (uraemia)નાં લક્ષણોને ઘટાડવા માટે પ્રયત્નો થાય છે. તે માટે ખોરાકમાં પાણી અને ક્ષારનો ઘટાડો, મૂત્રવર્ધક ઔષધનો ઉપયોગ તથા જરૂર પડ્યે પારગલન (dyalisis) કરાય છે. શોથની પ્રક્રિયા ઘટાડવા માટે કોર્ટિકોસ્ટીરૉઇડ અને કોષવિષસમ (cytotoxic) ઔષધો વપરાય છે.

અપમૂત્રપિંડ સંલક્ષણ (જુઓ વિ. કો. 1)માં પેશાબમાં પ્રોટીન વહી જાય છે (3.5 ગ્રામ/1.73 લિટર/24 કલાક કે વધુ), લોહીમાં આલ્બ્યુમિન ઘટે છે (3 ગ્રામ/ડેસિલિટર કે ઓછું) તથા શરીરે વ્યાપક સોજા થાય છે. પેશાબ, લોહીની તપાસ તથા મૂત્રપિંડના પેશીપરીક્ષણ(biopsy)થી નિદાન કરાય છે. અપમૂત્રપિંડી સંલક્ષણને મુખ્ય બે જૂથમાં વહેંચાય છે – પ્રાથમિક મૂત્રપિંડી રોગ તથા આનુષંગિક મૂત્રપિંડી રોગ. ન્યૂનતમ પરિવર્તનીય રોગ (minimum change disease), બિંદુસ્થાની અથવા સંકેન્દ્રિત (focal) કે વિખંડીય (segmental) ગુચ્છતંતુકાઠિન્ય (glomerulosclerosis), પટલીય મૂત્રપિંડરુગ્ણતા (membranous nephropathy) તથા પટલવર્ધનશીલ ગુચ્છમૂત્રપિંડરુગ્ણતા (membrano-proliferative glomerulonephritis) – એમ 4 મુખ્ય વિકારોને પ્રાથમિક મૂત્રપિંડી રોગ તરીકે ગણવામાં આવે છે. એમિલોઇડતા, મધુપ્રમેહ તથા HIVના ચેપમાં થતી મૂત્રપિંડરુગ્ણતાને આનુષંગિક મૂત્રપિંડ રોગોના જૂથમાં સમાવવામાં આવે છે. વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus) તથા પટલવર્ધનશીલ ગુચ્છમૂત્રપિંડશોથમાં મૂત્રપિંડશોથીય સંલક્ષણ અને અપમૂત્રપિંડી સંલક્ષણ એમ બંને પ્રકારના વિકારો જોવા મળે છે.

અપમૂત્રપિંડી સંલક્ષણની સારવારમાં દર્દીને પ્રોટીનવાળો આહાર ઘટાડવાનું તથા સોજા ઘટાડવા મીઠું (નમક) અને ક્ષારો ઓછા લઈ ફ્યુરોસેમાઇડ જેવા મૂત્રવર્ધક લેવાનું કહેવામાં આવે છે. દર્દીના મેદવિકારો માટે ખાસ કોઈ સારવાર ઉપલબ્ધ નથી; પરંતુ તે માટે HMG-CoA રિડક્ટેઝના અવદાબકોનો ઉપયોગ કરાય છે. જો દર્દીની નસોમાં લોહી જામી જવાનો વિકાર થાય તો પ્રતિગુલ્મકારી ઔષધો (હિપેરિન, વૉરફેરિન) વગેરે વપરાય છે.

શિલીન નં. શુક્લ

જગદીપ શાહ