મૂત્રકનલિકાગત અમ્લતાવિકાર (Renal Tubular Acidosis) : મૂત્રપિંડના વિકારને કારણે શરીરમાં અમ્લતાનું પ્રાધાન્ય વધે તેવો વિકાર. કોઈ દ્રાવણમાં જ્યારે વિદ્યુત તરંગ પસાર કરાય ત્યારે તેમાં દ્રવિત થયેલા (dissolved) રસાયણમાંના ધન અને ઋણ આયનો છૂટા પડીને પ્રવાહમાં ડુબાડેલા વીજાગ્રો (electrolytes) તરફ ગતિ કરે છે. આવી રીતે અલગ પડી શકે તેવા રસાયણમાંના ધનાયન અને ઋણાયન બનતા ઘટકોને વીજવિભાજ્યો (electrolytes) કહે છે. જેમ કે નમક (મીઠું) અને NaClમાં Na+ અને Cl વીજવિભાજ્યો છે, તથા ખાવાના સોડા (NaHCO3)માં Na+ અને HCO3   વીજવિભાજ્યો છે. શરીરમાં વીજવિભાજ્યો (electrolytes) અને હાઇડ્રોજનના આયનો(H+)ના સંતુલનમાં વિષમતા ઉદભવે ત્યારે વિવિધ પ્રકારે પ્રવાહી અને વીજવિભાજ્યોના પ્રમાણમાં પણ અસંતુલન ઉદભવે છે. તેને જલ-વીજવિભાજ્ય અસંતુલન(fluid and electrolyte imbalance)ના વિકારો કહે છે. તેની અંતર્ગત જ્યારે હાઇડ્રોજન આયન (H+) અને બાયકાર્બોનેટ આયન(HCO3)ના સંતુલનના વિકારો થાય ત્યારે તેમને અમ્લ-આલ્કલી સંતુલન(acid-base balance)ના વિકારો અથવા અમ્લ-આલ્કલી અસંતુલન (acid-base imbalance) કહે છે. તેના મુખ્ય બે પ્રકારો છે : શ્વસનતંત્રના વિકારને લીધે થતા વિકારો અને ચયાપચય(metabolism)ને કારણે થતા વિકારો. શરીરમાં પેશી કે રસાયણોના નવસર્જન અને વિઘટનની ક્રિયાઓમાં વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તેવી રીતે ઊર્જાના વપરાશ અને સંગ્રહ માટે પણ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તેને ચયાપચય (metabolism) કહે છે. તે સમયે વિવિધ વીજવિભાજ્યો વપરાય છે તથા ઉત્પન્ન થાય છે. તેને કારણે ત્યારે અમ્લતાકારી (acidic) અને આલ્કલીકારી (alkaline) રસાયણો પણ બને છે. તે શરીરના સામાન્ય અમ્લ-આલ્કલી સંતુલનને અસર કરે છે. શારીરિક અમ્લ-આલ્કલી સંતુલન જાળવી રાખવા મુખ્યત્વે શ્વસનતંત્ર અને મૂત્રપિંડ સક્રિય રહે છે, જે શરીરમાંથી વધારાના અમ્લ કે આલ્કલીને બહાર કાઢે છે. તેને કારણે શ્વાસોચ્છવાસના અને મૂત્રપિંડના રોગોમાં અમ્લ-આલ્કલિતાના અસંતુલનના વિકારો થાય છે.

વધુ પડતી આલ્કલિતા(HCO3)વાળા શારીરિક વિકારને અતિઆલ્કલિતા-વિકાર અથવા આલ્કલિતા-વિકાર (alkalosis) કહે છે. તેવી રીતે વધુ પડતી અમ્લતા(H+)વાળા શારીરિક વિકારને અતિઅમ્લતા-વિકાર અથવા અમ્લતા-વિકાર (acidosis) કહે છે. અમ્લતા-વિકાર સમગ્ર શરીરને અસર કરે છે અને તેને જઠરમાંના અમ્લ(ઍસિડ)ના વધારા-ઘટાડા સાથે ખાસ વિશિષ્ટ સંબંધ નથી. તેથી પેટમાં બળતરા થવી કે અપચો થાય ત્યારે અનુભવાતી અતિઅમ્લતા (hyperacidity) એ એક પ્રકારની તકલીફ છે, જે અન્નનળી અને જઠરના વિકારોમાં જોવા મળે છે. તેને અમ્લતા-વિકાર (acidosis) સાથે કોઈ ખાસ સંબંધ નથી. તે બંને અલગ અલગ વિકારો છે.

મૂત્રક (nephron) : (1) મૂત્રકગુચ્છમાંનું બાઉમેન સંપુટ, (2) સમીપસ્થ સંવલયી મૂત્રકનલિકા (proxymal convoluted renal tubule), (3) હેન્લેનો નલિકા-ગાળો, (4) દૂરસ્થ સંવલયી મૂત્રનલિકા, (5) સંચયન નલિકા (collecting tubule), (6) ઉત્સર્જન નલિકા (excretory tubule)

શ્વાસોચ્છવાસની તકલીફોથી થતા અમ્લ-આલ્કલિતાના અસંતુલનના વિકારોને અનુક્રમે શ્વસનજન્ય અમ્લતા-વિકાર (respiratory acidosis) અને શ્વસનજન્ય આલ્કલિતા-વિકાર (respiratory alkalosis) કહે છે. તેવી રીતે ચયાપચયી વિકારોને લીધે થતા તેવા વિકારોને અનુક્રમે ચયાપચયી અમ્લતા-વિકાર (metabolic acidosis) અને ચયાપચયી આલ્કલિતા-વિકાર (metabolic alkalosis) કહે છે. ક્યારેક મિશ્ર વિકારો પણ ઉદભવે છે. ચયાપચયી અતિઅમ્લતા-વિકાર(metabolic acidosis)માં મુખ્યત્વે HCO3 ના પ્રમાણમાં ઘટાડો થયેલો હોય છે અને લોહીનું pH મૂલ્ય અમ્લીય (acidic) થયેલું હોય છે. તેનાં વિવિધ કારણો હોય છે.

અતિઅમ્લતા-વિકારમાં ઋણાયનો (anions) અને ધનાયનો (cations) વચ્ચેનો તફાવત જાણવાથી મૂળભૂત અથવા કારણરૂપ ચયાપચયી વિકાર વિશે માહિતી મળી શકે છે. મૂત્રપિંડના કે અન્ય શારીરિક રોગોમાં જ્યારે મૂત્રપિંડનું કાર્ય અસરગ્રસ્ત થાય છે ત્યારે અતિઅમ્લતા-વિકારો થાય છે. તે મુખ્યત્વે બે પ્રકારના હોય છે : (1) મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે થતો અમ્લતા-વિકાર અને (2) મૂત્રકનલિકાગત અતિઅમ્લતા-વિકાર (renal tubular acidosis). મૂત્રકનલિકાગત અતિઅમ્લતા-વિકારમાં ધનાયનો અને ઋણાયનો વચ્ચેનો તફાવત સામાન્ય સ્થિતિનો (6થી 12 મિ.ઇક્વિવેલન્ટ) હોય છે. આવી જ સ્થિતિ આંતરડાંઓ દ્વારા નો અધિક ઉત્સર્ગ થાય ત્યારે પણ થાય છે. મૂત્રપિંડના રોગોમાં જ્યારે મૂત્રપિંડ દ્વારા પેશાબનું થતું અમ્લીકરણ (acidification) ઘટે છે ત્યારે ચયાપચયી અતિઅમ્લતા-વિકાર થાય છે. ચયાપચયી અતિઅમ્લતા-વિકાર જઠરાંત્રીય કારણે છે કે મૂત્રપિંડી કારણે છે તે જાણવા માટે પેશાબમાં ઋણાયનની ઘટ (anion gap) કેટલી છે તે શોધી કાઢવામાં આવે છે.

સારણી : મૂત્રકનલિકાગત અતિઅમ્લતા-વિકારો

ક્રમ પ્રકાર મૂત્રપિંડી વિકાર રુધિરરસમાં પોટૅશિયમ આયનો પેશાબનું નિમ્નતમ pH મૂલ્ય પેશાબમાં ઋણાયન ઘટ સારવાર
1. આદર્શ દૂરસ્થ નલિકાવિકાર (classical Distal tubular disorder) દૂરસ્થ નલિકામાં H+નું ઘટેલું વિસ્રવણ (secretion) 7.55 થી વધુ હોય છે. સોડાબાયકાર્બ (NaHCO3) નલિકાવિકાર (classical Distal tubular disorder)
2. સમીપસ્થ નલિકાવિકાર (proximal tubular disorder) સમીપસ્થ નલિકામાં HCO3નું ઘટેલું પુન:અવશોષણ (reabsorption) 2.55 થી ઓછું હોય છે. સોડાબાયકાર્ય અથવા પોટૅશિયમ બાયકાર્બોનેટ અથવા KHCO3 તથા થાયેઝાઇડ મૂત્રવર્ધકો
3. ગુચ્છીય અપર્યાપ્તતા (glomerular insufficiency) NH3નું ઘટેલું ઉત્પાદન સામાન્ય 2.55 થી ઓછું હોય છે. સોડાબાયકાર્બ
4. રેનિનની અલ્પતા સાથે આલ્ડૉસ્ટીરોનની અલ્પતા દૂરસ્થ નલિકામાં Na+નું અવશોષણ, K+ અને H+નું વિસ્રવણ 2.55 થી ઓછું હોય છે. ફ્લુકૉર્ટિસોન, ફ્રુસેમાઇડ, NaHCO3, ખોરાકમાં K+નો ઘટાડો

મૂત્રપિંડમાં લોહીમાંની અશુદ્ધિઓને ગાળીને દૂર કરનાર એકમને મૂત્રક (nephron) કહે છે. તેમાં ગળણી આકારનો એક ભાગ હોય છે અને વિવિધ દ્રવ્યોનું પુન:અવશોષણ (reabsorption) કે વિસ્રવણ (secretion) કરતી નલિકાઓ હોય છે. આ નલિકાઓને મૂત્રકનલિકાઓ (renal tubules) કહે છે અને તેને સમીપસ્થાની અથવા સમીપસ્થ મૂત્રકનલિકાઓ (proximal renal tubules) તથા દૂરસ્થ મૂત્રકનલિકાઓ (distal renal tubules) નામે વિભાજિત કરાય છે. જ્યારે મૂત્રકનલિકામાં H+નું ઉત્સર્જન (વિસ્રવણ) ઘટેલું હોય અથવા HCO3નું પુન:અવશોષણ ઘટેલું હોય ત્યારે મૂત્રકનલિકાગત અતિઅમ્લતા-વિકારો થાય છે. તેના 4 ઉપપ્રકારો છે. તે જાણવા માટે દર્દીની શારીરિક સ્થિતિ, પેશાબનું pH મૂલ્ય, મૂત્રમાંની ઋણાયન-ઘટ (anion gap) અને રુધિરરસમાં પોટૅશિયમ(K+)નું પ્રમાણ જાણવામાં આવે છે. ચારેય પ્રકારોને સારણીમાં દર્શાવ્યા છે.

ઋણાયનોની ઘટ (anion gap) સામાન્ય હોય તો ચયાપચયી અતિઅમ્લતા-વિકારનું કારણ મૂત્રકનલિકાઓનો વિકાર છે એવું નિદાન કરાય છે. તેના પ્રથમ પ્રકારને આદર્શ દૂરસ્થ મૂત્રકનલિકાગત અતિઅમ્લતા-વિકાર (classical distal renal tubular acidosis) કહે છે. તેમાં ચયાપચયી અતિઅમ્લતા-વિકાર સાથે લોહીમાં પોટૅશિયમ ઓછું અને ક્લોરાઇડ આયનો વધુ હોય છે. તેનું કારણ દૂરસ્થ મૂત્રકનલિકા(distal renal tubule)માં H+ આયનના વિસ્રવણમાં ઘટાડો થયેલો હોય છે. આ વિકાર સાથે ઘણી વખત મૂત્રપિંડમાં પથરી થયેલી હોય છે અથવા મૂત્રપિંડમાં કૅલ્શિયમ જામી જાય છે. તેને અનુક્રમે મૂત્રપિંડી અશ્મરિતા (nephrolithiasis) અને મૂત્રપિંડી કૅલ્શિતા (nephrocalcinosis) કહે છે. જ્યારે સમીપસ્થ મૂત્રકનલિકા(proximal renal tubule)માં HCO3નું પુન:અવશોષણ ક્ષતિયુક્ત હોય ત્યારે K+ની ઊણપ અને Clની અધિકતાવાળો ચયાપચયી અતિઅમ્લતા-વિકાર થાય છે. કાર્બોનિક એનહાઇડ્રેઝ નામના ઉત્સેચકના અવદાબક તરીકે વપરાતું ઍસિટાઝોલેમાઇડ નામનું મૂત્રવર્ધક ઔષધ (diuretic) આ પ્રકારનો વિકાર કરે છે. આ સમયે થાયઝાઇડ નામનું મૂત્રવર્ધક ઔષધ વાપરવાથી સમીપસ્થ મૂત્રકનલિકામાં HCO3નું અવશોષણ વધારી શકાય છે. માટે તેને સારવારમાં વપરાય છે. બહુમજ્જાર્બુદ (multiple myeloma) નામના એક કૅન્સરમાં, ફાન્કોનિનું સંલક્ષણ નામના એક વિકારમાં તથા મૂત્રપિંડી વિષકારક ઔષધોના ઉપયોગ પછી તે થાય છે. તે સમયે ચયાપચયી અતિઅમ્લતા-વિકાર ઉપરાંત પેશાબમાં ગ્લુકોઝ, ઍમીનોઍસિડ, ફૉસ્ફેટ આયનો તથા યુરિક ઍસિડ પણ વધુ પ્રમાણમાં વહી જવાના વિકારો થાય છે. તેને અનુક્રમે ગ્લુકોઝ-મૂત્રમેહ (glycosuria), ઍમીનોઍસિડ-મૂત્રમેહ (aminoaciduria), ફૉસ્ફેટ-મૂત્રમેહ (phosphatuira) અને યુરિક ઍસિડ-મૂત્રમેહ (uricaciduria) કહે છે.

મૂત્રપિંડમાં લોહીમાંથી મૂત્રના ગળાવાની ક્રિયાને ગુચ્છીગાળણ (glomerular filtration) કહે છે. તે જ્યારે ઘટે ત્યારે ત્રીજા પ્રકારનો અતિઅમ્લતા-વિકાર થાય છે. તે સમયે એમોનિયા(NH3)ના ઉત્પાદનમાં ક્ષતિ ઉદભવે છે. તેને કારણે લોહીમાં K+ના સામાન્ય સ્તરવાળો અને વધેલા Cl સ્તર સાથેનો અતિઅમ્લતા-વિકાર થાય છે. સામાન્ય રીતે ગુચ્છીગાળણનો દર 20–30 મિલી./મિનિટ હોય ત્યારે આવું બને છે. જો તે વધુ ઘટે તો મૂત્રપિંડી નિષ્ફળતાનો વિકાર બને છે, જેમાં વધેલા ઋણાયનની ઘટવાળો અતિઅમ્લતા-વિકાર થાય છે.

મધુપ્રમેહજન્ય મૂત્રપિંડરુગ્ણતા (diabetic nephropathy), મૂત્રકનલિકા-સહ-અંતરાલપેશીગત મૂત્રપિંડ રોગ (tubulo-interstitial renal disease), અતિરુધિરદાબી મૂત્રપિંડી તંતુકાઠિન્ય (hypertensive nephrosclerosis) તથા એઇડ્ઝના રોગમાં આલ્ડૉસ્ટીરોનનું તેમજ રેનિનનું પ્રમાણ ઘટેલું હોય એવો વિકાર થાય છે. તેને કારણે K+નું લોહીમાં પ્રમાણ વધે છે અને ચયાપચયી અતિઅમ્લતા-વિકાર થાય છે. તેને ચોથા પ્રકારનો વિકાર કહે છે. આવા દર્દીઓમાં લોહીનું દબાણ ઘટાડનારા ઍન્જિયૉટેન્સિન કન્વર્ટિગ ઉત્સેચકનાં અવદાબક ઔષધો, પેશાબનું પ્રમાણ વધારનારા આલ્ડૉસ્ટીરોન-સ્વીકારકના રોધકજૂથનાં મૂત્રવર્ધકો (દા.ત., સ્પાયરોનોલેક્ટૉન) તથા આઇબુપ્રોફેન અને ડાઇક્લોફેનેક સોડિયમ જૂથનાં પીડાનાશકો વાપરતાં પહેલાં સાવચેતી રાખવી પડે છે. બધા જ પ્રકારના મૂત્રકનલિકાગત અતિઅમ્લતા-વિકારોમાં સારવાર માટે સોડા બાયકાર્બોનેટનો ઉપયોગ કરાય છે; પરંતુ સમીપસ્થ મૂત્રકનલિકાગત અતિઅમ્લતા-વિકારની સારવારમાં તેની સાથે પોટૅશિયમ આપવું જરૂરી બને છે.

શિલીન નં. શુક્લ

જગદીપ શાહ