મૂડીલાભવેરો
February, 2002
મૂડીલાભવેરો : આયકર અધિનિયમ – 1961 હેઠળ મૂડી-અસ્કામત(capital assets)ના હસ્તાંતરણમાંથી ઉદભવેલી કરપાત્ર આવક પર આકારવામાં આવતો કર. આયકર અધિનિયમમાં આવકની કોઈ સર્વગ્રાહી (exhaustive) વ્યાખ્યા આપી નથી, પરંતુ પ્રાપ્ત થયેલા ધનરાશિમાંથી કઈ રકમનો કરના હેતુ માટે આવકમાં સમાવેશ કરાશે તેનો નિર્દેશ કરતી (inclusive) વ્યાખ્યા આપી છે. કુલ આવકની ગણતરી કરવામાં (1) પગાર, (2) મકાનની આવક, (3) ધંધો કે વ્યવસાયની આવક, (4) મૂડીલાભ અને (5) વ્યાજ ડિવિડન્ડ રૉયલ્ટી વગેરે અન્ય સ્રોતમાંથી થતી આવક – એમ પાંચ શીર્ષકો હેઠળ આવકનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
મૂડી-અસ્કામતના હસ્તાંતરણમાંથી થતો નફો મૂડીલાભ કહેવાય છે. કરદાતાની ધંધામાં રોકાયેલી અથવા નહિ રોકાયેલી એમ સર્વ પ્રકારની મિલકતોને મૂડી-અસ્કામત કહેવાય છે; પરંતુ આવકવેરા અધિનિયમ અનુસાર (1) વિક્રેય માલસામગ્રી અને ઉત્પાદન માટેનો કાચો માલ; (2) જરઝવેરાત સિવાયની અંગત ઉપયોગની – પહેરવાનાં કપડાં, ફર્નિચર વગેરે જેવી જંગમ મિલકત; (3) 10,000થી વધારે વસ્તી ધરાવતાં નગરો અને મહાનગરોની મ્યુનિસિપાલિટીઓના વિસ્તારોમાં તથા કેન્દ્ર સરકાર જાહેર કરે તે મુજબ આ વિસ્તારોથી 8 કિલોમીટર સુધીની સીમામાં આવેલી હોય તેવી જમીનો સિવાયની ખેતીવાડીની જમીન; (4) 6½ %ના ગોલ્ડ બૉન્ડ 1977; ગોલ્ડ બૉન્ડ 1980; નૅશનલ ડિફેન્સ બૉન્ડ 1980 અને સ્પેશિયલ બેરર બૉન્ડ 1991 જેવી સ્થાવર અને જંગમ મિલકતોનો મૂડી-અસ્કામતમાં સમાવેશ થતો નથી. હસ્તાંતરણ દ્વારા પ્રાપ્ય પ્રતિદેય(consideration)માંથી મૂડી-અસ્કામતનો પ્રાપ્તિ-ખર્ચ (cost of acquisition), સુધારણા-ખર્ચ (cost of improvement) અને હસ્તાંતરણ-ખર્ચ બાદ કરીને મૂડીલાભની ગણતરી કરવામાં આવે છે.
અધિકરણની ધારા 45 હેઠળ પ્રતિદેય અંગે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે; જેવી કે, (1) માલિક પોતાની અંગત મૂડી-અસ્કામતનું તેના ધંધાની વિક્રેય માલસામગ્રી(stock-in-trade)માં પરિવર્તન કરે તો પરિવર્તનના દિવસે તેની મૂડી-અસ્કામતનું કોઈ અન્ય વ્યક્તિના હિતમાં હસ્તાંતરણ થતું નથી. તેથી તેના પર કોઈ કર લગાડી શકાય નહિ અને જે દિવસે માલસામગ્રીનું વેચાણ કરે ત્યારે વેચાણકિંમત અને હિસાબી ચોપડે દર્શાવેલી માલસામગ્રીની જે કિંમત હોય તેના ઉપર જ કર આકારી શકાય. તેથી આ વ્યવહારમાંથી ઉદભવેલો મૂડીલાભ કરવેરામાંથી છટકી જાય. આવી પરિસ્થિતિ નિવારવા માટે પરિવર્તનના દિવસે મૂડી-અસ્કામતની જે બજારકિંમત હોય તેને પરિદેય માનવામાં આવે છે અને તેના આધારે વેચાણના વર્ષમાં મૂડીલાભ આકારવામાં આવે છે. (2) શૅરનિધિ(share depository)માં રાખવામાં આવેલા શૅરની કાનૂની માલિકી શૅરનિધિની છે, પરંતુ ખરેખરી માલિકી શૅરહિસ્સેદાર(participant)ની છે. તેથી શૅરનું જે વર્ષમાં હસ્તાંતરણ થાય તે વર્ષમાં પ્રતિદેય શૅરનિધિનો નહિ, પરંતુ શૅરહિસ્સેદારનો ગણવામાં આવે છે અને તેના હાથમાં મૂડીલાભ આકારવામાં આવે છે. (3) કોઈ વ્યક્તિ ભાગીદારી પેઢીમાં જોડાય અને પોતાના મૂડી-ફાળા તરીકે રોકડને બદલે મૂડી-અસ્કામત આપે તો ભાગીદારી પેઢીના હિસાબી ચોપડામાં તે અસ્કામતની જે કિંમત આંકવામાં આવી હોય તેને પ્રતિદેય માનીને ભાગીદારના હાથમાં મૂડીલાભ આકારવામાં આવે છે. (4) ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે ભાગીદારે આપેલો મૂડીનો ફાળો તેને મૂડી-અસ્કામતના સ્વરૂપમાં પરત કરવામાં આવે તો અસ્કામતની બજારકિંમતને પ્રતિદેય માનીને ભાગીદારી પેઢીના હાથમાં મૂડીલાભ આકારવામાં આવે છે. (5) કોઈ વ્યક્તિની મૂડી-અસ્કામત સરકાર દ્વારા ફરજિયાત સંપાદન કરવામાં આવી હોય તો સરકારે નક્કી કરેલા પ્રતિદેયના આધારે જે વર્ષમાં તે પ્રાપ્ત થયું હોય તે વર્ષમાં મૂડીલાભ આકારવામાં આવે છે. સંજોગવશાત્ પ્રતિદેયમાં વધારો થાય તો જે વર્ષમાં વધારો પ્રાપ્ત થાય તે વર્ષમાં વધારાનો મૂડીલાભ આકારવામાં આવે છે. (6) પારસ્પરિક (mutual) ફંડના એકમો(units)માં રોકાણ કર્યું હોય અને ફંડ બંધ થવાથી રોકાણ પરત મળે અથવા એકમોને ફંડ પાછા ખરીદે તો તે વર્ષમાં પરત કિંમત/ફેરખરીદ કિંમતને પ્રતિદેય માનીને મૂડીલાભ રોકાણકારની આવક તરીકે આકારવામાં આવે છે. (7) મર્યાદિત જવાબદારીવાળી કંપની ફડચામાં જાય તો શૅરહોલ્ડરોને પરત મળેલી અસ્કામતની બજારકિંમતને પ્રતિદેય માનીને શૅરહોલ્ડરોના હાથમાં મૂડીલાભ આકારવામાં આવે છે.
અધિનિયમની ધારા 47 હેઠળ કેટલાક વ્યવહારોને હસ્તાંતરણ માનવામાં આવતા નથી અને તે વ્યવહારો હેઠળ તે વર્ષમાં કોઈ મૂડીલાભ આકારવામાં આવતો નથી; ઉદાહરણ તરીકે, (1) હિન્દુ અવિભક્ત કુટુંબના વિભાજન-સમયે કુટુંબના સભ્યોમાં વહેંચેલી રકમ, (2) રદ ન કરી શકાય તેવાં (irrevocable) ટ્રસ્ટ અથવા વસિયતનામા (will) હેઠળ કરવામાં આવેલી મૂડી-અસ્કામતની બક્ષિસ, (3) ભારતીય પેટા(subsidiary)કંપની અને નિયંત્રક કંપની (holding company) દ્વારા અન્યોન્યને હસ્તાંતરણ કરેલી મૂડીઅસ્કામતો, (4) બે કંપનીઓનું જોડાણ થાય ત્યારે જોડાયેલી (amalgamated) કંપની જો ભારતીય કંપની હોય તો તેને જોડાનાર (amalgamating) કંપનીએ હસ્તાંતરણ કરેલી મૂડી-અસ્કામત, (5) ભારતમાં આવેલી તા. 1–4–1970 અગાઉ હસ્તાંતરણ કરેલી ખેતીની જમીન, (6) સરકાર, યુનિવર્સિટી, રાષ્ટ્રીય સંગ્રહસ્થાન વગેરેને હસ્તાંતરણ કરેલાં કલા, પુરાતત્વ, વિજ્ઞાન વગેરે અંગેનાં પુસ્તકો, હસ્તપ્રતો, રેખાંકનો, ફોટા અને રંગીન ચિત્રકામો; (7) કંપનીનાં બૉન્ડ અને ડિબેન્ચરોનું શૅરોમાં રૂપાંતર; (8) કોઈ વ્યક્તિ દ્વારા શૅર-લેવેચનો ધંધો/દલાલી કરતી કંપનીના શૅરોના બદલામાં તા. 1–12–1998 અગાઉ હસ્તાંતરણ કરેલું શૅરબજારના સભ્યપદનું કાર્ડ, (9) માંદી પડેલી કંપનીની મૂડી-અસ્કામતોનું કારીગરો દ્વારા સ્થપાયેલી સહકારી કંપનીને હસ્તાંતરણ અને (10) વ્યક્તિ અથવા ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થતાં વ્યક્તિ અથવા પેઢીએ કંપનીને હસ્તાંતરણ કરેલી મૂડી-અસ્કામતો.
મૂડી-લાભ આકારવા માટે પ્રાપ્ય પ્રતિદેયમાંથી મૂડી-અસ્કામતનો પ્રાપ્તિખર્ચ અને સુધારણાખર્ચ બાદ આપવામાં આવે છે. આ બંને પ્રકારનાં ખર્ચ હસ્તાંતરણવર્ષ અગાઉનાં વર્ષોમાં થયાં હોય તો તેમનાં ઉપર વર્ષોવર્ષના ફુગાવાની થયેલી અસરને નાબૂદ કરવા માટે પ્રતિદેયમાંથી મૂળ પ્રાપ્તિખર્ચ અને સુધારણાખર્ચના બદલે સૂચકાંકિત (indexed) પ્રાપ્તિખર્ચ અને સૂચકાંકિત સુધારણાખર્ચ બાદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ હેતુ માટે કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 1981–82ને પાયાનું વર્ષ ગણીને અને તેનો સૂચકાંક 100 નિશ્ચિત કરીને ત્યારપછીના પ્રત્યેક નાણાકીય વર્ષ માટે તે વર્ષમાં થયેલા ફુગાવાને અનુરૂપ સૂચકાંક જાહેર કરે છે. તદનુસાર મૂળ પ્રાપ્તિખર્ચ અને સુધારણાખર્ચને હસ્તાંતરિત વર્ષના સૂચકાંક અનુરૂપ વધારવામાં આવે છે; ઉદાહરણ તરીકે નાણાકીય વર્ષ 1990–91માં સૂચકાંક 182 હતો ત્યારે રૂ. 1,00,000માં ખરીદેલી મૂડી-અસ્કામત નાણાકીય વર્ષ 2000–2001માં સૂચકાંક 406 થયો છે ત્યારે રૂ. 2,50,000માં વેચવામાં આવે તો મૂડીલાભની ગણતરી કરવા માટે સૂચકાંકિત પ્રાપ્તિખર્ચ
રૂ. 2,50,000 પ્રતિદેયમાંથી રૂ. 1,00,000 મૂળ પ્રાપ્તિખર્ચના બદલે સૂચકાંકિત પ્રાપ્તિખર્ચ રૂ. 2,23,080 બાદ કરવામાં આવશે અને મૂડીલાભ રૂ. 1,50,000 (રૂ. 2,50,000 – રૂ. 1,00,000)ના બદલે ફક્ત રૂ. 26,920 (રૂ. 2,50,000 – રૂ 2,23,080) આકારવામાં આવશે. વળી જો સુધારણાખર્ચ પણ હસ્તાંતરણ-વર્ષ અગાઉના વર્ષમાં કરવામાં આવ્યો હોય તો આ પ્રકારની પદ્ધતિ અનુસાર મૂળ સુધારણાખર્ચના બદલે સૂચકાંકિત સુધારણાખર્ચ બાદ કરીને મૂડીલાભ આકારવામાં આવશે.
હસ્તાંતરિત મૂડી-અસ્કામત માલિકના કબજામાં 36 મહિનાથી વધારે સમય રહી ન હોય તો હસ્તાંતરણમાંથી થયેલો મૂડીલાભ ટૂંકા ગાળાનો મૂડીલાભ કહેવાય છે. ભારતીય કંપનીઓના શૅર તથા યુનિટ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા અને મ્યુચ્યુઅલ ફંડના એકમો(units)ના હસ્તાંતરણ અંગે કબજાનો સમય 36 મહિનાને બદલે 12 મહિનાનો રાખવામાં આવ્યો છે; તેથી આવા શૅર અને યુનિટ 12 મહિનાની અંદરમાં વેચવામાં આવે તો તેમના વેચાણમાંથી ઉદભવતા મૂડીલાભને ટૂંકા ગાળાનો મૂડીલાભ કહેવાય છે. ટૂંકા ગાળાના મૂડીલાભ ઉપર પગાર, મકાનની આવક, ધંધો કે વ્યવસાયની આવક અને ડિવિડન્ડ, વ્યાજ જેવા અન્ય સ્રોતમાંથી થતી આવકની જેમ સામાન્ય દરે આવકવેરો લાગુ પડે છે. કેટલાક અપવાદો બાદ કરતાં લાંબા ગાળાના મૂડીલાભ ઉપર 20 %ના દરે આવકવેરો લાગુ પડે છે. જો મૂડી-અસ્કામતના પ્રતિદેયનો કેન્દ્ર સરકારે નિયત કરેલી વિત્તીય અસ્કામતોમાં નિવેશ કરવામાં આવે તો લાંબા ગાળાના મૂડીલાભ ઉપર આવકવેરો લેવામાં આવતો નથી.
જયન્તિલાલ પો. જાની