મૂડીલાભ : અસ્કામતની ખરીદી અને તેના વેચાણ વચ્ચેના સમયગાળામાં તેની બજારકિંમતમાં જે વધારો થયો હોય તે; દા.ત., કોઈ વ્યક્તિએ રૂ. 100ની કિંમતે શૅર ખરીદ્યો હોય અને તે રૂ. 140માં વેચ્યો હોય તો તેને જે વધારાના રૂ. 40 મળ્યા તે મૂડીલાભ (capital gain) કહેવાય. વેપારી હેતુ માટે મૂડીલાભની ગણતરી એક જટિલ બાબત બની રહે છે. તેમાં મૂડીલાભને સામાન્ય વેપારી પ્રવૃત્તિમાંથી ઉદભવતા નફાથી જુદો પાડવાનો પ્રશ્ન ઊભો થાય છે. કરવેરાના હેતુ માટે નફાને મૂડીલાભથી જુદો ગણવામાં આવતો હોવાથી હિસાબી ગણતરીની આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

ધંધાકીય કે અન્ય પ્રવૃત્તિઓ ચલાવવા માટે માલિકો અને સંચાલકો એક વર્ષથી વધારે સમય માટે સેવા આપી શકે તેવી મિલકતો અને સાધનોને ઉપયોગમાં લે છે. સામાન્ય સંજોગોમાં હિસાબી વર્ષ બાર મહિનાનું હોય છે. અસામાન્ય સંજોગોમાં તે બાર મહિનાથી ઓછા કે વધારે સમયનું હોઈ શકે. હિસાબી વર્ષમાં જેના લાભ અંકે થતા હોય તેવા ખર્ચા મહેસૂલી ખર્ચા ગણાય છે, જે લાભની રકમમાંથી બાદ કરી નફા કે નુકસાનને શોધવામાં આવે છે. રોજિંદી પ્રવૃત્તિથી થતા લાભ મહેસૂલી ઊપજ ગણાય છે. જે મિલકતો, સાધનો અને સેવાઓ વર્ષથી વધારે સમય માટે સેવા આપે છે તેના ખર્ચા મૂડીખર્ચા ગણાય છે. ચોક્કસ ગણતરીઓને અધીન ‘ઘસારા’ કે ‘માંડી વાળવા’ના નામે દર વર્ષે મૂડીખર્ચાની નક્કી કરેલી રકમને મહેસૂલી ખર્ચામાં રૂપાંતરિત કરી તેને હિસાબમાં સમાવી નફાની સાચી ગણતરી માટેનો ન્યાયિક ઉકેલ શોધવામાં આવે છે.

મિલકતો વગેરેની મૂડીખર્ચામાંથી ‘ઘસારા’ કે ‘માંડી વાળેલી’ રકમ બાદ કરી હિસાબી ચોપડામાં તેની કિંમત ક્રમશ: ઘટાડવામાં આવે છે. આ કિંમત ‘મિલકતોની ચોપડે કિંમત’થી ઓળખાય છે. અનેક કારણોથી મિલકતો વગેરે વેચવામાં આવે છે. માંગ અને પુરવઠાનાં પરિબળો, ફુગાવો, બાકી રહેલ ઉપયોગ-મૂલ્ય અને ઘસારાની વધારે પડતી જોગવાઈ જેવાં કારણોથી મિલકતો વગેરેની ‘ચોપડે કિંમત’ કરતાં ‘વેચાણ કિંમત’ વધારે આવે છે. આ વધારો મૂડીલાભ ગણાય છે.

માત્ર આર્થિક પ્રવૃત્તિઓ કરનારા જ નહિ, પરંતુ મોટા ભાગના બચતકારો વિવિધ પ્રકારની જામીનગીરીઓમાં બચતોનું રોકાણ કરે છે. ડિવિડન્ડ અને વ્યાજ જેવા મહેસૂલી લાભ ઉપરાંત રોકાણોની બજારકિંમતોમાં થતો વધારાનો લાભ લેવાની ઇચ્છા રોકાણકારોની હોય છે. રોકાણોના બજારભાવ વધે જ એવું બનતું નથી, પરંતુ જો તે વધે અને રોકાણકાર એનાં રોકાણો વેચે અને રોકાણો પાછળ વાસ્તવમાં ખર્ચેલાં નાણાં કરતાં એ વેચાણથી જે વધારો પ્રાપ્ત થાય તે મૂડીલાભ ગણાય છે. આ મૂડીલાભની ગણતરીના આધારે શૅરબજારોમાં શૅરોની કિંમતમાં ભારે ઊથલપાથલ થતી હોય છે. કરવેરાના કાયદા હેઠળ એના પર કેટલો વેરો ઉઘરાવવો તે બાબત આર્થિક વર્તુળોમાં અનંત વિવાદ જગાડે છે.

સૂર્યકાન્ત શાહ