મૂડીરોકાણ-બજેટ : ઉત્પાદક પેઢીએ ભાવિ અને લાંબા ગાળાની સંભવિત આવકો અને ખર્ચ અંગે તૈયાર કરેલું પત્રક. અંદાજપત્રની મુખ્ય ભાષા આંકડા છે. આંકડાની મુખ્ય લાક્ષણિકતા એ છે કે એનું અર્થઘટન એક જ થાય છે. ભવિષ્યમાં કરવા ધારેલી પ્રવૃત્તિઓને ભાષામાં મૂકતાં એનાં એકથી વધારે અર્થઘટન થવાની સંભાવના હોવાને કારણે સંસ્થાઓ અને ધંધાદારી એકમોની પ્રવૃત્તિઓમાં ઘણી અનિશ્ચિતતા પ્રવર્તે. આથી, અંદાજપત્રની મુખ્ય ભાષા આંકડાની હોય છે. ભાવિ પ્રવૃત્તિઓની કેટલીક પ્રવૃત્તિઓ સમયના ટૂંકા ગાળાની હોય છે તેમજ તે ટૂંકા ગાળામાં મહેસૂલી ખર્ચ અને આવક પેદા કરે તેવી હોય છે. તે પ્રવૃત્તિઓનાં અંદાજપત્ર મહેસૂલી અંદાજપત્રથી ઓળખાય છે. પરંતુ ભાવિ પ્રવૃત્તિઓ પૈકી કેટલીક પ્રવૃત્તિઓ સમયના લાંબા ગાળાની હોય છે તેમજ તે પ્રવૃત્તિ લાંબા સમયગાળા માટે એકધારી ચલાવવાની હોય છે. આ પ્રવૃત્તિઓ કરવા માટે મોટા પાયા પર ખર્ચ કરવો પડે છે. આ ખર્ચ ચોક્કસ પ્રવૃત્તિઓ કરવા માટે ચોક્કસ સાધનો અને મિલકતોમાં રોકાઈ જાય છે તેથી તેનું અંદાજપત્ર મૂડીરોકાણ-અંદાજપત્રથી ઓળખાય છે. ખાસ કરીને સંશોધનોનો પ્રવેગ, ધારાકીય માળખામાં ફેરફારો, શિક્ષણ અને ફૅશનના પ્રવાહો લક્ષમાં લઈને પેઢીના સંચાલકો ઉત્પાદનના લાંબા અથવા ટૂંકા સમયના ગાળા નક્કી કરે છે. આમ છતાં, સામાન્યત: એક વર્ષથી વધારે સમયગાળાની પ્રવૃત્તિઓ કરવા માટે ખર્ચાના અંદાજપત્રને મૂડીરોકાણ-અંદાજપત્ર કહેવાય છે.

ભવિષ્યમાં થનારા ફેરફારોની આગાહી(forecasting)ની મદદથી મૂડીરોકાણ-બજેટ તૈયાર કરવામાં આવે છે. આંકડાની પરિભાષા ચોકસાઈની હોવા છતાં આ અંદાજપત્રમાં નાની વિગતો ધ્યાનમાં લેવાતી નથી, એટલે કે, આંકડા એકમ, દશક અને પૈસા સુધીની વિગતો સાથે તૈયાર કરવામાં આવતા નથી. દા.ત., ભવિષ્યમાં યંત્રની ખરીદીનો જો અંદાજપત્રમાં સમાવેશ થતો હોય તો અને તેની પ્રવર્તમાન કિંમત જો રૂ. 5,83,957–60 હોય તો તે આંકડો લખવામાં આવતો નથી પણ રૂ. 6,00,000–00 લખવામાં આવે છે. વળી જેટલા સમયગાળાનું આ અંદાજપત્ર હોય તે સમય દરમિયાન ભાવસપાટીમાં થનારા ફેરફારોની આગાહી કરી તે ફેરફારને સમાવીને આંકડા મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઉપરના રૂ. 6,00,000ના યંત્રની કિંમત પ્રવર્તમાન કિંમત છે. બજેટમાં તે ખરીદવાનો સમય બાર મહિના પછીનો હોય તો બાર મહિના દરમિયાન સામાન્યત: ભાવ-સપાટી કેટલી વધશે તેના આધારે અથવા આવી આગાહી કરવાનું શક્ય ન હોય તો તે યંત્રના ભાવમાં જ કેટલો વધારો આવશે તેના આધારે મૂડીરોકાણ-બજેટમાં જોગવાઈ થાય છે. મૂડીરોકાણ-બજેટમાં જે ખર્ચા કરવાનો અંદાજ છે તે પેઢીનાં આંતરિક સાધનોમાંથી નાણાં પ્રાપ્ત કરવાં શક્ય ના હોય અથવા તે સાધનો વાપરવાની સંચાલકો/માલિકોની અનિચ્છા હોય તો તે નાણાં બાહ્ય સાધનોમાંથી ક્યારે, કેટલાં, માલિકીનાં કે ઉછીનાં લેવામાં આવશે તેનો પણ આ અંદાજપત્રમાં સમાવેશ કરવામાં આવે છે. જો સાધનો ઉછીનાં લેવાનો નિર્ણય લેવામાં આવે તો તેના વ્યાજનાં સૂચિત દર અને મુદ્દલ પરત સમયગાળાનો પણ ઉલ્લેખ થતો હોય છે. પ્રવર્તમાન સાધનો અને મિલકતો ઉપયોગ થવાને કારણે કે અન્ય કારણોએ બિનઉપયોગી થઈ જતાં હોય છે તેથી તેમની પુન:સ્થાપનાના ખર્ચનો પણ મૂડીરોકાણ-બજેટમાં સમાવેશ કરવામાં આવે છે. મૂડીરોકાણ-બજેટને તૈયાર કરતી વખતે સંસ્થાની અંદરના સંબંધિત કર્મચારીઓ અને અધિકારીઓ પાસેથી માહિતી મંગાવી તે તૈયાર કરવામાં આવે છે.

કરવા ધારેલા ખર્ચા કરતાં જો પ્રાપ્ય નાણાકીય સાધનો ઓછાં હોય તો મૂડીરોકાણ-બજેટમાં ખર્ચની અગ્રિમતાઓ નક્કી કરવામાં આવે છે. મૂડીરોકાણનો નિર્ણય સામાન્ય ઘરેડમાં લઈ શકાય નહિ, કારણ કે એક વાર લીધેલો નિર્ણય બદલવામાં વર્ષોનો સમય લાગી જાય છે. તેથી જ્યારે નવાં મૂડીરોકાણ થતાં હોય ત્યારે એ રોકાણમાંથી જે નફો થવો જોઈએ તેનો પણ અંદાજ તે સમયે વિચારવો જોઈએ. નવા મૂડીરોકાણ-બજેટને મહદ્અંશે બાહ્ય નિષ્ણાતો અને અનુભવીઓની મદદથી તૈયાર કરવામાં આવે છે.

સૂર્યકાન્ત શાહ