મૂડીરોકાણ પર વળતર : ધંધામાંથી વર્ષ દરમિયાન થયેલા નફા અને ધંધામાં રોકાણ કરેલી મૂડી વચ્ચેનો ગુણોત્તર. દરેક ધંધાદારી એકમનો મુખ્ય હેતુ મૂડીરોકાણ પર વળતર મેળવી પેઢીના ચોખ્ખા મૂલ્યમાં વધારો કરવાનો હોય છે. અમુક અપેક્ષિત એવું લઘુતમ વળતર પણ મળવાની શક્યતાઓ ન હોય તો સ્વાભાવિક રીતે જ મૂડીરોકાણ કરીને સાહસ ખેડવા કોઈ પણ સાહસિક તૈયાર થાય નહિ. ‘મૂડી’ શબ્દ ધંધાદારીનું ધંધાની મિલકતોમાંના ચોખ્ખા રોકાણને સૂચવે છે. રોકાણ પર વળતરનો દર એ વળતર અને મિલકતોમાં રોકાણ વચ્ચેનો ગુણોત્તર છે જે ટકામાં દર્શાવવામાં આવે છે. આ રીતે વળતરને જ્યારે રોકાણના ટકા તરીકે દર્શાવવામાં આવે છે ત્યારે તે નિર્ણયો લેવા માટેનું તથા કામગીરીના મૂલ્યાંકન માટેનું એક મહત્વનું અને અર્થપૂર્ણ ઓજાર બની રહે છે. મૂડીરોકાણ કરવા માટે હંમેશાં વૈકલ્પિક તકો હોય છે તેથી વૈકલ્પિક તકો અથવા પ્રકલ્પો(projects)નું મૂલ્યાંકન કરી મૂડીરોકાણ માટે કયો પ્રકલ્પ હાથ ધરવો તે અંગેનો નિર્ણય લેવા માટે વળતરનો દર ઘણો ઉપયોગી છે. મૂડીરોકાણ દ્વારા પ્રાપ્ત કરેલી મિલકતોનું આયુષ્ય, આયુષ્ય દરમિયાન મળવાપાત્ર આવક વગેરેનો પૂર્વાનુમાન દ્વારા અંદાજ કાઢી વળતરનો દર શોધી કાઢવામાં આવે છે. તે દરના આધારે વૈકલ્પિક પ્રકલ્પોમાંથી કયા પ્રકલ્પનો સ્વીકાર કરવો અને કયા પ્રકલ્પનો અસ્વીકાર કરવો તે અંગેનો નિર્ણય લઈ શકાય છે. સ્વાભાવિક રીતે સૌથી વધારે આશાસ્પદ અને નફાકારક પ્રકલ્પ જ હાથ ધરવામાં આવે છે. કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડીને નાણાં ઊભાં કરવા માગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડવા કે નહિ તે અંગેનો નિર્ણય પણ વળતરના દરને આધારે લઈ શકાય છે. ડિબેન્ચર દ્વારા એકઠાં થયેલાં નાણાં જે પ્રકલ્પમાં રોકવાનાં હોય તેના પર મળતા વળતરનો દર જો ડિબેન્ચર પર ચૂકવવામાં આવતા વ્યાજના દર કરતાં વધારે હોય તો જ તે પ્રકલ્પમાં ડિબેન્ચરથી મળેલાં નાણાં રોકવાં લાભદાયી બને છે. ધંધાકીય એકમ સિદ્ધ કરેલા વળતરના દરને અપેક્ષિત એવા લઘુતમ વળતરના દર સાથે, હરીફ એકમના દર સાથે અને તે ઉદ્યોગના સામાન્ય વળતરના દર સાથે સરખાવીને પોતાની સમગ્ર કામગીરીનું મૂલ્યાંકન કરી શકે છે. એકમમાંના મૂડીરોકાણ પરના અપેક્ષિત વળતરના દર દ્વારા ધંધાની વિવિધ પ્રવૃત્તિઓ પર અંકુશ રાખી શકાય છે અને એકમમાં વિવિધ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન થતું હોય તો દરેક વસ્તુની નફાકારકતા કેટલી છે તે જાણી શકાય છે. કોઈ સ્થિર મિલકતની જગ્યાએ નવી મિલકત તરત વસાવવી કે ભવિષ્યમાં વસાવવી તે અંગેનો, જે મિલકતોમાંથી વળતર ઓછું મળતું હોય તે મિલકતો વેચી નાખવા અંગેનો, કોઈ મિલકત ભાડે રાખવી કે પછી પોતાની માલિકીની બનાવવી તે અંગેનો, પેદાશની વેચાણકિંમત નક્કી કરવા અંગેનો અને અન્ય કંપનીઓમાં રોકાણ કરવું કે નહિ, બે કંપનીનું સંયોજન કરવું કે નહિ તેમજ કંપનીનું વિભાજન કરવું કે નહિ તેવા મહત્વના નિર્ણય લેવામાં પણ મૂડીરોકાણ ઉપરના વળતરનો દર ઉપયોગી થાય છે. આમ રોકાયેલ મૂડી પરના વળતરનો દર એ ધંધાકીય તેમજ રોકાણ કરવા જેવી નાણાકીય બાબતો અંગેના નિર્ણયો લેવા માટેનું એક વિવિધલક્ષી ઓજાર છે.

મૂડીરોકાણ પર વળતરનો દર વૈજ્ઞાનિક પદ્ધતિએ અંદાજો મૂકીને ગણવાનો હોય છે. આ દર નક્કી કરતી વખતે; મૂડીખર્ચ અને ફલનકાળ (gestation) એટલે કે પ્રકલ્પમાં મૂડીરોકાણ શરૂ કર્યા બાદ તે વળતર આપવાનું શરૂ કરે તે બે વચ્ચેનો સમયગાળો, ભંડોળની ઉપલબ્ધતા, પેઢીની ર્દષ્ટિએ અમુક પ્રકલ્પમાં મૂડીરોકાણની આવશ્યકતા, જોખમનું પ્રમાણ, આવક મળવાની કે નહિ વગેરે પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે.

રોકાયેલ મૂડી પરના વળતરનો દર એ એક સરેરાશ છે. તેથી સરેરાશની જે મર્યાદાઓ છે તે આ ખ્યાલની મર્યાદાઓ બને છે. સરેરાશ સૌથી નબળાં અને સૌથી સબળાં તત્વોને જુદી તારવતી નથી પરંતુ બધાંને એક જ ગણી ગમે તે આંકડાને નક્કી કરે છે. જે ખરેખર અવાસ્તવિક છે. જે પરિપ્રેક્ષ્યમાં ધંધો થયો હોય તે પરિપ્રેક્ષને ખ્યાલમાં લેવામાં આવતું નથી. પરિણામે મહામંદી જેવા સમયે રોકાયેલ મૂડી પર અગાઉના વર્ષના 30 ટકાના વળતરની સામે 10 ટકા વળતર મળ્યું હોય તોપણ સરેરાશ એમ જ જણાવે છે કે વળતર ઘટ્યું છે એટલે કાર્યક્ષમતા ઘટી છે. આ એક ગાણિતિક પ્રમાણ છે. પ્રમાણના અંશ તરીકે વળતર અને છેદ તરીકે મૂડીના આંકડા ગણતરીમાં લેવાય છે. વળતરમાં તેમજ રોકાયેલ મૂડીમાં કોનો સમાવેશ કરવો અને કોનો ન કરવો તે નિશ્ચિત નથી. આથી રોકાયેલ મૂડી પરનું વળતર દેખીતી રીતે ગાણિતિક ચોકસાઈનો દાવો કરે છે. પરંતુ તેના બંને પાયા અનિશ્ચિત હોવાથી તેનામાં ચોકસાઈ હોતી નથી. રોકાયેલ મૂડી પર વળતરનો ખ્યાલ ધંધાદારીઓને તે પ્રવૃત્તિ વધારવા માટે ઉત્તેજે છે. આથી લાંબા ગાળાના લાભ આપતી પરંતુ ટૂંકા ગાળામાં ખર્ચ કરવાની પ્રવૃત્તિઓ કાં તો ધંધાદારીઓ શરૂ કરતા નથી અથવા શરૂ કરી હોય તો બંધ કરી દે છે. સંશોધન, તાલીમ અને પર્યાવરણ-શુદ્ધિ જેવી બાબતોનો ભોગ તરત લેવાય છે. આટલું ઓછું હોય તેમ પ્રવર્તમાન સાધનો, યંત્રો, મકાનો અને માણસો સુધ્ધાંની લઘુતમ માવજતના ખર્ચા બંધ કરી દેવામાં આવે છે. પરિણામે લાંબે ગાળે યંત્રની તૂટફૂટ અને અકસ્માતો ખૂબ વધી જાય છે. આ ખ્યાલ એવી પૂર્વધારણા કરે છે કે ધંધામાં કરેલા મૂડીરોકાણથી જ વળતર મળે છે. વાસ્તવમાં એવું નથી. અર્થશાસ્ત્રમાં જણાવ્યું છે તેમ ભૂમિ, મૂડી, શ્રમ અને નિયોજન, ઉત્પાદન અને વળતર નક્કી કરે છે. પરિણામે મૂડીરોકાણને એકલાને પાયામાં રાખીને વળતર ગણવાનો ખ્યાલ અધૂરો છે. પ્રામાણિક અને નિષ્ઠાવાળા કામદારો, ઇજારો, અનુકૂળ સ્થળે નંખાયેલ કારખાનું જેવાં અનેક કારણો ધંધાના નફાને નક્કી કરે છે. રોકાયેલ મૂડી પર વળતરનો ખ્યાલ આ બધાં પરિબળોને ધ્યાનમાં લેતો નથી. રોકાયેલ મૂડી પર વળતર કોઈ ચોક્કસ સમયગાળા માટે ગણવામાં આવે છે. મહદ્અંશે એ ગાળો એક વર્ષનો હોય છે. આ સમયગાળા પૂર્વે જે બનાવો બન્યા હોય અને જે નિર્ણયો લેવાયા હોય તે પણ વળતર નક્કી કરે છે. ઉદાહરણ તરીકે આગલા વર્ષમાં જાહેરખબરની કરેલ ઝુંબેશ ચાલુ વર્ષના વેચાણ અને નફાને વધારી દે છે. આવી અનેક મર્યાદાઓ હોવા છતાં મૂડીરોકાણ પરના વળતરનો ગુણોત્તર મૂડીના કાર્યદક્ષ ઉપયોગનો દ્યોતક છે.

અશ્વિની કાપડિયા