મૂડીરોકાણ-નિયમન
February, 2002
મૂડીરોકાણ-નિયમન : મૂડી-ઉઘરામણીની પ્રક્રિયાનું કાયદા દ્વારા નિયમન અને નિયંત્રણ. 1875માં ભારત અને એશિયામાં સૌથી પહેલું સ્થપાયેલું મુંબઈ શૅરબજાર શરૂઆતમાં તો બહુ નાના પાયા પર ચાલતું હતું. મૂડીરોકાણ-નિયમન માટે સરકારી રાહે પગલાં લેવાની જરૂર વરતાઈ નહોતી. ક્રમશ: મુંબઈ શૅરબજારનું કાર્યક્ષેત્ર વિસ્તરતું ગયું. તેના પરના નિયમનના અભાવે મૂડીરોકાણનો કાર્યક્રમ નિરંકુશ અને દિશાવિહીન રહ્યો. મૂડીરોકાણ કરનારા મૂડીની સલામતી અને વળતર માટે અનિશ્ચિતતામાં જ ફંગોળાયા કર્યા. આથી, મૂડીરોકાણ નિયમન માટે સૌથી પહેલાં બૉમ્બે સિક્યોરિટિઝ કૉન્ટ્રૅક્ટ્સ (રેગ્યુલેશન) ઍક્ટ 1925માં તૈયાર થયો. આ ધારામાં વખતોવખત સુધારા કરી, પેદા થતી નવી પરિસ્થિતિમાં જરૂરી મૂડીરોકાણ-નિયમનનો કાયદો કરવામાં આવ્યો. આ જ કાયદામાં કેટલાક મહત્વના ફેરફાર કરી તેને 1956નો સિક્યોરિટીઝ કૉન્ટ્રેક્ટ ઍક્ટથી ઓળખવામાં આવ્યો. જામીનગીરીઓનાં ખરીદ-વેચાણના કરારથી નવા બહાર પાડવામાં આવતા શૅરોમાં કરાતા મૂડીરોકાણને જુદું પાડીને તેના પર નિયમન રાખવાના હેતુથી ધ કૅપિટલ ઇસ્યૂઝ (કન્ટ્રોલ) ઍક્ટ, 1947 ઘડવામાં આવ્યો. 1913ના કંપનીધારાને સ્થાને 1956માં રચાયેલા નવા ધ કંપનીઝ ઍક્ટ થકી પણ મૂડીરોકાણ-નિયમન કરવામાં આવ્યું. 1988માં ભારત સરકારે સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેંજ બૉર્ડ ઑવ્ ઇન્ડિયા(સેબી)ની રચના કરી. 1992માં આ બોર્ડને વૈધાનિક અને સ્વાયત્ત દરજ્જો આપતો સિક્યોરિટિઝ ઍન્ડ એક્સચેંજ બોર્ડ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ ઘડવામાં આવ્યો. આ ધારા થકી સરકારે મૂડીરોકાણ-નિયમનમાં સીધો હસ્તક્ષેપ કરવાનું બંધ કર્યું. એણે ધારો એવી રીતે ઘડ્યો કે જેથી સેબી સીધો હસ્તક્ષેપ ન કરે પરંતુ આડકતરો અને દૂરનો અંકુશ રાખે.
શૅરો અને ડિબેન્ચરો બહાર પાડીને જાહેર જનતાને આમંત્રણ આપીને તેની પાસેથી મૂડી મેળવવા ઇચ્છતી કંપનીએ જાતે અને હયાત કે અસ્તિત્વમાં આવનારી કંપની વતી અન્ય વ્યક્તિએ પ્રોસ્પેક્ટસ બહાર પાડવું હોય તો કંપની અધિનિયમ 1956 અનુસાર વિધિસર રીતે નિયુક્ત થયેલા રજિસ્ટ્રાર સમક્ષ કલમ 60 હેઠળ તેની નોંધણી કરાવવી પડે છે. પરંતુ જો કંપનીની મૂડીમાં ફાળો આપવા માટે જે વ્યક્તિઓ સમક્ષ શૅર અને ડિબેન્ચર ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હોય અથવા જેમને આમંત્રણ આપવામાં આવ્યું હોય તેમના સિવાય અન્ય વ્યક્તિઓને આવા શૅર અને ડિબેન્ચર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મળી જાય તેવી ગણતરી અભિપ્રેત ન હોય તો તે શૅરો અને ડિબેન્ચરો ખરીદવાનું જાહેર આમંત્રણ કહેવાતું નથી પરંતુ ખાનગી વિતરણ (private placement) કહેવાય છે. તેવા સંજોગોમાં રજિસ્ટ્રાર સમક્ષ પ્રોસ્પેક્ટસ નોંધાવવામાંથી અધિનિયમની કલમ 67(3)ની રૂએ કંપનીને મુક્તિ આપવામાં આવેલી છે. આ વૈધિક વ્યવસ્થા હેઠળ મૂડીરોકાણ માટે બહાર પાડવામાં આવતી જામીનગીરીઓની દાર્શનિક કિંમતથી વધારે રકમ–પ્રીમિયમની રકમ નક્કી કરવાની બાબતમાં કન્ટ્રોલર ઑવ્ કેપિટલ ઇસ્યૂ (સી.સી.આઇ.) દ્વારા જે સીધો હસ્તક્ષેપ કરવામાં આવતો હતો તે બંધ કરવામાં આવ્યો છે. એની સાથે જે રોકાણકારોને જામીનગીરી તેમજ તેને બહાર પાડતી સંસ્થાઓ અંગે પૂરતા પ્રમાણમાં જરૂરી અને સંબંધિત માહિતી મળે તેવી ધારાકીય વ્યવસ્થા કરી. આમ કરીને, રોકાણકાર પોતે રોકાણ કરવું કે નહિ તેનો સ્વતંત્ર નિર્ણય લે તેવી વ્યવસ્થા સેબીએ કરી. મૂડી મેળવતી સંસ્થાઓનો વહીવટ પારદર્શી રહે, ન્યાયાધારિત રહે અને રોકાણકારો પરત્વે પૂરા ઉત્તરદાયિત્વવાળું રહે તેવા પ્રયત્નો સેબી કરે છે. આમ 1947થી 1992 સુધી મૂડીરોકાણ પર સરકાર સીધું નિયમન રાખતી હતી. એક બાજુ પૂરા માહિતગાર રોકાણકાર અને બીજી બાજુ પારદર્શી વહીવટવાળી મૂડી માંગતી સંસ્થાઓ સ્વયંભૂ મૂડીરોકાણ-નિયમન કરે એવી વ્યવસ્થા હવે ગોઠવાઈ છે.
મૂડીરોકાણના વ્યાવસાયિક એવી મધ્યવર્તી સંસ્થાઓ એમનું ઉત્તરદાયિત્વ નિભાવે અને ગેરવાજબી લાભો લે નહિ તેવા અંકુશ મૂકીને સેબી તેમાંથી નીપજતાં દૂષણોને નિયમનમાં રાખે છે. આ મધ્યવર્તી સંસ્થાઓ પૈકી મૂડી મેળવી આપતી બૅન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પર સીધો અંકુશ મૂકીને સેબી મૂડીરોકાણ પરનું આડકતરું નિયમન કરે છે. સેબીએ આ સંસ્થાઓની આચારસંહિતા તૈયાર કરી છે. એમની સાથે સમજનિવેદન (Memorandum of understanding) કર્યું છે. આમ કરીને સેબી આ સંસ્થાઓને ફરજ પાડે છે કે તેઓ જ મૂડીરોકાણ-નિયમનમાં અગ્રેસર રહે. વૈશ્વિક સ્તરે મૂડીસર્જનની પ્રક્રિયામાં પણ આવા જ આડકતરા અંકુશો મૂકી મૂડીરોકાણ નિયમન કરવાની કોશિશ થાય છે. શૅરબજારમાં કેટલીક વાર ખોટી ચાલ રમીને કોઈ કંપની કે સટોડિયાઓ ભાવોમાં એવી રીતે ફેરફાર આણતા હોય છે કે જેથી નવી બહાર પડતી જામીનગીરીઓ દ્વારા થતા મૂડીરોકાણમાં એમને ગેરવાજબી ફાયદો થાય. આ પ્રકારના ભાવનિર્ધારણ પર અંકુશ મૂકીને સેબી મૂડીરોકાણ-નિયમન કરે છે. સેબીએ રોકાણકારોની ફરિયાદો સીધી સાંભળીને જરૂરી કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. આમ કરીને તે મૂડીરોકાણને વધારે વિશ્વસનીય બનાવવા માંગે છે. શૅરબજારમાં નહિ નોંધાયેલી કંપનીઓમાં થતા મૂડીરોકાણ પર નિયમન મૂકવાનું પણ સેબીએ ક્રમશ: શરૂ કર્યું છે.
સૂર્યકાન્ત શાહ