મૂડીરોકાણ ટ્રસ્ટ (Investment Trust) : પોતાના સભ્યોની બચતનું કંપનીઓના શૅર, ડિબેન્ચર અને બૉન્ડમાં રોકાણ કરીને તેમાંથી થતી આવકનું સભ્યોમાં વિતરણ કરતું ટ્રસ્ટ. બચતોને મૂડીરોકાણમાં રૂપાંતરિત કરવા માટે વિવિધ યુક્તિઓ અજમાવવામાં આવે છે. ધંધાકીય પ્રવૃત્તિઓ કેન્દ્રમાં રાખીને ઘડાયેલા કાયદાઓ હેઠળ વિવિધ સંસ્થાઓનું સર્જન કરી તે દ્વારા મૂડીરોકાણના પ્રયત્નો લાંબા સમયથી થતા આવ્યા છે. સ્વતંત્રતા મળ્યા પછી એપ્રિલ 1951થી આયોજન શરૂ થયું ત્યારથી અર્થકારણમાં વૈવિધ્ય લાવવા અને આર્થિક વૃદ્ધિદર વધારવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. વિકાસ કરવા માટેની આઇ.સી.આઇ.સી.આઇ., આઇ.ડી.બી.આઇ. અને આઇ.એફ.સી.આઇ. જેવી આર્થિક વિકાસ માટેની સંસ્થાઓ સ્થપાઈ. નવા સ્થપાતા ઉદ્યોગો અને જૂના ઉદ્યોગોની કંપનીઓમાં મૂડીરોકાણ કરવા માટેની આર્થિક રોકાણ-સંસ્થાઓ પણ સ્થપાઈ. આ રોકાણ-સંસ્થાઓ પૈકી જે સંસ્થાઓમાં રોકાણકારો પરસ્પરમાં ભરોસો મૂકીને પ્રવૃત્તિઓ કરી શકે તેવી સંસ્થાઓ મૂડીરોકાણ ટ્રસ્ટ તરીકે ઓળખાવા લાગી. ભારત સરકારે કાયદા દ્વારા સ્થપાયેલું યુનિટ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા આ પ્રકારનું મૂડીરોકાણ ટ્રસ્ટ છે. વળી મોટાભાગનાં મ્યુચ્યુઅલ ફંડો પણ મૂડીરોકાણ ટ્રસ્ટો છે. આ ટ્રસ્ટોને કેટલીક જાહેર અને ખાનગી સાહસની સંસ્થાઓ તરતાં મૂકે છે. આ સ્થાપક સંસ્થાઓ સફળ પુરવાર થયેલી સંસ્થાઓ હોવી જોઈએ. આવાં ટ્રસ્ટો દ્વારા મૂડીરોકાણ દ્વારા મળતા લાભને સભ્યો વચ્ચે વહેંચવા માટે પોતે અસ્તિત્વમાં આવ્યાં હોવાની જાહેરાત થાય છે. આથી, આ સંસ્થાની જામીનગીરીઓ ‘શૅર’ તરીકે ઓળખાતી નથી, પરંતુ ‘યુનિટ’ (એકમ) તરીકે ઓળખાય છે. આ ટ્રસ્ટના સંચાલકો ડિરેક્ટરો તરીકે ઓળખાતા નથી, પણ ‘ટ્રસ્ટી’ તરીકે ઓળખાય છે. આ ટ્રસ્ટના રોકાણકારોને અપાતા વળતરને મોટાભાગના કિસ્સાઓમાં ડિવિડન્ડ તરીકે નહિ ઓળખતાં ‘લાભવિતરણ’ તરીકે ઓળખવામાં આવે છે. આ ટ્રસ્ટની ઘણી રોકાણયોજનાઓ સમયબદ્ધ હોય છે. નક્કી કરેલો સમયગાળો પૂરો થતાં રોકાણકારોને મુદ્દલ અને લાભાંશ પરત કરવામાં આવે છે. આ ટ્રસ્ટના યુનિટોમાંના કેટલાક પ્રકારના યુનિટોના ભાવ શૅરબજારમાં નક્કી થતા નથી. એ યુનિટોને ટ્રસ્ટની રોકાણયોજનાની મિલકતોની ચોખ્ખી કિંમત(net asset value – NAV)ના સપ્રમાણ ભાગ તરીકે ગણવામાં આવે છે. આવા યુનિટોનાં ખરીદ-વેચાણ શૅરબજારોમાં થતાં નથી. યુનિટો બહાર પાડ્યા પછી સમયાંતરે મિલકતોની ચોખ્ખી કિંમતના આધારે એમને પુન: ખરીદી લેવાનું કામકાજ મૂડીરોકાણ ટ્રસ્ટ પોતે જ કરે છે.

સૂર્યકાન્ત શાહ