મુહસિનફાની (જ. અ. આશરે 1671–72) : મુઘલ શહેનશાહ શાહજહાંના સમયના પ્રસિદ્ધ કવિ અને સૂફી સંત. પોતાના સમયના મહાન વિદ્વાનોમાં તેમની ગણના થાય છે. તે સમયનાં પ્રચલિત તમામ શાસ્ત્રોમાં તેઓ પારંગત હતા. કાશ્મીરના અમીર-ઉમરાવો અને હાકેમો તેમની સાથે મિત્રતાનો સંબંધ રાખતા તથા અવારનવાર તેમની મુલાકાત પણ લેતા. શાહજહાંને પણ તેમના પ્રત્યે ઘણો આદર હતો. કેટલાક સમય માટે ‘સદરે અલાહાબાદ’ના પદ પર તેમની નિયુક્તિ કરાઈ હતી.
જે સમયે મુરાદબખ્શે બલ્ખ પર વિજય મેળવ્યો ત્યારે ત્યાંનો હાકેમ નઝીર મોહંમદખાન ત્યાંથી નાસી છૂટ્યો. તેના ગ્રંથાલયમાંથી, તેની પ્રશસ્તિમાં લખાયેલ મુહસિનફાનીનું એક દીવાન મળી આવ્યું. બાદશાહે તેમને ‘સદર’ની ફરજમાંથી મુક્ત કરી યોગ્ય જીવનનિર્વાહ-ભથ્થું બાંધી આપ્યું. આ ઘટના પછી તેઓ કાશ્મીર આવીને સ્થાયી થયા. કહેવાય છે કે અહીં તેઓ એક નાઝી નામની નર્તકીના પ્રેમમાં પડ્યા. કાશ્મીરનો હાકેમ ઝફરખાન પણ તેના પ્રેમમાં દીવાનો હતો પરંતુ નાઝીએ તેના તરફ દુર્લક્ષ સેવ્યું. ઝફરખાને નાઝી અને ફાની પર એક વ્યંગકાવ્ય લખ્યું, પરંતુ મુહસિને તેનો કોઈ પ્રત્યુત્તર ન આપ્યો.
મુહસિન શીઘ્રકવિ તરીકે પ્રસિદ્ધ છે. તેમની રચનાઓમાં એક પ્રકારની તાજગી અને પ્રવાહિતા જોવા મળે છે. મહાન કવિ ગની કાશ્મીરી તેમનું અનુસરણ કરતા હતા. તેમણે શહેનશાહ શાહજહાંની પ્રશસ્તિમાં અનેક કસીદાઓ રચ્યા છે. તેમાં ખાસ કરીને અનેક ભારતીય ભાષાઓના શબ્દોનો ઉપયોગ થયેલો છે. ભારતીય સમાજ અને સંસ્કૃતિને લગતા વિચારો અને વિષયોને ભારતીય શબ્દો દ્વારા વ્યક્ત કરવાની બાબતમાં તેઓ ગંભીર હતા. આ બાબત તેમની રચનાઓમાં સ્પષ્ટ તરી આવે છે.
ઈસ્માઈલ કરેડિયા