મુહમ્મદાબાદ : સલ્તનતકાલમાં જૂના ચાંપાનેરની બાજુમાં બંધાયેલ નગર. મહમૂદ બેગડાને ઈ. સ. 1448માં પાવાગઢ જીતવામાં સફળતા મળી. ત્યાંનાં હવાપાણી સુલતાનને માફક આવતાં ત્યાં પોતાનું પાયતખ્ત રાખ્યું. પોતાને રહેવાનાં મુખ્ય સ્થાનો પૈકીનું એક ઠરાવ્યા બાદ એણે હજરત મુહમ્મદ પયગંબરના નામ ઉપરથી એનું નામ ‘મુહમ્મદાબાદ’ રાખ્યું. એણે જૂના ચાંપાનેરની બાજુમાં પહાડની પૂર્વ તરફની તળેટીમાં મસ્જિદ અને પશ્ચિમે કિલ્લો ચણાવ્યાં, જે હાલ ‘ચાંપાનેરનો ભદ્ર’ કહેવાય છે. સુલતાને અમદાવાદને બદલે વરસનો મોટો ભાગ ત્યાં જ ગાળવા માંડ્યો અને ત્યાં ટંકશાળની સ્થાપના કરી સિક્કા ઉપર એને માટે ‘શહરે મુકર્રમ’ (આદરણીય નગર) નામ લખ્યું.

ઈ. સ. 1526ના જુલાઈની 11મીએ અમદાવાદમાં બહાદુરખાનની તખ્તનશીનીનો વિધિ કરવામાં આવ્યો અને એણે ‘બહાદુરશાહ’નો ખિતાબ ધારણ કર્યો. એ પછી તેણે મુહમ્મદાબાદ જઈ તુરત જ પોતાના વિરોધીઓ સામે પગલાં લીધાં. સુલતાને મુહમ્મદાબાદમાં પણ તખ્તનશીનીનો વિધિ કર્યો હતો. ઈ. સ. 1535ના ઑગસ્ટની 9મીએ હુમાયૂંએ ચાંપાનેરનો કિલ્લો કબજે કર્યો. ત્યાં એણે પોતાના ચાંદીના તથા તાંબાના સિક્કા પડાવેલા. એમાંના એક ઉપર ચાંપાનેર હિ. સં. 942માં જીત્યાનો નિર્દેશ તથા ‘એ જમાનાનું શહેર’ એવું લખાણ છે. સુલતાન બહાદુરખાને ઈ. સ. 1536ના મેની 25મીએ ફરી મુહમ્મદાબાદ જીતી લીધું.

ગુજરાતની બધી ટંકશાળો કરતાં અહીંની ટંકશાળ વધુ સમય સુધી ક્રિયાશીલ રહી હતી. આ ટંકશાળમાંથી સૌથી વધુ સુલતાનોએ સિક્કા બહાર પાડેલા; જેમાં મહમૂદશાહ 1લો (બેગડો), મુઝફ્ફરશાહ 2જો, બહાદુરશાહ, મહમૂદશાહ 3જો અને મુઝફ્ફરશાહ 3જાના સિક્કાઓનો સમાવેશ થાય છે.

મુહમ્મદાબાદનું નગર-આયોજન સ્વાભાવિક રીતે અમદાવાદના આયોજનને અનુસરે છે. સુલતાને નગરને સુરક્ષિત રાખવા કિલ્લો બંધાવ્યો તે સાથે સાથે અંદરના મહેલ પણ બંધાવ્યા. રાજમહેલોના કિલ્લાવાળા સમુદાયને એણે ‘જહાંપનાહ’ નામ આપ્યું એમ ‘મિરાતે સિકંદરી’નો કર્તા નોંધે છે. નગર-આયોજનની ર્દષ્ટિએ કિલ્લો અને અંદરના રાજમહાલય નગરનું કેન્દ્ર છે. એની પાસેની જુમા મસ્જિદ સાત મિનારાવાળી છે. સામાન્ય આયોજન ‘કાર્મુક’ પ્રકારનું વધુ છે. રાજમહેલની જમણી બાજુ અમીર-ઉમરાવો, રાજદરબારીઓ વગેરેના વસવાટ હતા. ડાબી બાજુ કર્મચારીઓ તેમજ મજૂરોનો વર્ગ તથા અનેકવિધ કામ કરનારાં દાસદાસીઓ અને સેવકોના વસવાટ હતા. વસવાટની પદ્ધતિ જાતિવર્ણાધિવાસની શ્રેણીબદ્ધતાને બરાબર અનુસરતી જોવા મળે છે. મસ્જિદની આજુબાજુ ખુલ્લા મેદાનની સામે બજાર વિકસ્યું હતું. રસ્તાઓનું વિભાજન અને ચોકચકલા, પોળ, વાડા વગેરે અમદાવાદના આયોજનની પદ્ધતિને અનુસરે છે.

મુહમ્મદાબાદને મુખ્ય ચાર વિસ્તારોના ચાર દરવાજા ને વચ્ચેનો દરવાજો એમ પાંચ દરવાજા હતા. રાજધાની બનવા છતાં મુહમ્મદાબાદની વસ્તી વધી નહિ. એની અગત્ય માત્ર રાજકીય કારણોને લીધે હતી. વેપાર, સમાજ, ધર્મ કે વિનિમયનાં પરિબળ એની ભૌગોલિક પરિસ્થિતિને કારણે એને મદદરૂપ ન બની શક્યાં. પરિણામે એનો વિકાસ ન થઈ શક્યો. મુહમ્મદાબાદની આજુબાજુનાં જંગલો, વેપારની ખામી, અને ત્યાંની રાજકીય ડામાડોળ સ્થિતિને કારણે લોકો એ નગરને પંચોતેર વર્ષની અંદર જ છોડી ગયા.

રામજીભાઈ ઠા. સાવલિયા