મુહમ્મદ અમીનખાન (શાસનકાળ : ઈ. સ. 1672–1682) : ઔરંગઝેબે નીમેલો ગુજરાતનો સૂબેદાર. અગાઉ તે મુઘલ દરબારના શ્રેષ્ઠ મનસબદારોમાંનો એક હતો. તેણે સળંગ દસ વર્ષ જેટલો સમય વહીવટ કર્યો તે નોંધપાત્ર ઘટના ગણાય. તેણે મોકલેલા લશ્કરી અધિકારી મુહમ્મદ બહલોલ શેરવાનીએ જંગલમાં નાસી ગયેલા ઈડરના રાવ ગોપીનાથની હત્યા કરી. તેની સૂબેદારી દરમિયાન વાત્રક નદી પરનો આઝમાબાદનો ગઢ સમરાવવામાં આવ્યો. જૂનાગઢનો ઉપરકોટ તરીકે જાણીતો કિલ્લો દુરસ્ત કરાવવામાં આવ્યો. અમદાવાદ શહેરની ફરતી દીવાલો તથા ભદ્રના કિલ્લાનાં શાહી રહેઠાણ સમરાવવામાં આવ્યાં. ઈ. સ. 1676માં તેણે ઔરંગઝેબના જન્મસ્થાન દાહોદમાં એક ભવ્ય સરાઈ અને મસ્જિદ બંધાવ્યાં. અમદાવાદમાં 1681માં ખાદ્ય વસ્તુઓના ભાવ બેસુમાર વધી ગયા. તેથી રોષે ભરાયેલા લોકો સૂબેદારને બજારમાં ઘેરી વળ્યા અને એની પાલખી પર પથ્થરમારો કર્યો. તે પછી આખા શહેરમાં રમખાણ થયું. તેણે લોકોને શાંત પાડ્યા અને પછી ભદ્રમાં ગયો. ત્યારબાદ તોફાન માટે જવાબદાર શેખ અબુબકરને એક મિજબાનીમાં બોલાવી, ઝેર આપી યુક્તિથી મારી નાખ્યો. એણે બુદ્ધિપૂર્વક તોફાનો શાંત કર્યાં અને પ્રજા પર ત્રાસ ન ગુજાર્યો. જૂન, 1682માં અમદાવાદમાં તેનું અવસાન થયું. એને ભદ્રના કિલ્લામાં દફનાવી એની કબર ઉપર મકબરો કરવામાં આવ્યો હતો. એ મકબરો લાલ દરવાજાના બસસ્ટેશન પાસે બહુમાળી મકાનના ચોકમાં જોવા મળે છે.
જયકુમાર ર. શુક્લ