મુસ્તાકઅલી, સૈયદ (જ. 17 ડિસેમ્બર 1914, ઇંદોર, મધ્યપ્રદેશ; અ. 18 જૂન 2005, ઇંદોર) : જમોડી ઓપનિંગ બૅટ્સમેન અને સ્લો લેફ્ટ આર્મ ગોલંદાજી કરતા, ભારતના ક્રિકેટની રમતના છટાદાર અને લોકપ્રિય ટેસ્ટ ઑલરાઉન્ડર.

બાળપણ, શાળાભ્યાસ અને ક્રિકેટની તાલીમમાં મધ્યપ્રદેશ એમનું કાર્યક્ષેત્ર રહ્યું. નાગપુર ખાતેના નિવાસ દરમિયાન તેઓ સી. કે. નાયડુના પરિચયમાં આવ્યા હતા.

ક્રિકેટક્ષેત્રમાં મુસ્તાકઅલીએ ગોલંદાજ તરીકે પ્રવેશ કર્યો હતો. 1933–34માં કૉલકાતાના ઈડન ગાર્ડન ખાતે પ્રવાસી ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં જાન્યુઆરી 1934માં તેમણે ટેસ્ટ-પદાર્પણ કર્યું હતું.

1936માં ઇંગ્લૅન્ડ પ્રવાસ દરમિયાન માન્ચેસ્ટર ખાતે જુલાઈમાં રમાયેલી ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારતના બીજા દાવમાં કટોકટી વખતે વિજય મરચન્ટ અને મુસ્તાકઅલીની પ્રારંભિક જોડીએ પ્રથમ વિકેટની ભાગીદારીમાં 203 રન ઉમેર્યા હતા. મુસ્તાકે 112 રન અને મરચન્ટે 113 રન નોંધાવતાં એ ટેસ્ટ ડ્રૉ થઈ હતી. 1936ના ઇંગ્લૅન્ડના એ પ્રવાસ દરમિયાન મુસ્તાકઅલીએ 4 સદી સાથે 25.06ની બૅટિંગ સરેરાશ સાથે કુલ 1,078 રન નોંધાવ્યા હતા.

સૈયદ મુસ્તાકઅલી

લૉર્ડ ટેનિસનની ટીમની સામે 1937–38માં બિનસત્તાવાર ટેસ્ટશ્રેણીમાં કૉલકાતા ખાતે 101 અને 55 રન નોંધાવ્યા હતા. 1946નો તેમનો ઇંગ્લૅન્ડ પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો. પરંતુ માન્ચેસ્ટર ખાતે બીજી ટેસ્ટમાં મરચન્ટ સાથે પ્રથમ વિકેટની 124 રનની ભાગીદારી તેમણે નોંધાવી હતી. ઓવલ ખાતે ત્રીજી ટેસ્ટમાં મુસ્તાકે 59 રન નોંધાવી મરચન્ટ સાથે 94 રનની ભાગીદારી નોંધાવી હતી.

1948–49માં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે કૉલકાતા ખાતે ત્રીજી ટેસ્ટમાં મુસ્તાક ફરી ઓપનર તરીકે ટીમમાં આવ્યા હતા અને પ્રથમ દાવમાં 54 તથા બીજા દાવમાં 106 રન નોંધાવ્યા હતા.

સૈયદ મુસ્તાકઅલીએ 11 ટેસ્ટમૅચોમાં 32.21ની બૅટિંગ સરેરાશથી કુલ 612 રન નોંધાવ્યા હતા જેમાં બે સદીનો સમાવેશ થતો હતો. તેમણે 3 વિકેટો તથા 7 કૅચ ઝડપ્યાં હતાં. પચરંગી ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેઓ મુસ્લિમ ટીમ તરફથી રમ્યા હતા.

રણજી ટ્રૉફીમાં મધ્યપ્રદેશ તરફથી તેમણે 108 દાવમાં 17 સદી (સર્વોચ્ચ 233, 1947–48) સાથે 49.14ની સરેરાશથી કુલ 5,013 રન નોંધાવ્યા હતા. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં મુસ્તાકઅલીએ 30 સદીની સહાયથી કુલ 12,413 રન (સરેરાશ 36.29) નોંધાવી 88 વિકેટો ઝડપી હતી. ભારત સરકાર તરફથી તેમને ‘પદ્મશ્રી’ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. એમ.સી.સી.એ તેમને માનદ આજીવન સભ્યપદ આપ્યું હતું.

જગદીશ બિનીવાલે