મુસાએન્ડા (મ્યુસેન્ડા) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક પ્રજાતિ. તેનું વિતરણ મુખ્યત્વે જૂની દુનિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 15 જેટલી જાતિઓ થાય છે. થોડીક જ વિદેશી (exotic) જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.
પ્રજાતિની શોભન (ornamental) જાતિઓ સુંદર પુષ્પો માટે જાણીતી છે. પુષ્પનો એક વજ્ર-ખંડ (calyx lobe) મોટા, સફેદ કે રંગીન પર્ણ જેવી રચનામાં વિકાસ પામે છે. તેને દલાભ (petaloid) વજ્ર કહે છે. આ દલાભ વજ્રપત્રને લીધે વનસ્પતિ આકર્ષક બને છે. તેની જાતિઓ સામાન્યત: સહિષ્ણુ (hardy) હોય છે અને પ્રસર્જન બીજ, કટકારોપણ (cutting) કે દાબકલમ (layering) દ્વારા કરવામાં આવે છે.
Mussaenda frondosa Linn. (હિં. બેદિના, બેબીના; બં. નાગબાલી; મ. ભૂતકેસ; ત. વેલ્લાઈયીલાઈ, વેલ્લીમદનદાઈ; ક. બીલ્લૂથી, પાથરી, હસ્થ્યગીડા; મલ. પારથોલે, વેલ્લીલા; અં. ધોબીઝ ટ્રી, પેપર ચેઝ ટ્રી). એક સુંદર, ટટ્ટાર કે આરોહી (scandent) ક્ષુપ જાતિ છે. કેટલીક વાર તે નાના વૃક્ષ-સ્વરૂપે પણ જોવા મળે છે અને ઉષ્ણકટિબંધીય હિમાલયમાં દહેરાદૂનની પૂર્વે, ખાસી-પહાડીઓ, દક્ષિણ ભારત અને આંદામાનના ટાપુઓમાં થાય છે. તેની છાલ ભૂખરી હોય છે. પર્ણો ઉપવલયી-લંબચોરસ (elliptic-oblong) કે પ્રતિઅંડાકાર (obovate), સાદાં, સંમુખ અને ઉપપર્ણી (stipulate) હોય છે. પુષ્પનિર્માણ મોટેભાગે વર્ષાઋતુમાં અને ક્યારેક ઉનાળામાં થાય છે. પુષ્પવિન્યાસ અગ્રસ્થ પરિમિત (cyme) પ્રકારનો હોય છે. તેનાં પુષ્પો નલિકાકાર (tubular) કે નિવાપાકાર (funnel shaped), બહારની બાજુએ પીળાશ પડતાં લીલાં અને અંદરની બાજુએ નારંગી લાલ હોય છે. એક વજ્ર-ખંડ સફેદ રંગનો અને પર્ણાભ (foliaceous) બને છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનાં અને ઉપગોલાકાર (sub-globose) કે અંડાકાર હોય છે.
ગુજરાતની આબોહવામાં તે સારી રીતે થઈ શકે છે. અન્ય જાતિઓ કરતાં આ જાતિ વધારે સુંદર ગણાય છે. તેનું અવારનવાર કૃંતન (pruning) કરવાથી વનસ્પતિ ઘાટીલી રહે છે; ભારે કૃંતન હિતાવહ નથી.
પર્ણો અને પુષ્પનાં પર્ણાભ વજ્રપત્રોનો શાકભાજી અને ખાતર તરીકે ઉપયોગ થાય છે. તેનું કાષ્ઠ (575 કિગ્રા./ઘમી.) સફેદ, પોચાથી માંડી મધ્યમસરનું સખત અને સમ-ગઠિત (even-grained) હોય છે. તેનો ખરાદીકામમાં, ચમચા અને અન્ય વસ્તુઓ બનાવવામાં ઉપયોગ થાય છે. પર્ણો અને પુષ્પો ચાંદાંઓ પર લગાડવામાં આવે છે. તેનાં સફેદ પુષ્પોનો રસ દૂધ સાથે લેવાથી કમળો મટે છે તેવો એક ઉલ્લેખ છે. શુષ્ક પ્રરોહનો મંદ ક્વાથ બાળકોનો કફ મટાડે છે. મૂળ કડવાં અને રૂપાંતરક (alterative) અને શામક (demulcent) હોય છે અને સફેદ કોઢ અને આંખના રોગોની ચિકિત્સામાં ઉપયોગી થાય છે.
M. glabra Vahl. (આસામ-ચારાઈ-આથા, ચુબા-આથા, સોના-રૂપા), મોટી, આરોહી ક્ષુપ-સ્વરૂપ જાતિ છે અને ઉષ્ણકટિબંધીય હિમાલયમાં નેપાળથી પૂર્વે, બિહાર, બંગાળ અને આસામમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. પર્ણો ઉપવલયાકાર (elliptic) કે લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate), ચર્મિલ (coria-ceous) અને કેટલીક વાર કર્બુરિત (mottled) હોય છે.
તેને વાડ તરીકે ઉગાડવામાં આવે છે. કુમળાં પર્ણો ક્ષુધાપ્રેરક હોય છે અને કચુંબર તથા ચટણીમાં ખવાય છે. પર્ણો સોપારી સાથે ચાવવામાં આવે છે અને તેના આસવ (infusion) તથા મૂળના ક્વાથનો કફ મટાડવામાં ઉપયોગ થાય છે. પુષ્પો મૂત્રલ (diuretic) ગુણધર્મો ધરાવે છે અને દમ, પુનરાવર્તી (recurrent) તાવ તથા જલશોફ(dropsy)માં વપરાય છે.
M. erythrophylla Schum & Thonn. શોભન, આરોહી ક્ષુપ-જાતિ છે અને ખાસ કરીને પહાડો ઉપર આવેલાં ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તે થોડી નીચી અને બીજી જાતિઓ કરતાં વધારે ફેલાતી જાતિ છે. તેનાં પર્ણો ચકચકિત લીલા રંગનાં, પુષ્પો પીળા રંગનાં અને વજ્રખંડ સિંદૂરી લાલ રંગનાં હોય છે. પુષ્પોથી લદાયેલો છોડ અત્યંત આકર્ષક લાગે છે. આ જાતિને ગુજરાતની આબોહવા અનુકૂળ નથી. તેને ઠંડકવાળું વાતાવરણ જરૂરી હોય છે. તેથી છાંયડામાં ઉગાડવો હિતાવહ છે. તેનાં મૂળ કફઘ્ન અને ક્ષુધાપ્રેરક હોય છે.
M. luteola Delile સુંદર ક્ષુપ જાતિ છે અને ફિક્કાં-લીલાં પર્ણો, પીળાં પુષ્પો અને પર્ણાભ વજ્રપત્ર ધરાવે છે. તે આફ્રિકાની મૂલનિવાસી છે અને ભારતીય ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તે વાડ બનાવવામાં ઉપયોગી છે. ગુજરાતમાં આ જાતિ સારી રીતે થઈ શકે છે.
M. roxburghii Hook F. (આસામ–સોકલાતી) મોટી શોભન ક્ષુપ-જાતિ છે અને ઉષ્ણકટિબંધીય હિમાલયમાં નેપાળની પૂર્વે, ઉત્તર બંગાળ અને આસામમાં થાય છે. તે ઉદ્યાનોમાં ઉગાડાય છે અને વાડ બનાવવામાં ઉપયોગી છે. પર્ણો શાકભાજી તરીકે ખાવામાં આવે છે. તેનાં પર્ણોનો આસવ ટોપલા રંગવામાં વપરાય છે.
આ સિવાય M. corymbosa નામની જાતિ પણ ભારતમાં થાય છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ