મુશ્તાકહુસેન : શાસ્ત્રીય સંગીતના સહસવાન ઘરાણાના ગાયક. તે ઘરાણાના સ્થાપક ઉસ્તાદ ઇનાયતખાં ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના સહસવાન ગામમાં રહેતા હતા તે કારણે તેમણે સ્થાપેલા ઘરાણાનું નામ ‘સહસવાન ઘરાણા’ પડ્યું. આ ઘરાણાના ગાયકોની ગુરુ-શિષ્ય-પરંપરા છેક તાનસેનથી ઊતરી આવી હોવાનો તેઓ દાવો કરે છે.

મુશ્તાકહુસેન

મુશ્તાકહુસેનનો જન્મ સહસવાનમાં થયો હતો. તેમના મુખ્ય ગુરુ ઇનાયતખાં હતા. વખત જતાં તેઓ ગુરુના જમાઈ પણ બન્યા, જેથી ગુરુએ તેમને ઉચ્ચ પ્રકારની તાલીમ આપી. નેપાળના મહારાજા રાણા વીર શમશેરજંગ સાથે 3–4 વર્ષ સુધી સન્માનપૂર્વક રહ્યા પછી ઇનાયતખાં 10 વર્ષ સુધી નિઝામના દરબારી ગાયક તરીકે રહ્યા અને છેવટે રામપુર રિયાસતના દરબારી સંગીતકાર બન્યા. મુશ્તાક હુસેન પણ તે સમય દરમિયાન ઇનાયતખાંની સાથે જ હતા અને તાલીમ મેળવતા. તે ઉપરાંત મુશ્તાકહુસેને કલ્લનખાં, પોતાના મામા અતરોલીના પુત્તનખાં તથા મહેબૂબખાં પાસેથી પણ ખયાલ શૈલીની ગાયકીની તાલીમ ઉપરાંત ઇનાયતખાંના બંધુ બીનકાર મહંમદ હુસેન પાસેથી પણ તાલીમ મેળવી હતી. રામપુરમાં તેમણે તાનસેનના વંશજ મહાન વીણાવાદક તથા ગાયક ઉસ્તાદ વઝીરખાં પાસેથી ધ્રુપદ તથા ધમારની તાલીમ મેળવવા ઉપરાંત આગ્રા ઘરાણાના ઉસ્તાદ વિલાયતહુસેનખાં પાસેથી પણ કેટલાક અપ્રચલિત રાગોની બંદિશો મેળવી હતી. થોડાં વર્ષ માટે તેઓ રામપુર રિયાસતના દરબારી સંગીતકાર નિમાયા હતા. ત્રણેય સપ્તકોમાં ઘૂમતી સપાટ તાનો લેવામાં નિષ્ણાત મુશ્તાકહુસેન ધ્રુપદ, ધમાર, ખયાલ, ઠૂમરી તથા ટપ્પાની શૈલીના ઉસ્તાદ ગાયક હતા. ખાસ કરીને બંદિશની ઠૂમરીનાં ગીતોમાં તેઓ અનેરો રંગ જમાવતા. તેમની એક ખાસ વિશેષતા ‘રાગ સાગર’ હતી. રાગ સાગરમાં ગીતના શબ્દો મુજબ તેના રાગો બદલાતા જાય છે, જેથી તેની ગાયકીની રજૂઆત મુશ્કેલ હોય છે. મુશ્તાકહુસેને રાગ સાગરની કેટલીક સુંદર બંદિશો રચી છે. તેમના શિષ્યોમાં તેમના પુત્ર ઇશ્તિયાકહુસેન તથા વડોદરાના ઉસ્તાદ નિસારહુસેનખાં ઉલ્લેખનીય છે.

બટુક દીવાનજી