મુલ્લા, દીનશા એફ. (જ. 8 જાન્યુઆરી 1868; અ. 27 એપ્રિલ 1934) :  ભારતના વિખ્યાત કાયદાશાસ્ત્રી. આર્થિક ર્દષ્ટિએ સાધારણ સ્થિતિના કુટુંબમાં જન્મ. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી.ની ઉપાધિ મેળવી સૉલિસિટર બન્યા. તેમણે પોતાની સૉલિસિટરની પેઢી સ્થાપી હતી. તેઓ વિદ્યાવ્યાસંગી અને મહેનતુ હતા. તેમણે ભારતીય કાયદાશાસ્ત્રનો પદ્ધતિસરનો અભ્યાસ કર્યો હતો. કોડ ઑવ્ સિવિલ પ્રોસિજર, હિન્દુ લૉ અને મુસ્લિમ લૉ, નાદારીનો કાયદો જેવા વિષયો પર એમણે લખેલાં પુસ્તકો તેમના જીવનકાળ દરમિયાન જ અદાલતોમાં પ્રમાણભૂત ગણાતાં હતાં. 1909માં સર લૉરેન્સ જેન્કિન્સના સૂચનથી તેમણે સૉલિસિટરનો વ્યવસાય છોડીને ઍડ્વોકેટ (ઓ.એસ.) તરીકે વકીલાત શરૂ કરી. મુલ્લા તેમના સમયના સૌથી વિદ્વાન ભારતીય ધારાશાસ્ત્રી ગણાતા હતા; આમ છતાં તેઓ વકીલાતના વ્યવસાયમાં ત્વરિત સૂઝ અને યુક્તિના અભાવે બહુ સફળ થયેલા નહિ. 1922માં મુંબઈ હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે  તેમની નિમણૂક થઈ. મહમદઅલી ઝીણાના મતે તે તેમના સમયના સૌથી શ્રેષ્ઠ ન્યાયાધીશ હતા. થોડાં વર્ષો પછી તેમણે ન્યાયાધીશપદેથી રાજીનામું આપ્યું. પછી તેઓ ઍડ્વોકેટ જનરલ અને વાઇસરૉયની કાઉન્સિલના કાયદા ખાતાના સભ્ય (લૉ મેમ્બર) બન્યા. નાદારીના કાયદા પર તેમણે આપેલ ‘ટાગોર લૉ પ્રવચનો’ પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયેલ છે. તેઓ લિંકન્સ ઇનના માનાર્હ સભ્ય હતા. 1930માં તેમની નિમણૂક પ્રિવિ કાઉન્સિલની ન્યાયસમિતિ પર થઈ. 1934માં આ હોદ્દાનું તેમણે રાજીનામું આપ્યું. મુંબઈ યુનિવર્સિટીએ તેમને એલએલ.ડી.ની માનાર્હ પદવી આપેલી અને અંગ્રેજ સરકારે ‘સર’નો ઇલકાબ આપેલો.

છોટાલાલ છગનલાલ ત્રિવેદી