મુલ્લા, આનંદનારાયણ (જ. 24 ઑક્ટોબર 1901, લખનૌ; અ. 12 જૂન 1997) : ભારતના અગ્રણી કાયદાવિદ તથા નામાંકિત ઉર્દૂ કવિ. તેમને તેમના અદ્યતન ઉર્દૂ કાવ્યસંગ્રહ ‘મેરી હદીસે ઉમ્રે ગુરેઝાં’ (1963) માટે 1964ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવેલો.

પિતા જગતનારાયણ ન્યાયાધીશ હતા. 1921માં કેનિંગ કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. અને 1923માં લખનૌ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રીઓ મેળવી. કાયદાના સ્નાતક બન્યા બાદ લખનૌમાં વકીલાત શરૂ કરી; તેમાં સફળ ઍડ્વોકેટ અને અગ્રણી નાગરિક તરીકે ખ્યાતિ પામ્યા. 1954માં અલ્લાહાબાદ હાઈકૉર્ટમાં ન્યાયાધીશ નિમાયા. 1958માં સિનિયર ન્યાયાધીશ બન્યા. 1961માં સેવાનિવૃત્ત થયા પછી ભારતની સુપ્રીમ કૉર્ટમાં વકીલાત શરૂ કરી. વિવિધ યુનિવર્સિટીઓ ખાતે કાયદાની વિદ્યાશાખાઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા. 1968માં લોકસભાના અને 1972–1983 દરમિયાન રાજ્યસભાના સભ્ય રહ્યા.

18–19 વર્ષની વયથી જ પ્રથમ અંગ્રેજીમાં અને પછી ઉર્દૂમાં કાવ્યો રચવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં ઉર્દૂના ઉત્કૃષ્ટ કવિ તરીકે નામના પામ્યા અને સમગ્ર ઉત્તર ભારતમાં કવિસંમેલનો તથા મુશાયરાઓમાં તેમણે નિયમિત ભાગ લેવા માંડ્યો. તેમનાં કાવ્યોમાં ગઝલાદિ પ્રકારો ધ્યાન ખેંચે છે.

6 કાવ્યસંગ્રહો, 1 ગદ્યસંચય, 1 અનુવાદ અને 1 સંપાદન – એ તેમનું સાહિત્યક્ષેત્રે પ્રદાન છે. તેમના ઉર્દૂ કવિતાક્ષેત્રના મહત્વના પ્રદાન માટે તેમને ઉત્તરપ્રદેશનો ગાલિબ અકાદમી ઍવૉર્ડ, ફખ્રુદ્દીન અલી અહમદ ઍવૉર્ડ તથા દિલ્હી ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા છે. તેમણે ઉત્તરપ્રદેશની ઉર્દૂ અકાદમીના અધ્યક્ષ, અંજુમને તરક્કીએ ઉર્દૂના પ્રમુખ (1969–1983) તથા ભારત સરકારના તરક્કીએ ઉર્દૂ બૉર્ડના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી છે.

તેમના મુખ્ય કાવ્યસંગ્રહોમાં ‘જૂએ શીર’ (1949); ‘કુછ ઝર્રે, કુછ તારે’ (1959); ‘સિયાહી કી એક બૂંદ’ અને ‘કર્બે આગહી’નો સમાવેશ થાય છે. તેઓ મહાત્મા ગાંધી અને નહેરુથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેથી તેમનાં કાવ્યોમાં પ્રેમ, માનવતા અને દેશભક્તિની ઉમદા ભાવનાઓ પ્રગટ થઈ છે. તાત્વિક રીતે ઉત્તમ લેખાયેલાં તેમનાં કાવ્યોમાં આધુનિક જીવનના સામાજિક તેમજ રાજકીય ભાવસંદર્ભો જોવા મળે છે.

બળદેવભાઈ કનીજિયા