મુલ્લા, અલી કારી (જ. –, હિરાત, અફઘાનિસ્તાન; અ. 1605) : મુસ્લિમોના હનફી સંપ્રદાયના વિદ્વાન અને કાયદાશાસ્ત્રી. આધુનિક સમયમાં પણ તેમનાં વિચારો-લખાણોનો લાભ લેવાય છે. તેમની અરબી કૃતિ ‘મિર્કાત’ ઇસ્લામી ધર્મશાસ્ત્રના અભ્યાસ માટે પાયાની કૃતિ ગણાય છે. તેમનું નામ અલી અને તેમના પિતાનું નામ સુલતાન મુહમ્મદ હતું. તેમણે જામે હિરાત નામની ઉચ્ચશિક્ષણ સંસ્થામાં કુરાનનું શિક્ષણ મૌલાના મુઈનુદ્દીન પાસેથી મેળવ્યું હતું. હિરાત ઉપરના ઈરાનના સફવી વંશના રાજવી સુલતાન ઇસ્માઇલના દમનકારી શાસનની સ્થાપના પછી મુલ્લા અલી હિરાતથી હિજરત કરીને કાયમ માટે મુસ્લિમોના સૌથી પવિત્ર શહેર મક્કા જતા રહ્યા હતા. અહીં તેમણે શ્રેષ્ઠ સમકાલીન વિદ્વાન શેખ સિરાજુદ્દીન ઉમર યમની પાસેથી કુરાનના વાચન(ઇલ્મુલ કિર્અત)ની ઉચ્ચ તાલીમ લીધી હતી અને કારી(કુરાનનો નિયમબદ્ધ પાઠ કરનાર)ની માનવાચક ઉપાધિ પ્રાપ્ત કરી હતી. હવે તેઓ ‘મુલ્લા અલી કારી’ના નામે ઓળખાવા લાગ્યા હતા. તેમણે મૂળ ગુજરાતના, પણ મક્કામાં રહેતા શેખ અલી મુત્તકી (અ. 1567) તથા અણહિલવાડ પાટણના મુફ્તી કુત્બુદ્દીન નહરવાલી (અ. 1596), ઉપરાંત મુસ્લિમ જગતના તે વખતના પ્રખ્યાત વિદ્વાનો શેખ ઝૈનુદ્દીન અતય્યા (અ. 1575), શેખ ઇબ્ન હજર હયસમી (અ. 1565) તથા શેખ અબ્દુલ્લા સિંધી (અ. 1596) પાસેથી હદીસ શાસ્ત્રનું શિક્ષણ પણ મેળવ્યું હતું. તેઓ શેખ હમદુલ્લા અમાસી પાસેથી વિધિવત્ રીતે સુલેખનકળા પણ શીખ્યા હતા. સુલેખનકળાના આધારે, પુસ્તકોની નકલો કરી આપીને, તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. મુલ્લા અલી કારી પવિત્ર અને સંતોષપૂર્ણ જીવન ગુજારતા હતા. તેઓ તફસીર, હદીસ અને ઉસૂલે ફિકહ જેવાં ઇસ્લામી શાસ્ત્રોમાં પ્રવીણતા ધરાવતા હતા. તેમણે આ વિષયો સંબંધી ઘણાં પુસ્તકો અરબી ભાષામાં લખ્યાં છે, જેમાંથી ‘મિર્કાતુલ મફાતીહ’(શર્હે મિશકાતુલ મસાબીહ)ને ઘણી નામના મળી છે. હિજરી સન 1014ના શવ્વાલ મહિનામાં મુલ્લા અલી કારીનું અવસાન થતાં તેમને મક્કાના ઐતિહાસિક અને પ્રસિદ્ધ કબ્રસ્તાન જન્નતુલ મઅલામાં દફનાવવામાં આવ્યા હતા. તેમના અવસાનના સમાચાર મિસર પહોંચતાં ત્યાંના વિદ્વાનોએ કૅરોની અલ-અઝહર યુનિવર્સિટીમાં 4,000 માણસો સાથે તેમના જનાજાની નમાજ પઢી હતી, જે ગાયબાના નમાજ કહેવાય છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી