મુલિકન, રૉબર્ટ સૅન્ડરસન (જ. 7 જૂન 1896, ન્યૂબરીપૉર્ટ, મૅસેચૂસેટ્સ, યુ. એસ.; અ. 31 ઑક્ટોબર 1986, અર્લિન્ગટન) : અણુકક્ષકવાદના પ્રણેતા અને આણ્વિક સ્પેક્ટ્રમવિજ્ઞાનના અન્વેષક, નોબેલ પારિતોષિક-વિજેતા રસાયણવિદ અને ભૌતિકવિજ્ઞાની. કાર્બનિક રસાયણજ્ઞ પિતાના આ પુત્રે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, કેમ્બ્રિજ(યુ.એસ.)માંથી 1917માં સ્નાતક થઈ ઝેરી વાયુઓનો અભ્યાસ શરૂ કરેલો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે સરકારી રાસાયણિક સંશોધનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિકવિજ્ઞાની રૉબર્ટ મિલિકનના હાથ નીચે અભ્યાસ કર્યો અને 1921માં પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી. 1926–28ના ગાળામાં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય કર્યા બાદ તેઓ યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં જોડાયા (1928–85).
1919માં તેમણે શિકાગોમાં રાસાયણિક-ભૌતિકશાસ્ત્રમાં સમસ્થાનિકો(isotopes)ના અલગન ઉપર કાર્ય શરૂ કર્યું. અહીં જ તેમણે આણ્વિક વર્ણપટ અને ક્વૉન્ટમ સિદ્ધાંત જેવાં ક્ષેત્રોમાં સંશોધન કર્યું. 1932 સુધીમાં બ્હોર, હુન્ડ વગેરેએ પરમાણુમાંના ઊર્જાસ્તરો (energy levels) અંગેની ધારણાઓ રજૂ કરી દીધી હતી અને તેનો પારમાણ્વિક વર્ણપટ સાથેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો. મુલિકને આ ખ્યાલોને અણુઓ સુધી વિસ્તાર્યા. તેમના મત મુજબ અણુમાંના જે ઇલેક્ટ્રૉન નાભિકો(nuclei)ને એકસાથે જકડી રાખે છે તે બે અથવા વધુ નાભિકો દ્વારા ઉદભવતા ક્ષેત્રમાં હરેફરે છે. આમ પારમાણ્વિક કક્ષકો (આ શબ્દ તેમણે પ્રયોજેલો) આ નાભિકો ઉપર ફેલાઈ આણ્વિક કક્ષકો(molecular orbitals)માં રૂપાંતર પામે છે. (પરમાણુઓની મૂળ ઇલેક્ટ્રૉન-સંરચના સમગ્રતયા આણ્વિક સંરચનામાં ફેરવાય છે.) અણુઓના વર્ણપટ દ્વારા આવા આણ્વિક કક્ષકોની ઊર્જા કેવી રીતે મેળવી શકાય તે પણ તેમણે દર્શાવ્યું. આ ખ્યાલ આગળ જતાં આણ્વિક કક્ષક (molecular-orbital, MO) સિદ્ધાંત તરીકે વિકસ્યો.
આ સિદ્ધાંતને આગળ વિસ્તારી તેમણે વિભિન્ન પરમાણુઓ સંમિલિત થઈ અણુઓ બનાવે તે અંગે ઇલેક્ટ્રૉન કક્ષકોની વર્તણૂક અંગેનો ક્વૉન્ટમ-યાંત્રિકીય સિદ્ધાંત વિકસાવ્યો. અણુમાંના પરમાણુઓ વચ્ચેનાં આબંધનો (bondings) સમજાવતો આ સિદ્ધાંત કૂલસન, હુકેલ વગેરેએ યુરોપમાં પ્રચલિત કર્યો.
આણ્વિક કક્ષક સિદ્ધાંત દ્વારા અણુઓની ઇલેક્ટ્રૉનીય સંરચના તથા રાસાયણિક આબંધ(bond)ને લગતા પાયાના સંશોધન બદલ મુલિકનને 1966ના વર્ષ માટેનો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન (શિકાગો યુનિવર્સિટીમાં) તેમણે પ્લૂટોનિયમ પ્રોજેક્ટ ઉપર કામ કર્યું, જે પરમાણુ બૉમ્બ વિકસાવવાના એક ભાગરૂપ હતું. શિકાગો યુનિવર્સિટીમાંનું પોતાનું સ્થાન જાળવી રાખવા સાથે તેઓ 1965થી ફ્લૉરિડા સ્ટેટ યુનિવર્સિટી, ટૅલહેસીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મોલેક્યુલર બાયોફિઝિક્સમાં પણ જોડાયા હતા.
જ. પો. ત્રિવેદી