મુલાકાત : સામાજિક વિજ્ઞાનોના સંશોધન દરમિયાન માહિતી એકત્ર કરવાની એક પ્રયુક્તિ અથવા સાધન. દેશવ્યાપી સંશોધન કરવાનું હોય કે અંતરિયાળ પ્રદેશોમાં જઈને માહિતી મેળવવાની હોય, મુલાકાત સમષ્ટિ સર્વેક્ષણ (census survey) અને નિદર્શ સર્વેક્ષણ (sample survey) માટે અત્યંત ઉપયોગી છે. મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકા એવા પ્રકારો ધરાવતી આ પ્રક્રિયા ઔપચારિક કે અનૌપચારિક હોઈ શકે છે.
સંશોધકની આવશ્યકતા પ્રમાણે મુલાકાત દ્વારા સંખ્યાત્મક માહિતી (આવક, શિક્ષણનું પ્રમાણ વગેરે) અને ગુણાત્મક માહિતી (લોકોનાં વલણો, માન્યતાઓ, વિચારો વગેરે) એકત્ર કરી શકાય છે. વાંચતાંલખતાં ના આવડતું હોય તેવા જનસમુદાયો પાસેથી માહિતી મેળવવાનું અનિવાર્ય સાધન મુલાકાત છે. મુલાકાતની પ્રક્રિયા દરમિયાન માહિતી એકત્ર કરનાર વ્યક્તિ કે સંશોધક અને માહિતી આપનાર ઉત્તરદાતા વચ્ચે એક સામાજિક સંબંધ સ્થપાય છે. આ સંબંધ મહ્દઅંશે થોડી ક્ષણોથી માંડીને કલાકો સુધીનો હોઈ શકે છે. ક્યારેક ટેલિફોન જેવાં સાધનો દ્વારા પણ મુલાકાત લેવામાં આવે છે. સંશોધક પશ્ર્નો પૂછે છે અને તેનો જવાબ ઉત્તરદાતા પોતાની રીતે આપે છે. મહદ્અંશે આ ઉત્તરો મુલાકાત અનુસૂચિમાં એ જ સમયે નોંધવામાં આવે છે. આ કારણે મુલાકાત લેનાર વ્યક્તિ તાલીમ પામેલ હોવી જોઈએ અને તેનો હેતુ ઉત્તરદાતા પાસેથી જરૂરી માહિતી મેળવવાનો હોવો જોઈએ, નહિ કે ઉત્તરદાતા ઉપર પોતાના વિચારો લાદવાનો. મુલાકાત અંગે એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવે છે કે મુલાકાત લેનાર વ્યક્તિના પૂર્વગ્રહોની અસર માહિતીની ગુણવત્તા અને વિશ્વસનીયતા પર પડી શકે છે. આ સંજોગોમાં મુલાકાતનો ઉપયોગ કરતી વખતે સંશોધક પાસે વૈજ્ઞાનિક ર્દષ્ટિકોણ અને પ્રામાણિકતાની અપેક્ષા રાખવામાં આવે છે.
વર્તમાન સમયમાં રાજ્ય કક્ષાથી માંડી રાષ્ટ્રીય કક્ષા સુધી નિદર્શ સર્વેક્ષણ દ્વારા મુલાકાતનો ઉપયોગ કરી સામાજિક, આર્થિક આરોગ્યવિષયક, રાજકીય (ચૂંટણીનાં પરિણામો સંદર્ભે) એવા અનેક વિષયો અંગે વિશાળ પાયા પરની માહિતી એકત્ર કરવામાં આવે છે અને કમ્પ્યૂટરનો ઉપયોગ કરીને મર્યાદિત સમયમાં જ આ માહિતીનું વર્ગીકરણ અને નિષ્ણાતો દ્વારા અર્થઘટન કરવામાં આવે છે. બજાર-સંશોધન, શૈક્ષણિક સંસ્થાઓમાં શોધનિર્ણય તેમજ સરકારી કાર્યક્રમોના મૂલ્યાંકન માટેની જરૂરી માહિતી માટે મુલાકાત ઉપયોગી પ્રયુક્તિ સાબિત થઈ છે. જોકે એ સ્પષ્ટ કરવું જોઈએ કે વિશાળ માત્રા પર હજારોની સંખ્યામાં ઉત્તરદાતા પાસેથી મુલાકાત દ્વારા સંખ્યાત્મક માહિતી મેળવી શકાય છે. પરંતુ ગુણાત્મક માહિતી મેળવવી મુશ્કેલ છે. આ માટે મર્યાદિત સંખ્યાના ઉત્તરદાતા હોય એ આવશ્યક છે.
ગૌરાંગ જાની