મુલાર્ડ રેડિયો-એસ્ટ્રૉનોમી ઑબ્ઝર્વેટરી (MRAO), ઇંગ્લૅન્ડ

February, 2002

મુલાર્ડ રેડિયો-એસ્ટ્રૉનોમી ઑબ્ઝર્વેટરી (MRAO), ઇંગ્લૅન્ડ : કેમ્બ્રિજ યુનિવર્સિટી સંચાલિત રેડિયો-ખગોળ વેધશાળા. ઇંગ્લૅન્ડમાં કેમ્બ્રિજથી નૈર્ઋત્યે 8 કિમી.ના અંતરે લૉર્ડ્ઝ બ્રિજ ખાતે તે આવેલી છે. 1957માં તે કામ કરતી થઈ. તેની સ્થાપના બ્રિટનના રેડિયો-ખગોળશાસ્ત્રી સર માર્ટિન રાઇલ(1918–1984)ના પ્રયત્નોથી થઈ હતી. તેના પ્રથમ નિયામક તરીકે તેમણે 1957થી 1982 સુધી કામગીરી સંભાળી. બીજા વિશ્વયુદ્ધ પછીના દસકાઓમાં રેડિયો-ખગોળશાસ્ત્રમાં જે કાંઈ પ્રગતિ થઈ તેમાં માર્ટિન રાઇલે પાયાનું કામ કર્યું. રેડિયો-ખગોળશાસ્ત્રમાં આજે વ્યાપકપણે પ્રયોજાતી વ્યતિકરણમિતિ (interferometry) અને દ્વારક સંયોજન (aperture-synthesis) કે તેના પર્યાય જેવી, અર્થ રોટેશન સિન્થેસિસ તરીકે ઓળખાતી પ્રવિધિ (ટૅકનિક) વિકસાવવામાં રાઇલનો તથા એમના સાથીઓનો ઘણો મોટો ફાળો રહેલો છે. રેડિયો-ખગોળમાં કરેલા તેમના આ પ્રદાન બદલ રાઇલને 1974માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. આ ટૅકનિક વિકસાવવામાં તેમની સાથેના એક સહકાર્યકર અને મુલાર્ડ વેધશાળામાં આગળ જતાં તેમના અનુગામી થનાર, 1924માં જન્મેલા બ્રિટનના જ ઍન્ટની હ્યૂઇશ નામના બીજા એક રેડિયો-ખગોળશાસ્ત્રીને પણ રાઇલની સાથે જ, પણ જરા જુદા કારણસર અર્થાત્ પલ્સારની શોધ માટે, આ પારિતોષિક આપવામાં આવ્યું.

હકીકતે પલ્સારની શોધ, રાઇલે શોધેલી ટૅકનિકની મદદથી, મુલાર્ડમાં તે સમયે હ્યૂઇશના હાથ નીચે સંશોધન કરતી મહિલા જોસલિન બેલબુર્નેલ(જ. 1943)ના હાથે 1967માં થઈ હતી. અલબત્ત, તે પછી હ્યૂઇશે અહીંથી બીજા પણ અનેક પલ્સાર શોધ્યા અને તેના અંગેની સમજ પણ આપી. પરંતુ પહેલો પલ્સાર તેના હાથે શોધાયો ન હતો. અથવા એવું કહેવાય કે ગુરુ-શિષ્યાએ એમ બંને જણાંએ તે સંયુક્તપણે શોધ્યો હતો. એટલે આ પારિતોષિક બે કારણસર અસામાન્ય હતું. એક તો એ કે ખગોળશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક આ પહેલાં કોઈને મળ્યું ન હતું. આવું માન મેળવનાર રાઇલ અને હ્યૂઇશ પહેલા જ ખગોળશાસ્ત્રીઓ હતા અને બંને મુલાર્ડ વેધશાળા સાથે સંકળાયેલા હતા. બીજું એ કે સર્વપ્રથમ પલ્સારની શોધ કરનાર તરીકે જોસલિન બેલ-બુર્નેલ તેની ખરી હકદાર હતી, પણ પારિતોષિકમાં તેને સામેલ કરવામાં આવી ન હતી. બાકી હ્યૂઇશ સહિત, વૈજ્ઞાનિક આલમે તો પલ્સારની શોધ માટે જોસલિનને જ જશ આપેલો છે.

આ વેધશાળાએ ભારે જહેમતે જુદી જુદી આવૃત્તિ પર તૈયાર કરેલાં આકાશી રેડિયો-સ્રોતનાં કેટલાંક પત્રકો કે સૂચિપત્રો (catalogues) તો સંદર્ભ તરીકે દુનિયાભરમાં પ્રમાણભૂત મનાય છે અને આ વેધશાળા કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે સંકળાયેલી હોવાથી આ સૂચિપત્રોને જે અંક આપવામાં આવ્યા છે, તેની સાથે કેમ્બ્રિજનું નામ જોડવામાં આવ્યું છે. દા.ત., ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, કેમ્બ્રિજ કૅટલૉગ. આને સંક્ષેપમાં 3C, 4C ……. એમ કહેવાય છે. આ પત્રકો પરથી ઘણાં ક્વેસારો અને રેડિયો-નિહારિકાઓ(radio galaxies)ની શોધ થઈ શકી છે.

ઍપરચર સિન્થેસિસ અથવા અર્થ રોટેશન સિન્થેસિસ ટૅકનિકનો ઉપયોગ કરીને આવું એક ટેલિસ્કોપ 1958માં અહીં બનાવવામાં આવ્યું હતું. તેની મદદથી 5,000 જેટલા રેડિયો-સ્રોતોને સમાવતું 4C કૅટલૉગ બન્યું. તે પરથી આ ટેલિસ્કોપને 4C Telescope કહેવાય છે. તે પછી 1964માં આ જ સિદ્ધાંત પર કામ કરતું એક બીજું ટેલિસ્કોપ અહીં બનાવવામાં આવ્યું. સામાન્ય રીતે મુલાર્ડનાં ટેલિસ્કોપનાં નામકરણ તેમનાં કદ મુજબ કરવામાં આવે છે. આ ટેલિસ્કોપની ઍન્ટેનાનો કુલ વ્યાસ અર્થ રોટેશન સિન્થેસિસની વિશિષ્ટ પદ્ધતિ દ્વારા એક માઈલ (1.6 કિમી.) કરી દેવાયો હોઈ, તેનું નામ વન માઈલ ટેલિસ્કોપ આપવામાં આવ્યું હતું. 1972માં તેમાં સુધારા કરીને તેને પાંચ કિલોમીટરમાં ફેરવી નાંખવામાં આવ્યું. લાંબા સમય સુધી તે ફાઇવ-કિલોમીટર ટેલિસ્કોપ તરીકે ઓળખાતું રહ્યું, જે હવે માર્ટિન રાઇલના માનમાં રાઇલ ટેલિસ્કોપ કહેવાય છે. વેધશાળાનું આ મુખ્ય ટેલિસ્કોપ છે. તે અર્થ રોટેશન સિન્થેસિસ ઇન્ટરફેરૉમિટર છે. આ ટેલિસ્કોપ 13 મીટર વ્યાસની આઠેક રકાબીઓ ધરાવે છે. આ રકાબીઓમાંથી ચાર સ્થિર છે, જ્યારે બાકીની ચાર ચલ (ગતિશીલ) છે અને તે બધી પૂર્વ-પશ્ચિમ ફેલાયેલા પાંચ કિલોમીટર (3 માઈલ) લાંબા, ઇંગ્લૅન્ડની રેલવે દ્વારા ત્યજી દેવાયેલા રેલવેલાઇનના પાટા પર ગોઠવવામાં આવી છે. આ રીતે પાંચેક કિમી. સીધી રેખામાં આ રકાબીઓ સરકે છે.

આ ઉપરાંત ‘યાગી ઍન્ટેનાઝ’ તરીકે ઓળખાતું એક લો-ફ્રિક્વન્સી ડીપ સ્કાય ટેલિસ્કોપ પણ અહીં છે, જે 151 મેગાહટર્ઝ (MHz) ઉપર, આ જ સિદ્ધાંત પર કામ કરે છે. વળી આ ઉપરાંત અન્ય કેટલાંક રેડિયો-ટેલિસ્કોપ પણ અહીં આવેલાં છે. તો અન્ય કેટલાંક રેડિયો-ટેલિસ્કોપ ઉપરાંત, એક ઑપ્ટિકલ ઇન્ટરફેરૉમિટર પણ અહીં આકાર લઈ રહ્યું છે.

બ્રિટનનાં સઘળાં રેડિયો-ટેલિસ્કોપ માઇક્રોવેવ કોમ્યૂનિકેશન્સ દ્વારા ત્યાંની જૉડ્રેલ બૅન્ક રેડિયો-ખગોળ વેધશાળા સાથે જોડાયેલાં છે. આ બધાં ટેલિસ્કોપનો ઉપયોગ ઇન્ટરફેરૉમિટ્રી અને ઍપરચર સિન્થેસિસ માટે થાય છે. આ વ્યવસ્થા MERLIN અર્થાત્ Multi-element Radio-Linked Interferometer Network – સિસ્ટિમ તરીકે ઓળખાય છે. મુલાર્ડ રેડિયો-ખગોળ વેધશાળા પણ આ વ્યવસ્થામાં સામેલ છે.

સુશ્રુત પટેલ