મુલર, હર્માન જોસેફ (Muller, Hermann Joseph) (જ. 2 ડિસેમ્બર 1890, ન્યૂયૉર્ક શહેર, યુ.એસ.; અ. 5 એપ્રિલ 1967, બ્લૂમિંગ્ટન, ઇન્ડિયાના, યુ.એસ.) : સન 1946ના તબીબી અને દેહધાર્મિક વિદ્યાના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમણે એક્સ-રેના વિકિરણ વડે જનીનો(genes)માં વિકૃતિ (mutation) આવે છે તેની શોધ કરી હતી. આ ઉપરાંત પણ તેમણે અન્ય અનેક સફળતાઓ મેળવેલી હતી. અને તેથી તેમને આ સદીના મહાન જીવવિદ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ડ્રૉસોફિલા ફળ માખીના ચોથા અને છેલ્લા રંગસૂત્ર પર એક જનીનના સ્થાનને સૌપ્રથમ નિર્દેશિત કર્યું હતું. સન 1916માં તેમણે સંતુલિત વિનાશક તંત્ર(balance lethal system)નું પણ સૌપ્રથમ નિદર્શન કર્યું હતું. તેમણે ફળમાખીમાં થતાં બહુજનીનવિનિમય (multiple crossing over) પણ દર્શાવ્યાં હતાં. તેમણે શોધી બતાવ્યું કે મોટાભાગના ઉત્ક્રાંતિલક્ષી ફેરફારો પરિવર્તનીય જનીનો (modifier genes) દ્વારા થાય છે. તેમનાં સંશોધનોના લક્ષ્યકેન્દ્ર (focus) રૂપે જનીનોની પ્રકૃતિ અને જનીન-અભિવ્યક્તિની વિકૃતિઓ રહી હતી. વિકિરણલક્ષી સંશોધનો વડે તેમણે દર્શાવ્યું કે પારમાણ્વિક અસ્ત્રોના પ્રયોગો દ્વારા તથા વિકિરણની પરિપાટી અથવા ક્રિયાકલાપ(technology)ના વધુ પડતા ઔદ્યોગિક ઉપયોગ દ્વારા જનીનીય વિકૃતિઓ વધતી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે આમાંની મોટાભાગની વિકૃતિઓ સજીવો માટે જોખમી છે. તેઓ જ્યારે ઇન્ડિયાના યુનિવર્સિટીમાં ભણાવતા હતા ત્યારે તેઓ આ વાત જોરદાર રીતે અને આઘાતકારી રીતે કરતા હતા. તેઓ એક સસ્તી ખિસ્સા-ઘડિયાળ લઈને વ્યાખ્યાન આપવા જતા અને ત્યાં તેને મેજ સાથે અફળાવતા; તેનાથી તેમાં કોઈક પ્રકારનું નુકસાન થતું. તેઓ તેનું ર્દષ્ટાંત આપીને જણાવતા કે આવી જ કોઈ વિકૃતિ મનુષ્યના જનીનોમાં પણ થાય છે, જે મનુષ્યનો વિનાશ નોતરે છે.
શિલીન નં. શુક્લ