મુલર, પૉલ હર્માન (જ. 12 જાન્યુઆરી 1899, ઑલ્ટેન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 12 ઑક્ટોબર 1965, બાઝેલ) : તબીબી અને દેહધાર્મિક વિદ્યાના 1948ના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમને સંધિપાદ (arthopod) જંતુઓ સામે ડી.ડી.ટી એક અસરકારક સંસર્ગજન્ય વિષ છે એવું શોધી કાઢવા માટે આ સન્માન અપાયું હતું. તેઓ સ્વિસ રસાયણવિદ હતા અને બાઝેલ (Basel) ખાતે ભણ્યા હતા. સન 1925થી તેઓ જે. આર. ગેઈગી (Geigy) નામની રાસાયણિક કંપનીમાં કાર્ય કરતા હતા. સન 1935થી તેમણે સસ્તું, સહેલાઈથી ઉત્પાદિત કરાય તેવું, ઝડપી, કાયમી અને ઉષ્ણરુધિરી પ્રાણીઓ અને વનસ્પતિને ઓછું જોખમી એવું જંતુનાશક શોધવા માટે જહેમત ઉઠાવી. સન 1940માં તેમણે તે શોધી કાઢ્યું અને તેના પર શોધ-સ્વામિત્વ (patent) પ્રસ્થાપિત કર્યું. તેમણે શોધેલું રસાયણ હતું ડાયક્લોરો-ડાયફિનાયલ-ટ્રાયક્લોરો-મિથેન અથવા ડી.ડી.ટી.

પૉલ હર્માન મુલર

તેને સન 1873માં જર્મન રસાયણવિદ ઝિડ્લરે સૌપ્રથમ વખત સંશ્ર્લેષિત(synthesised) કર્યું હતું. અમેરિકાના કૃષિવિભાગ તથા સ્વિસ સરકારે તેનો કૉલોરાડોના બટાટા પરના ભમરા (beetle) પર સૌપ્રથમ સફળતાપૂર્વક પ્રયોગ કર્યો. ટાયફસ-જ્વરની ચેપવાહક જૂ(lice)નો પણ નાશ તેના વડે સફળતાપૂર્વક કરી શકાયો હતો. તેને કારણે બીજા વિશ્વયુદ્ધના પાછલા ભાગમાં તેનો ફેલાવો થતો અટક્યો. તેના ઉપયોગ વડે મલેરિયાને નાબૂદ કરવાનું વિશ્વના વિવિધ દેશોમાં અભિયાન પણ છેડાયું હતું. પરંતુ મલેરિયા ફેલાવતા મચ્છરો પરની  તેની અસરકારકતા ઘટી છે. જોકે બે દાયકા પછી તેનાથી થતું પરિસ્થિતિવિદ્યાકીય(ecological) નુકસાન તથા જંતુઓ દ્વારા તેને સહી લેવાની ક્ષમતાને કારણે હાલ ડી.ડી.ટી.નો ઉપયોગ વિવાદગ્રસ્ત બનેલો છે. સન 1970થી ઘણા વિકસિત દેશોએ તેના ઉપયોગ સામે નિષેધ પણ ફરમાવેલો છે.

શિલીન નં. શુક્લ