મુલર, કાર્લ ઍલેક્સ (જ. 20 એપ્રિલ 1927, બૅસ્લે, સ્વિટ્ઝર્લૅન્ડ) : સિરૅમિક દ્રવ્યમાં અતિવાહકતા(superconductivity)ની શોધ બદલ 1987ના વર્ષનો ભૌતિકશાસ્ત્રના વિષયનો જે. જી. બેડ્નૉર્ઝની ભાગીદારીમાં નોબેલ પુરસ્કાર મેળવનાર સ્વિસ ભૌતિકવિજ્ઞાની.
ઝૂરિકના ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(FTH)માં અભ્યાસ કરી 1958માં સ્નાતક થયા. ત્યારબાદ તે ઝૂરિક યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા. તે પછી 1963થી તેઓ આઇ.બી.એમ. ઝૂરિક સંશોધન પ્રયોગશાળાના સંશોધક જૂથમાં જોડાયા. વચ્ચે માત્ર બે વર્ષ માટે તેમણે આઇ.બી.એમ.ના વૉટ્સન રિસર્ચ સેન્ટર (ન્યૂયૉર્ક) ખાતે કાર્ય કર્યું. તે સિવાય આજ લગી તેઓ ઝૂરિકમાં જ રહ્યા છે.
મુલર અને બેડ્નૉર્ઝના સંશોધનને બેથી ઓછા વર્ષના ગાળામાં માન્યતા મળી, જે નોબેલ-પુરસ્કારના ઇતિહાસની એક વિરલ ઘટના છે. તેમની શોધ હતી ઉચ્ચ તાપમાને અતિવાહકતા ઉપરની.
અતિવાહકતા એવી ઘટના છે, જે દરમિયાન વાહક-દ્રવ્યમાં વિદ્યુત સામેનો અવરોધ શૂન્ય બને છે. પરિણામે ઊર્જાનો જરાય વ્યય થતો નથી. માટે અતિવાહક દ્રવ્યમાંથી બનાવેલ વિદ્યુત-પ્રયુક્તિ ખૂબ જ કાર્યક્ષમ બને છે; પણ આની સામે એક ભારે મુશ્કેલી છે. એટલે કે અતિવાહકતા શૂન્ય ડિગ્રી કેલ્વિનની નજીક જ સંભવિત છે. એટલે કે અતિવાહકતા માટે દ્રવ્યને ખૂબ જ ઠંડું પાડવું પડે. દ્રવ્યને અતિ નીચા તાપમાને લઈ જવું ખર્ચાળ છે. તેને કારણે અતિવાહકતાનો વ્યવહારમાં ઉપયોગ અતિ મુશ્કેલ છે.
આથી તેમણે પરંપરાગત પદાર્થો અને મિશ્ર ધાતુઓનો ખ્યાલ છોડી દીધો, અને પદાર્થોના ઑક્સાઇડો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. રાસાયણિક ર્દષ્ટિએ સ્થાયી દ્રવ્ય મેળવવા માટે તેમણે લૅન્થેનમ–કૉપર ઑક્સાઇડના સ્ફટિકમાં બેરિયમનો ઉમેરો કર્યો, જે સિરૅમક દ્રવ્ય આપે છે. પરિણામે આવા દ્રવ્યમાં 12° સે.એ અતિવાહકતા મળે છે.
તેમની શોધ વ્યાપકપણે પ્રયોજાય છે; કારણ કે તે આર્થિક રીતે ફાયદાકારક છે. કુશન અને ચુંબકત્વ ઉપર દોડતી ગાડીઓ, નાના અને ત્વરિત સુપર કમ્પ્યૂટરો, મેડિકલ ઇમેજિંગ મશીનો અને પાવર-લાઇનમાં આ શોધનો ફાળો મહત્વનો છે.
પ્રહલાદ છ. પટેલ