મુનિ પુણ્યવિજયજી (જ. 27 ઑક્ટોબર 1895, કપડવણજ, જિ. ખેડા; અ. 14 જૂન 1971, મુંબઈ) : આગમાદિ જૈન સાહિત્યના પ્રખર સંશોધક, સંપાદક, ભાષ્યકાર તથા હસ્તપ્રતવિદ્યાવિદ જૈન મુનિ. જન્મનામ મણિલાલ. પિતા ડાહ્યાભાઈ દોશી. માતા માણેકબહેન. જિન આગમોના વૈજ્ઞાનિક સંશોધન-સંપાદનના પિતામહ ‘આગમપ્રભાકર’ તરીકે પંકાયેલા મુનિ પુણ્યવિજયજી જૈન શ્વેતાંબર પરંપરાના મહાન જ્ઞાનોદ્ધારક મનીષી હતા. મુંબઈમાં અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ. પિતાના અકાળ અવસાન પછી તેમણે પોતાની માતાની સાથે જૈન ધર્મની દીક્ષા સ્વીકારી ત્યારે તેમની ઉંમર 13 વર્ષની હતી. મુનિ ચતુરવિજયજીએ એમને દીક્ષા આપી તેમનું નામ ‘પુણ્યવિજય’ પાડ્યું.

દીક્ષાજીવનની શરૂઆત સાથે તેમનું અધ્યયન શરૂ થયું. ગુરુ ચતુરવિજયજી, દાદાગુરુ કાંતિવિજયજી, પં. સુખલાલજી વગેરે પાસેથી સંસ્કૃત–પ્રાકૃત ગ્રંથો, જૈન તત્વજ્ઞાન, ભારતીય દર્શનો વગેરેનું જ્ઞાન મેળવ્યું. અભ્યાસની સાથોસાથ તેમના સંશોધન-સંપાદનકાર્યનો આરંભ પણ થયો. ‘કૌમુદી-મિત્રાનંદ નાટક’ (1917), ‘પ્રબુદ્ધ રૌહિણેય નાટક’ (1918), ‘ધર્માભ્યુદય – છાયાનાટક’ (1918), ‘ઐન્દ્ર સ્તુતિ- ચતુર્વિશતિકા’ (1928) વગેરે ગ્રંથોનું સંપાદન આ સમયગાળામાં થયું. ‘બૃહત્ કલ્પસૂત્ર નિર્યુક્તિ અને ટીકા’ (છ ભાગ – 1933–42), ‘વસુદેવ હિણ્ડી’ (1930–31), ‘અંગવિજ્જા’ (1957), ‘આખ્યાનકમણિકોશ’ (1962), ‘કલ્પસૂત્ર’ (1952), ‘નંદિસૂત્ર’ (1966) વગેરે ગ્રંથોને કારણે તેમની સંપાદક તરીકેની ખ્યાતિ પ્રસરી.

જૈન આગમોનો અદ્યતન રીતે અભ્યાસ કરી, તેમની પુનર્વાચના કરી, તેમના પ્રકાશન માટેનો તેમનો પુરુષાર્થ યશકાર્ય સમો હતો. આ માટે મહાવીર જૈન વિદ્યાલયે વિ. સં. 2017(ઈ. સ. 1961)માં તેમના માર્ગદર્શન મુજબ મૂળ આગમસૂત્રો પ્રકાશિત કરવાની યોજના શરૂ કરી.

તેમના જીવનનું અન્ય એક મહત્વનું કાર્ય તે પ્રાચીન હસ્તલિખિત ગ્રંથભંડારોના ઉદ્ધારનું હતું. પાટણ, ખંભાત, લીંબડી, જેસલમેર, બીકાનેર, જોધપુર, ભાવનગર, પાલિતાણા, વડોદરા, અમદાવાદ વગેરે સ્થળોના ગ્રંથભંડારો તેમણે વ્યવસ્થિત કર્યા. નાનાં ગામડાં કે ઉપેક્ષિત સ્થળોના નાનામોટા ગ્રંથસંગ્રહની જાણ થતાં જ તેઓ જાતતપાસ માટે ત્યાં પહોંચતા અને એ ગ્રંથોની યોગ્ય કાળજી લેતા. જ્ઞાનભંડારોની હસ્તપ્રતોને વ્યવસ્થિત કરી તેમને અદ્યતન રીતે સુરક્ષિત બનાવવાની સાથે સાથે તેમની ગ્રંથસૂચિઓ તેમજ માઇક્રોફિલ્મો કરાવી અભ્યાસીઓ માટે અલભ્ય હસ્તપ્રતો ઉપલબ્ધ કરાવી આપવાનું તેમનું કાર્ય પ્રશસ્ય છે. હસ્તપ્રતો તૈયાર કરાવવા અંગે પણ તેમણે પુરુષાર્થ દાખવ્યો. લહિયાઓ પાસે અનેક મહત્ત્વના ગ્રંથોની નકલો કરાવી તેમના પાઠભેદો પણ નોંધાવડાવ્યા, જેમનો પાછળથી અનેક વિદ્વાનોએ ઉપયોગ કર્યો. તેમની પાસેથી હસ્તપ્રતપ્રીતિના અર્ક રૂપે ‘ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા’ નામનો સુદીર્ઘ નિબંધ (1935) મળ્યો. પ્રાચીન–અર્વાચીન ચિત્રો, મૂર્તિઓ, સચિત્ર હસ્તપ્રતો, શિલ્પસ્થાપત્યના નમૂનાઓ તેમજ લાકડાની, ધાતુની કે અન્ય કલાસામગ્રીનું મૂલ્ય સમજીને તેમના સંગ્રહને સુરક્ષિત રીતે ગોઠવવામાં તેમણે અદમ્ય ઉત્સાહ દાખવ્યો.

દેશ-પરદેશના અનેક વિદ્વાનો અને અભ્યાસીઓ માટે આશીર્વાદરૂપ એવી બે સંસ્થાઓની સ્થાપના એ મુનિ પુણ્યવિજયજીના જીવંત સ્મારકરૂપ છે. એ સંસ્થાઓ તે પાટણનું ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર’ અને અમદાવાદનું ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર’ (1957). પોતાની પાસેનો 10 હજાર હસ્તપ્રતોનો અમૂલ્ય સંગ્રહ તેમણે લા.દ. વિદ્યામંદિરમાં ભેટ આપ્યો; જે પ્રાચીન જ્ઞાન-વિસ્તરણમાં એક અનોખા પ્રદાનરૂપ બની રહ્યો.

સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, જૈન દર્શન અને તત્સંબંધી અનેક વિષયોના ઊંડા અભ્યાસી એવા તેમની જ્ઞાનોપાસનાનું બહુમાન વિવિધ સંસ્થાઓએ કર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદ(20મું અધિવેશન –અમદાવાદ, 1959)માં ઇતિહાસ અને પુરાતત્વ વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી. ભાવનગરની યશોવિજય જૈન ગ્રંથમાળાનો વિ. સં. 2009નો વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક તેમને અર્પણ કરવામાં આવ્યો હતો. વળી એકવીસમી ઑલ ઇન્ડિયા ઑરિયેન્ટલ કૉન્ફરન્સ(1961, શ્રીનગર – કાશ્મીર)માં પ્રાકૃત અને જૈન ધર્મના વિભાગાધ્યક્ષ તરીકે તેમની પસંદગી થઈ હતી. 1970માં અમેરિકાની ‘ધી અમેરિકન ઑરિયેન્ટલ સોસાયટી’ના માનાર્હ સભ્યપદ દ્વારા તેમનું ગૌરવ કરવામાં આવ્યું હતું.

સલોની નટવરલાલ જોશી