મુનિબાવાનું મંદિર : ગુજરાત રાજ્યમાં થાન(તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર)ની દક્ષિણમાં આવેલું સોલંકીકાલીન મંદિર. એકાંડી (એક- શિખર) શૈલીનું આ મંદિર પૂર્વાભિમુખ છે. મંદિરના ગર્ભગૃહ આગળ ખુલ્લા મંડપની રચના જોવા મળે છે. ગર્ભગૃહનું તલમાન ‘પંચરથ’ પ્રકારનું છે. ગર્ભગૃહના દ્વાર પર શિવ મુખ્ય દેવ તરીકે બિરાજે છે. દ્વાર ઉપરના ઓતરંગમાં બ્રહ્મા અને વિષ્ણુનાં શિલ્પો મૂકેલાં છે. ઉપરના ભાગે આવેલ અન્ય દેવોની આકૃતિઓ શિવ પરત્વે અહોભાવ વ્યક્ત કરે છે.
આ મંદિરનો મંડપ ભદ્ર નિર્ગમથી વિભૂષિત એક-નાસિકા પ્રકારનો છે. તેનું વિતાન વિકસિત સ્વરૂપનું છે. તેની બંને બાજુ વેદિકાયુક્ત કક્ષાસન અને વામન સ્તંભોની રચના કરેલી છે. સ્તંભોમાં ઘટપલ્લવ ઘાટનાં સુશોભનો જોવા મળે છે. સ્તંભોની વચ્ચેના ગાળાઓમાં અર્ધવૃત્તાકાર ઘૂમટ(કરોટક)ની રચના થયેલી છે. કરોટકનો સૌથી પ્રાચીન નમૂનો આ મંદિરનો મનાય છે. મંદિર પરનું ફાંસના ઘાટનું (ઢાળવાળું) છાપરું નષ્ટ થયું છે.
આ મંદિરનાં કેટલાંક અંગોપાંગ વિકસિત સ્વરૂપનાં જણાય છે. મંડોવરની જંઘામાં આવેલ દિક્પાલોની મૂર્તિઓ દ્વિભુજને બદલે ચતુર્ભુજ છે. વેદિકાની ફૂલવેલ ભાતો તથા તેમના કેન્દ્રમાં આવેલાં પદકો ઉત્કૃષ્ટ કોતરણીવાળાં તથા રંગમંડપના કરોટકમાંના કોલ-કાચલા(ગજતાલુ)ના થર વિકસિત જણાય છે. મંડોવર પરનાં આઠ વિદ્યાધરો અને નર્તકીઓનાં શિલ્પોમાં અભિનવ કૌશલ વરતાય છે. રંગમંડપ પરની ફાંસનાની રચના લગભગ નાશ પામી છે, પરંતુ તેના પર સંવર્ણાની રચના હોવાના સંકેત મળે છે.
આ મંદિર શામળાજીના હરિશ્ચંદ્રની ચોરીના મંદિર સાથે સામ્ય ધરાવે છે.
રામજીભાઈ ઠા. સાવલિયા