મુનિપલ્લે, બિ. રાજુ (જ. 1925, જિ. ગુંટૂર, આંધ્રપ્રદેશ) : તેલુગુ વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘અસ્તિત્વનદમ્ આવલિ તીરાન’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ અંગ્રેજી ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ 1943માં રક્ષા મંત્રાલયની સેવામાં જોડાયા અને 1983માં વહીવટી અધિકારીના પદેથી સેવાનિવૃત્ત થયા.
તેમણે નાની વયે જ લેખનકાર્ય શરૂ કર્યું હતું અને તેમની રચનાઓ લોકપ્રિય પત્ર-પત્રિકાઓમાં પ્રકાશિત થતી હતી. તેમની પ્રકાશિત કૃતિઓમાં ‘મુનિપલ્લે રાજુ કથલુ’ અને ‘દિવો સ્વપ્નાલતો મુખામુખી’ વાર્તાસંગ્રહોનો 2 છંદમુક્ત કાવ્યસંગ્રહોનો, 1 સાહિત્યિક નિબંધસંગ્રહ, ‘જર્નાલિઝમ લૉ સૃજન રાગાલુ’ તથા 1 નવલકથા ‘પૂજારી’નો સમાવેશ થાય છે.
તેમને પ્રથમ જ્યેષ્ઠા લિટરરી ટ્રસ્ટ પુરસ્કાર, પ્રથમ રવિ શાસ્ત્રી મેમૉરિયલ લિટરરી ટ્રસ્ટ પુરસ્કાર, તેલુગુ યુનિવર્સિટી પુરસ્કાર, ગોપીચંદ પુરસ્કાર, આંધ્ર સરસ્વતી સમિતિ પુરસ્કાર આપવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘અસ્તિત્વનદમ્ આવલિ તીરાન’ 16 વાર્તાઓનો સંગ્રહ છે. તેમાંની મોટા ભાગની વાર્તાઓ પારંપરિક ગ્રામીણ પશ્ચાદભૂમિમાં રચાયેલી છે. તેમાં આધુનિક માનવીય ર્દષ્ટિકોણથી માનવવિકાસનું દર્શન અભિવ્યક્ત થયું છે. ભૂતકાળનાં સંસ્મરણો તેની એક મહત્ત્વની વિશેષતા છે. તેમાં જાદુઈ વાસ્તવવાદી વાર્તાઓ દ્વારા આધુનિક ઘટનાઓ અને પાત્રાલેખન દ્વારા પ્રાચીન વૈદિક સંસ્કૃતિનો પરિવેશ અને સંદર્ભ રજૂ થયા છે. ઊંડી આધ્યાત્મિક શોધને કારણે આ કૃતિ તેલુગુમાં લખાયેલ ભારતીય કથાસાહિત્યમાં અનોખી ભાત પાડે છે.
બળદેવભાઈ કનીજિયા