મુધોળકર, રઘુનાથ, રાવબહાદુર (જ. 16 મે 1857, ધૂળે, ખાનદેશ; અ. 13 જાન્યુઆરી 1921, અમરાવતી, વિદર્ભ) : મવાળ રાજકીય વિચારસરણી ધરાવતા દેશનેતા, કૉંગ્રેસના પ્રમુખ; વિદર્ભના ઔદ્યોગિક વિકાસના અગ્રેસર. રઘુનાથ નરસિંહ મુધોળકરનો જન્મ પ્રતિષ્ઠિત મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી ધૂળેની જિલ્લા અદાલતમાં દફતરદાર (record-keeper) હતા. રઘુનાથે ધૂળેમાં 1873માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી 1877માં બી.એ. અને ગવર્નમેન્ટ લૉ સ્કૂલમાંથી 1880માં એલએલ.બી. થયા. એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ દરમિયાન તેઓ પ્રોફેસર વર્ડ્ઝવર્થથી પ્રભાવિત થયા હતા. તેમને અંગ્રેજી નવલકથાઓ અને કાવ્યો વાંચવાનો શોખ હતો. તેમણે વકીલ તરીકેની કારકિર્દી આકોલામાં શરૂ કરી અને અદાલત આકોલાથી અમરાવતીમાં ફેરવાતાં ત્યાં ગયા અને આગેવાન વકીલ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી.
રઘુનાથ શ્રદ્ધાળુ હિંદુ હતા અને શાસ્ત્રોના નિયમોનો ભંગ કર્યા વિના થઈ શકતા અસ્પૃશ્યતાનિવારણ, વિધવાવિવાહ જેવા સામાજિક સુધારાઓના અને સ્ત્રીકેળવણીના હિમાયતી હતા. તેઓ રાજકારણમાં ગોપાળ કૃષ્ણ ગોખલેના અનુયાયી હતા. તેથી તેઓ માનતા હતા કે ભારતમાં વિકસતા જતા રાષ્ટ્રવાદ માટે અંગ્રેજોનો સહકાર આવશ્યક હોવાથી રાષ્ટ્રીય ચળવળ અહિંસક અને બંધારણીય હોવી જોઈએ. 1888થી 1917 સુધી તેઓ કૉંગ્રેસમાં હતા અને તે પછી ઉદારમતવાદીઓ (liberals) સાથે જોડાયા. ભારતીયોની ફરિયાદો રજૂ કરવા માટે 1890માં કૉંગ્રેસે ઇંગ્લૅન્ડ મોકલેલા પ્રતિનિધિમંડળમાં તેઓ પણ સભ્ય હતા. બંકીપુરમાં 1912માં મળેલા કૉંગ્રેસ અધિવેશનના તેઓ પ્રમુખ હતા. તેઓ બ્રિટિશ અમલદારશાહીના વિરોધી અને સંસદીય લોકશાહીના સમર્થક હતા. બ્રિટિશ સરકારની આર્થિક નીતિ ભારતીયોના વિકાસમાં અવરોધક હોવાથી તેઓ તેની ટીકા કરતા હતા. વિદર્ભના ઔદ્યોગિક વિકાસને તેઓ ઘણું મહત્વ આપતા હતા. પટણામાં મળેલી કૉંગ્રેસની બેઠકમાં તેમણે ઔદ્યોગિક સમિતિની રચના કરી હતી.
તેમણે વિદર્ભમાં વિવિધ ઉદ્યોગો શરૂ કરાવ્યા. ગવર્નર જનરલની કાઉન્સિલમાં તેમણે 1911ના ફૅક્ટરિઝ બિલ તથા 1912ની ઇન્ડિયન ઇન્ડેન્ચર્ડ લેબર સિસ્ટમનો વિરોધ કર્યો હતો. પોતાના વિચારો અસરકારક રજૂ કરવા માટે તેઓ અખબારોમાં લેખો લખતા અને સભાઓમાં પ્રવચનો પણ આપતા હતા. યુવાનોને ટૅકનિકલ શિક્ષણ આપવાની તેઓ હિમાયત કરતા હતા. લોકોની ફરિયાદો તથા માગણીઓને વાચા આપવા તેમણે 1886માં વરાડ સાર્વજનિક સભાની સ્થાપના કરી હતી.
ઈશ્વરલાલ ઓઝા