મુદ્રિત કુમુદચંદ્ર નાટક : સોલંકીકાળના ગુજરાતમાં સંસ્કૃત ભાષામાં રચાયેલું નાટક. આ નાટકના કર્તા કવિ યશશ્ચંદ્ર સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા. એમના પિતા પદ્મચંદ્ર અને પિતામહ ધનદેવ પણ વિદ્વાન હતા, પરંતુ તેમની કોઈ સાહિત્યિક કૃતિ મળી નથી. કવિ યશશ્ચંદ્ર પોતે અનેક પ્રબંધોના કર્તા હોવાનું જણાવે છે. ‘મુદ્રિત કુમુદચંદ્ર નાટક’માંના ઉલ્લેખ પરથી માલૂમ પડે છે કે એમણે બે મહાકાવ્યો અને ચાર નાટકો રચ્યાં હતાં. એમાંથી ‘મુદ્રિત કુમુદચંદ્ર નાટક’ અને ‘રાજિમતી પ્રબોધ નાટક’ નામે બે નાટક મળ્યાં છે, જ્યારે બીજાં બે નાટક અને બે મહાકાવ્યો ઉપલબ્ધ થતાં નથી. કવિ યશશ્ચંદ્ર યર્કટ વંશના હતા.
‘મુદ્રિત કુમુદચંદ્ર નાટક’ પંચાંકી નાટક છે. એમાં રાજા સિદ્ધરાજ જયસિંહના અધ્યક્ષપણા હેઠળ વિ. સં. 1181 (ઈ. સ. 1125)માં થયેલા જૈન ધર્મના શ્વેતાંબર અને દિગંબર આચાર્યો વચ્ચેના વાદવિવાદનું રસપ્રદ નિરૂપણ કરવામાં આવ્યું છે. દિગંબર આચાર્ય કુમુદચંદ્ર કર્ણાટકથી ગુજરાત આવ્યા હતા. પાટનગર અણહિલપત્તનમાં આવી એમણે શ્વેતાંબર આચાર્ય દેવસૂરિને પડકાર્યા. દેવસૂરિ ત્યારે આશાપલ્લીના નેમિનાથ ચૈત્યમાં નિવાસ કરતા હતા. કુમુદચંદ્રનો સંદેશો મળતાં તેમણે અણહિલપત્તન જવા પ્રયાણ કર્યું. ચૌલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહદેવની અધ્યક્ષતા નીચે એ બે આચાર્યો વચ્ચે વાદવિવાદ યોજાયો. વાદસભામાં પાર્શ્વદેવસૂરિ (ચન્દ્રસૂરિ) તથા શોભન મુનિ હાજર હતા. વળી મહર્ષિ, ઉત્સાહ, સાગર અને રામ નામે વિદ્વાનોને રાજાએ નિર્ણાયક-સભ્ય નીમ્યા હતા. એમાં મહર્ષિ ન્યાય-તર્ક, મહાભારત અને પારાશરસ્મૃતિના અભ્યાસી હતા. ઉત્સાહ કાશ્મીરથી આવીને પાટણમાં વસ્યા હતા. એ વૈયાકરણ હતા. સાગર અને રામ પણ પ્રતિભાશાળી વિદ્વાનો હતા. સિદ્ધરાજે જેમને ‘કવીન્દ્ર’ તથા ‘ભ્રાતા’ તરીકે નવાજ્યા ને જેમણે અનેક કાવ્યમય પ્રશસ્તિઓ રચેલી તે કવિરાજ શ્રીપાલ વિદ્વત્સભાના પ્રમુખ કવિ હતા. માણિક્યચંદ્ર વિજયસેન અને આશુકવિ દેવસૂરિના શિષ્ય તેમજ કુમુદચંદ્રના શિષ્ય મકરંદ અને કેશવ પણ સભામાં હાજર હતા. રાજાના મંત્રી ગાંગિલ ઉપસ્થિત હતા. વાદવિવાદમાં વાદી તરીકે કુમુદચંદ્ર પરપક્ષવિક્ષેપ અને સ્વપક્ષસિદ્ધિ કરવામાં નિષ્ફળ ગયા ને દેવસૂરિ ‘વાદી’ તરીકે ખ્યાતિ પામ્યા. શ્વેતાંબર મતનો વિજયોત્સવ ઊજવાયો. ગુજરાતમાં દિગંબર મતની સામે શ્વેતાંબર મતની સરસાઈ સ્થાપિત થઈ. દિગંબર અને શ્વેતાંબર વચ્ચેનો વાદવિવાદ, જૈન ધર્મના ચુસ્ત અને ઉદારમતવાદીઓ વચ્ચેનો સંઘર્ષ હોય એ સ્વાભાવિક છે. આ વાદવિવાદને નિરૂપતું આ નાટક ‘મૃચ્છકટિક’ની જેમ પ્રકરણ પ્રકારના રૂપક તરીકે સુપ્રસિદ્ધ છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી