મુદ્રા સ્કૂલ ઑવ્ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સિઝ

February, 2002

મુદ્રા સ્કૂલ ઑવ્ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સિઝ : મુદ્રા આર્ટ ઍન્ડ કલ્ચરલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સંચાલિત મંચનલક્ષી કલાનાં શિક્ષણ-તાલીમ અને સંશોધન માટેની કલાસંસ્થા. તેની સ્થાપના 1973માં શ્રીમતી મૃણાલિની સારાભાઈના પ્રમુખપદે વિખ્યાત નૃત્યાંગના રાધા મેનન (જ. 1948) અને તેમના પતિ જાણીતા નર્તક ભાસ્કર મેનન(જ. 1943)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. તેઓ બંને તથા તેમનાં પુત્રી અપર્ણા અને પુત્ર અનંત તથા કેટલાંક નૃત્યકારોના જૂથ દ્વારા સૌપ્રથમ તાલીમવર્ગ શરૂ થયો. હાલ તેની અમદાવાદ ખાતે 4 અને મહેસાણા ખાતે 1 શાખા કાર્યરત છે. તેમાં લગભગ 900 જેટલા કલાકારો તાલીમ મેળવે છે.

રાધા મેનને 1953માં તેમના પિતા ગુરુ કૃષ્ણ પણિક્કર અને માતા ગૌરી પણિક્કર  પાસેથી ભરતનાટ્યમ્ની તાલીમ મેળવી. 1958માં તેમનું આરંગેત્રમ સંપન્ન થયું. કથકલિની તાલીમ (1957–62) ગુરુ નાના પિલ્લઇ પાસેથી, ભરતનાટ્યમ્ની વિશિષ્ટ તાલીમ (1962–65) ગુરુ કિટ્ટપ્પા પિલ્લઈ પાસેથી, કુચિપુડી નૃત્યશૈલીની કલાગુરુ સી. આર. આચાર્યલુ (1966) અને મોહિનીઅટ્ટમની તાલીમ (1972–73) કલાગુરુ કલ્યાણ કુટ્ટી અમ્મા પાસેથી મેળવી. 1971માં ભાસ્કર મેનન સાથે લગ્ન કર્યા બાદ મુંબઈથી તેઓ અમદાવાદમાં આવી સ્થાયી થયાં.

મુદ્રાના તાલીમ અને શિક્ષણવિભાગમાં પ્રારંભિકથી માંડીને વિશારદ અને અલંકાર(એમ. એ. સમકક્ષ)ની પદવી માટેની નૃત્ય, નાટ્ય અને અભિનયવિષયક તાલીમ અને શિક્ષણ અપાય છે. સંસ્થાનાં 17 વિદ્યાર્થીઓએ વિશારદની અને તેમાંથી 5 વ્યક્તિઓએ અલંકારની પદવી મેળવી છે. શાસ્ત્રીય નૃત્યો ઉપરાંત કર્ણાટકી સંગીતની પણ તાલીમ તેમાં અપાય છે. તેના અભ્યાસ માટેનું ‘અનંત નૃત્યમ્’ (2000) નામનું પુસ્તક તેમણે પ્રગટ કર્યું છે.

રાધા અને ભાસ્કર મેનન

આ સંસ્થા વર્ષ દરમિયાન કેટલીક કાર્યશિબિરો યોજે છે. સંસ્થાનું પોતાનું 12થી 15 નર્તકોનું એક કાયમી નૃત્ય-જૂથ છે. તેના દ્વારા અમદાવાદ, ગાંધીનગર, મુંબઈ, કેરળ, ચેન્નાઈ, જયપુર અને હૈદરાબાદ ખાતે શાસ્ત્રીય નૃત્યો અને જાણીતી નૃત્ય-નાટિકાઓ ‘ચંદ્રહાસ’, ‘શાકુન્તલમ્’, ‘વેંકટેશ્વર-કલ્યાણમ્’, ‘મેઘદૂત’, ‘તુલસી’, ‘સૃષ્ટિ-સ્થિતિ-સંહારમ્’ અને ‘મહાલક્ષ્મી-ઉદભવમ્’ જેવા અનેક જાહેર કાર્યક્રમો કરવામાં આવ્યા છે. છેલ્લે 2001માં મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયેલ ઉત્તરાર્ધ મહોત્સવ પ્રસંગે તેમના દ્વારા નૃત્યનો સુંદર કાર્યક્રમ રજૂ કરાયો હતો. તેમનાં અનેક વિદ્યાર્થીઓ સંગીત નાટક અકાદમી દ્વારા પ્રતિવર્ષ યોજાતા ‘કલ કા કલાકાર’ માટે પસંદગી પામ્યા છે.

રાધા મેનને સમગ્ર ભારતનો અને તેમના પતિ ભાસ્કર મેનને કલાગુરુ તરીકે સમગ્ર યુરોપ, જર્મની, શ્રીલંકા, જાપાન અને અમેરિકાનો પ્રવાસ ખેડી શાસ્ત્રીય નૃત્યશૈલીના કાર્યક્રમો આપ્યા છે. તેમના દ્વારા તાલીમ પામેલ દીપા ગાંધીએ અમેરિકામાં નૃત્યના વર્ગો પણ શરૂ કર્યા છે.

નૃત્યકલાક્ષેત્રે રાધા અને ભાસ્કરે મેળવેલ અજોડ સિદ્ધિ બદલ તેમને શૃંગારમણિ ઍવૉર્ડ તથા ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા