મુદ્રારાક્ષસ : વિશાખદત્તે રચેલું સંસ્કૃત ભાષાનું જાણીતું નાટક. આ રાજકીય દાવપેચવાળું નાયિકા વગરનું, પ્રાય: સ્ત્રીપાત્ર વગરનું વીરરસપ્રધાન નાટક છે. નાટકનાં સંધ્યંગોનાં ઉદાહરણો પૂરાં પાડવામાં આદર્શ નાટક છે. એમાં જ્ઞાનતંતુનું યુદ્ધ છે અને લોહીનું બિંદુ પણ પાડ્યા વગર શત્રુને માત કરવાનું તેમાં મુખ્ય કથાનક છે.
સાત અંકોના બનેલા આ નાટકમાં જટિલ કથાનક છે. નંદરાજાઓનો નાશ કરી ચાણક્યે ચંદ્રગુપ્તને ગાદીએ બેસાડ્યો. એ પછી ચંદ્રગુપ્તના પ્રધાન તરીકે નંદરાજાઓના વફાદાર પ્રધાન રાક્ષસને બેસાડવા ચાણક્ય ઇચ્છે છે. ચંદ્રગુપ્તને ખતમ કરવા ખટપટો કરી રહેલા પ્રધાન રાક્ષસને માત કરવા ચાણક્ય વળતી ખટપટો કરે છે. ત્યાંથી આ નાટકનો આરંભ થાય છે. પ્રથમ અંકમાં ચાણક્ય રાક્ષસના વફાદાર મિત્ર ઝવેરી ચંદનદાસને રાજદ્રોહ બદલ ફાંસીની સજા ફરમાવે છે. ચંદનદાસને ત્યાંથી મળેલી રાક્ષસની મુદ્રા (વીંટી) વડે રાક્ષસના વિશ્વાસુ શકટદાસ પાસેથી મોઘમ પત્ર લખાવીને રાક્ષસની મુદ્રાની છાપ લગાવી પોતાના જાસૂસને રવાના કરે છે. શકટદાસને ફાંસીની સજા ફરમાવી ચાણક્ય પોતાના જાસૂસ વડે ભગાડીને રાક્ષસ પાસે પહોંચાડે છે અને પોતાના બીજા જાસૂસ જીવસિદ્ધિ નામના ક્ષપણકને અપમાનિત કરી દેશનિકાલ કરે છે. બીજા અંકમાં રાક્ષસે ચંદ્રગુપ્તને મારી નંખાવવા કરેલી યોજનાઓ ચાણક્યની ચતુરાઈથી ધૂળમાં મળે છે. ત્રીજા અંકમાં ચાણક્ય કૌમુદી મહોત્સવ ઊજવવા બાબત બનાવટી ઝઘડો ઊભો કરી પ્રધાન તરીકેનું ત્યાગપત્ર આપે છે. ચોથા અંકમાં રાક્ષસ ચંદ્રગુપ્તને હરાવી નંદવંશના રાજકુમાર મલયકેતુને તેની ગાદી પર બેસાડવા ઇચ્છે છે. પરંતુ ચાણક્યના જાસૂસો મલયકેતુના મનમાં રાક્ષસ માટે શંકા ખડી કરે છે. પાંચમા અંકમાં રાક્ષસની મુદ્રાની છાપવાળો પત્ર પકડાતાં મલયકેતુ રાક્ષસને અપમાનિત કરી કાઢી મૂકે છે. છઠ્ઠા અંકમાં વફાદાર મિત્ર ચંદનદાસને ફાંસીની સજા અપાવવામાં છે એવા સમાચાર મળતાં તેને છોડાવી પોતે ફાંસીની સજા સ્વીકારવા માટે રાક્ષસ શસ્ત્રત્યાગ કરી ચાણક્યના જાસૂસ સાથે વધસ્થાને પહોંચે છે. સાતમા અંકમાં વધસ્થાને આવેલા રાક્ષસ સામે ચાણક્ય શરત મૂકે છે કે જો રાક્ષસ ચંદ્રગુપ્તના પ્રધાન થવાનું સ્વીકારે તો જ ચંદનદાસને છોડવામાં આવશે. રાક્ષસ શરત સ્વીકારી ચંદ્રગુપ્તનો પ્રધાન બને છે અને સુખદ રીતે આ નાટક સમાપ્ત થાય છે. સાક્ષર કેશવ હર્ષદ ધ્રુવે આ નાટકની અંગ્રેજીમાં ઉત્તમ આવૃત્તિ આપવા ઉપરાંત ગુજરાતીમાં ‘મેળની મુદ્રિકા’ નામે અનુવાદ પણ આપ્યો છે. આના પૂર્વાંગ તરીકે કવિ જગ્ગૂ બકુલ ભૂષણે પ્રતિજ્ઞા કૉટિલ્ય નાટક રચ્યું છે.
પ્ર. ઉ. શાસ્ત્રી