મુદ્રણક્ષમ કલા (graphic prints) : નિજી કલાત્મક અભિવ્યક્તિ માટે કલાકારો દ્વારા જાતે કરવામાં આવતી મુદ્રણપ્રક્રિયા. ચિત્ર અને શિલ્પ જેવી કલાકૃતિઓ અનન્ય હોય છે અને તેથી સામાન્ય રીતે તેની પ્રતિકૃતિ શક્ય નથી; પરંતુ કલાકાર મુદ્રણપ્રક્રિયા વડે જાતે રચેલી પોતાની કલાકૃતિની એકથી વધુ કૃતિઓ પ્રયોજી શકે છે અને તેને મુદ્રણક્ષમ કલા કહે છે. મુદ્રણ-ઉદ્યોગ દ્વારા તૈયાર થતી છાપો કરતાં આ છાપ જુદી હોય છે, કારણ કે તે કલાકારની નિજી અભિવ્યક્તિ માટે યોજાઈ હોય છે અને તેની પ્રતિકૃતિઓની સંખ્યા અત્યંત મર્યાદિત હોય છે, તેમજ ઘણી વાર પ્રતિકૃતિઓ વચ્ચે હેતુપૂર્વક થોડો ફેરફાર પણ કરવામાં આવ્યો હોય છે.

કલમ, પીંછી કે છીણી જેવાં સાધનો વડે તૈયાર કરેલી આકૃતિને રેખાંકન, ચિત્ર કે શિલ્પ કહીએ છીએ. તેમાં વપરાયેલાં સાધનનો કાગળ, કૅન્વાસ, ભીંત કે તેવા ફલક સાથે સીધો સંપર્ક થાય છે; પરંતુ લાકડા કે તેના જેવી વસ્તુની સપાટ–સમતલ સપાટી પર કોતરીને તૈયાર કરેલી આકૃતિ ઉપર પીંછી કે વેલણ જેવા રબરના રોલર દ્વારા શાહી લગાડી તે લાકડાની સપાટીનો કાગળ સાથે સંપર્ક કરવાથી તે શાહી કાગળ ઉપર સ્થળાંતરિત થઈને આકૃતિસ્વરૂપે છપાઈ જાય છે. આ રીતે તૈયાર થયેલી કૃતિને ‘છાપ’ કહીએ છીએ. છાપ લેવાની પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાથી એકસરખી દેખાતી વધુ છાપો લઈ શકાય છે. કલાકારો છાપ લેવા માટે વિવિધ, સાદી કે જટિલ તથા એક કે વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કલાકૃતિ બનાવે છે. ‘છાપ’ નામની આવી કૃતિ માટે અંગ્રેજીમાં ‘ગ્રાફિક પ્રિન્ટ’ શબ્દપ્રયોગ પ્રચલિત છે. પુસ્તકો, સામયિકો, તારીખિયાં, જાહેરાત-ચિત્રો (પોસ્ટરો) માટે તૈયાર થતી અને યાંત્રિક પદ્ધતિથી ધંધાદારી હેતુસર છપાયેલી છાપોને ‘રી-પ્રોડક્શન’ કહેવાની પ્રથા છે, જ્યારે કલાકારોએ પોતે તૈયાર કરેલી ઉપર્યુક્ત છાપો માટે ‘મૌલિક છાપ’ એવું મોભાદાર નામ પ્રયોજાય છે.

નરમ ભોંય કે સમુદ્રતટે ભીની પોચી રેતીમાં પડેલાં પગલાં, પથ્થર પર પાણી કે રુધિરભીની હથેળીની છાપ જેવી છાપો મનુષ્યો આદિકાળથી જોતા આવ્યા છે. છાણ-માટીની ભીની ગાર ઉપર પગલાંની છાપ દ્વારા ભાત પાડી આપતાં કબૂતર, મોર કે ખિસકોલીની લોકકથાઓમાં જોવા મળતી કલ્પનાઓ; રાજવીઓ કે શાસનાધિકારી દ્વારા પોતાની રાજમુદ્રા ઉપસાવી આપતા દસ્તાવેજો તથા હુકમનામાને પ્રમાણભૂત કરાવવાની પ્રથા; પાળેલાં ઢોરઢાંખર પર ડામ દઈને ઓળખચિહનો છાપવાની રીત તથા ચલણી સિક્કાઓ પર ઉપસાવેલી છાપો વર્ષોથી માનવજીવનમાં વણાઈ ગઈ છે. હિંદુ લગ્નવિધિ દરમિયાન ઘરના પ્રવેશદ્વારને પડખે વરવધૂના હાથના પંજાની છાપ, દસ્તાવેજ પર  સહી ન કરી શકનાર નિરક્ષર વ્યક્તિનાં તથા કાયમી પહેચાન માટે ગુનેગાર વ્યક્તિનાં અંગૂઠા તથા આંગળાંઓની છાપ, સરકારી અમલદારોના હોદ્દા તથા કચેરીનો ઉલ્લેખ કરતા રબરના સિક્કા (stamp), દ્વારકા જેવાં ધર્મસ્થાનોમાં યાત્રિકોનાં વસ્ત્રો પર લગાવાતી છાપો – એ બધાં વિવિધ રીતે છાપ લેવાની પ્રવૃત્તિનાં પ્રચલિત ર્દષ્ટાંતો છે. જોકે લોકો સમક્ષ છપાયેલી ન હોય તેવી છાપેલી પુષ્કળ વસ્તુઓ રોજબરોજના ઉપયોગમાં આપણે વાપરીએ છીએ; દા.ત., વસ્ત્રો, છાપાં, દવાનાં રૅપર, દેવદેવીના અને નટ-નટીના ફોટા, પાઠ્યપુસ્તકો, રેલવેની કે સિનેમાની ટિકિટો ઇત્યાદિ. છાપ મેળવવાની નવી પદ્ધતિઓમાં ઝેરૉક્સ જેવી પેઢીની ફોટોકૉપી, ટેલિફૅક્સ તથા કમ્પ્યૂટર પ્રિન્ટ ઇત્યાદિથી હવે કોઈ અજાણ્યું નથી.

છાપ-સ્વરૂપે ચિત્ર, છબિ તથા લખાણની મોટી સંખ્યામાં નકલો મેળવી શકાય છે. આને કારણે મુદ્રણક્ષમ કલા લોકોપયોગી તથા લોકપ્રિય બની છે. આઠમી સદીમાં ચીન અને પછીથી યુરોપમાં મુદ્રણપદ્ધતિનો વિકાસ થતાં ચિત્રો અને લખાણોનો પ્રસાર વેગવંતો બન્યો. મેસોપોટેમિયામાં તેમજ ભારતની સિંધુ ખીણનાં નગરોના અવશેષોમાં આજથી 4,000 વરસ જૂનાં પકવેલી માટીનાં બીબાં તથા તેની પર પોચી માટી દબાવીને ઉપસાવેલી છાપ મળી આવેલ છે. આ પછી મધ્યયુગના ભારતમાં બૌદ્ધ ધર્મે છાપેલી આકૃતિઓનો ઉપયોગ કરેલો. માનવ અને દેવની આ છાપેલી આકૃતિઓ અને ધજાઓની પરંપરા આજે પણ નેપાળ, ભૂતાન, સિક્કિમ, અરુણાચલ, લડાખ અને તિબેટમાં ટકી રહી છે. વસ્ત્રો પર સુશોભનાર્થે બીબાં વડે છાપ લેવાની પદ્ધતિ છઠ્ઠી સદીમાં પ્રચલિત થઈ ચૂકેલી. છાપની પરિભાષામાં આ પ્રકારને ‘રિલીફ’ કહે છે. ઘણા સમય સુધી આ માટે લાકડાના ફલકનો બીબાં કોતરવા માટે ઉપયોગ થતો હોવાથી તેની છાપને ‘વુડકટ પ્રિન્ટ’ કે કાષ્ઠછાપ કહે છે. દેખાડવા ધારેલ ભાગોને જ લાકડાના ફલકની સપાટી પર બચાવીને તેની આજુબાજુનો બધો ભાગ કોતરીને થોડો નીચે ઉતારી દેવાય છે. આવાં બીબાં પર રંગ કે શાહી તેની ઊપસેલી સપાટીને જ લાગે છે અને માત્ર તે શાહી લાગેલી સપાટી જ કાગળની સપાટીના સંપર્કમાં આવે છે. બીબા પરની શાહીનું કાગળ પર આકૃતિ- રૂપે સ્થાનાંતર થાય તેને છાપ કહે છે. આ પ્રક્રિયા દરમિયાન છાપ-સ્વરૂપે મળતી આકૃતિમાં બીબા પરની આકૃતિ દર્પણના પ્રતિબિંબ પ્રમાણે એટલે કે ડાબાની જમણી અને જમણાની ડાબી થાય છે. આથી, છાપમાં આકૃતિ સવળી દેખાય તે માટે બીબામાં આકૃતિ અવળી કોતરવામાં આવે છે.

વુડકટ છાપ : કલાકારોમાં વુડકટ છાપનો પ્રકાર મધ્યયુગના યુરોપમાં ઘણો પ્રચાર પામ્યો હતો. કલાકારો આ કલાસર્જન માટે ગાઢ રેસાઓવાળા લાકડાના સપાટ ટુકડાનો બીબા તરીકે ઉપયોગ કરે છે. લાકડાના પ્રાકૃતિક રેસાઓની મર્યાદા તથા લાક્ષણિકતાને કારણે એના પર કોતરેલી છાપમાં જાડી-પહોળી રેખાઓ તથા પ્રમાણમાં મોટા કહી શકાય તેવા શ્વેત-શ્યામ આકારો ધરાવતી રચના (composition) વધુ જોવા મળે છે. એમ પણ કહી શકાય કે આવી રચના વુડકટ પ્રકારની છાપને માટે વધુ સુસંગત બની રહે છે. પાટિયું બનાવવા માટે વૃક્ષની  ડાળીને તેની લંબાઈના એકથી બીજા છેડા સુધી ઊભી વહેરવામાં આવે છે; પરંતુ ખૂબ બારીક તથા વિગતપ્રચુર છાપ માટે ડાળી(કે થડ)ને આડી, તેના વ્યાસને સમાંતર વહેરી તેની કાતળી બનાવી ઉપયોગમાં લેવામાં આવે છે. કાપડ પર વેલબુટ્ટા છાપવા માટે બનાવવામાં આવતાં બીબાં પણ આવી કાતળીની સપાટી પર કોતરવામાં આવે છે. આમાં રેસાઓ આડા નહિ પણ ઊભા અને ઘટ્ટ હોવાથી ખૂબ જ બારીક રેખાઓ કે વિગત પણ જળવાઈ રહે છે અને છાપતી વેળા થતા દબાણ તથા ઘસારા સામે તૂટ્યા વિના ટકી શકે છે. ડાળીના વ્યાસના માપના વર્તુળાકાર ટુકડામાંથી છાલ તથા ગોળાકાર ભાગો કાઢી નાખી ચોરસ આકારનાં બીબાંઓ બનાવવામાં આવે છે, જે સામાન્ય રીતે મોટા કદનાં હોતાં નથી. આ એની એક મર્યાદા છે, જેના કારણે આવાં બીબાં દ્વારા લેવાયેલી છાપો પણ મોટાભાગે નાની હોય છે.

વુડકટ માટેનું પાટિયું કોતરવા નાના કદનાં ટાંકણાં અને ફરશી જેવાં સાધનો વાપરવામાં આવે છે. પાટિયું પૂરેપૂરું કાપવામાં આવતું નથી, પરંતુ જરૂરિયાત પ્રમાણે છીછરું કે ઊંડું કોતરવામાં આવે છે. ફોટોગ્રાફીની મદદથી તાંબા અને જસતનાં પતરાં પર બીબાં તૈયાર કરવાની યાંત્રિક પદ્ધતિ વિકસી તે પહેલાં અખબારોમાં તથા જ્ઞાન-વિજ્ઞાન કે વાર્તાકથાનાં પુસ્તકોમાં ચિત્રો છાપવા માટે આ પ્રકારે તૈયાર કરેલાં લાકડાનાં બીબાં વપરાતાં હતાં. વુડકટની છાપનો મધ્યયુગના ચીનમાં અને જાપાનમાં ઘણો પ્રસાર હતો. સત્તરમી, અઢારમી અને ઓગણીસમી સદીમાં જાપાની કલાકારોએ વુડકટ છાપોનું વિપુલ ખેડાણ કરેલું. એ છાપોને બહોળા જનસમુદાયે ખરીદી દ્વારા પ્રોત્સાહન અને આશ્રય પણ આપેલાં. હિરોશીગે, હોકુસાઈ, ઉતામારો, માસાનોબુ ઇત્યાદિ કલાકારો તે કાળે જાપાનમાં અને પછી વીસમી સદીમાં યુરોપમાં ખૂબ ખ્યાતિ પામ્યા અને આધુનિક કલાએ પણ આ જાપાની વુડકટમાંથી ખાસ્સી પ્રેરણા મેળવી. જર્મની અને અમેરિકાના કેટલાક કલાકારોએ આવા મનુષ્ય-સર્જિત પાટિયા પર કોતરકામ કરી વિશાળ છાપો પણ બનાવી છે. વિવિધ પ્રકારનાં લાકડાંની લાક્ષણિકતાઓ પણ વિવિધ હોવાથી વુડકટ રૂપે તૈયાર થયેલી છાપોમાં ક્યારેક ઝીણી ઝીણી વિગતો જોવા મળે છે. તોય કાષ્ઠ-કોતરણી(wood engraving)માં જેટલી બારીકાઈ લાવી શકાય તેટલી બારીક વિગત વુડકટની છાપમાં લાવવી લગભગ અશક્ય બને છે. વુડકટમાં શ્યામ અને શ્વેત આકારોની સંયોજના વધુ જોવા મળે છે; પરંતુ તે બંનેની વચ્ચેની આછી ઘેરી રાખોડી રંગની વર્ણકક્ષાઓ (grey tones) સર્જી શકાતી નથી; પરંતુ કોતરણી(engraving)માં વિગતો ખૂબ જ બારીક કોતરકામ વડે શક્ય બનવાથી સફેદ અને કાળા વિસ્તારો એકબીજામાં ભળી જઈ આછા-ઘેરા રાખોડી રંગના વિસ્તારો સર્જી શકે છે. આથી જ, કોતરણીમાં છાયા-પ્રકાશની લીલા રજૂ કરી શકાય છે. કદાચ આવાં કારણોને લીધે ઇંગ્લૅંડ અને જર્મની સિવાય અન્ય દેશોમાં આ પ્રકાર બહુ ઓછા કલાકારોએ ખેડ્યો છે. ઓગણીસમી સદી અને વીસમી સદીના પ્રારંભમાં ભારતીય પુસ્તકોમાં આ કલાપ્રકાર પ્રસંગચિત્રો તેમજ જાહેરખબર-ચિત્રોમાં ઘણી વાર જોવા મળતો. આધુનિક ભારતમાં હરેન દાસ જેવા એકાદ-બે અપવાદ સિવાય અન્ય કલાકારોએ આ પ્રકાર ખાસ ખેડ્યો નથી.

લાકડાના પાટિયાનાં બીબાંથી તૈયાર થતી વુડકટ છાપની જેમ જ ફરસ પરની બિછાત માટે વપરાતા લિનોલિયમ અને હાલ વપરાતા પ્લાસ્ટિક અને ઍક્રિલિક પદાર્થોના જાડા પડ અને પૂંઠા પર કોતરકામ કરી મેળવાતી છાપને ‘લાઇનોકટ’ કહે છે. તેમાં ફાયદો એ રહે છે કે માનવસર્જિત આવી ચાદરો લાંબી-પહોળી હોવાથી લાકડાનાં બીબાંની ફલકમર્યાદા તેને નડતી નથી.

વુડકટ તથા લાઇનોકટ બંને છાપ ‘રિલીફ’ પ્રકારની છે; એટલે કે બીબામાં કોતરીને કાઢી નાંખેલો વિસ્તાર છાપમાં છપાતો નથી, પરંતુ કોતર્યા વગર રહેવા દીધેલો વિસ્તાર છપાય છે.

પંદરમી સદીના યુરોપમાં રેનેસાંનો પ્રભાવ વધતાં વિખ્યાત કલાકૃતિઓની પ્રતિકૃતિઓ તૈયાર કરાવી વ્યાપારી ધોરણે વિતરણ કરવાની પ્રવૃત્તિ વિકસી. આ પ્રવૃત્તિમાં ઇન્ટૅલ્યો (intaglio) પદ્ધતિથી તૈયાર થયેલી છાપો કેન્દ્રસ્થાને રહી.

હવા અને ભેજને કારણે કાળાં પડી ગયેલાં કે ઝાંખાં થયેલાં વાસણો, સિક્કાઓ, ઘરેણાં, ઢાલ, બખ્તર, હથિયારો, શિલ્પો કે કોતરણીને સાફ કરી ચમકાવતી વખતે કોઈના ધ્યાનમાં આવ્યું હશે કે તેની ઉપર ભાત રૂપે કોતરેલી રેખાઓ કે ખાડાઓમાં મેલ ભરાઈ રહેતો. આ રેખા કે ખાડા પર હથેળી, સાફ કરવા માટેનો ગાભો કે તેવી કોઈ પોચી વસ્તુ દબાતાં ખાડામાં ભરાયેલો મેલ કે ચીકાશ ઊંચકાઈ આવીને હથેળી કે ગાભા પર છાપ પાડે છે. આવા કોઈ આકસ્મિક નિરીક્ષણમાંથી પંદરમી સદીમાં ઇન્ટૅલ્યો પ્રકારની છાપ લેવાનું શરૂ થયું.

રિલીફ પ્રકાર કરતાં ઇન્ટૅલ્યો પ્રકાર તદ્દન વિપરીત છે. રિલીફ પ્રકારમાં બીબા પરના ઊપસેલા વિસ્તારો છપાય છે, જ્યારે ઇન્ટૅલ્યો પ્રકારમાં બીબા પરના કોતરી કાઢેલા કે ખાડાના વિસ્તારો છપાય છે. આમ, ઇન્ટૅલ્યો પ્રકારમાં કોતરાયેલા ભાગમાં રહેલી શાહીને કાગળ પર સ્થળાંતરિત કરવી પડે છે. આ માટે દબાણની જરૂર હોવાથી શેરડી પીલવાના સંચાને મળતા યંત્રનો ઉપયોગ થાય છે તથા કાગળને પણ દબાઈ શકે તેવો પોચો કરવા માટે કલાકો સુધી પાણીમાં પલાળી નરમ કરવો પડે છે; જેથી તે બીબાના ખાંચાઓમાં રહેલી શાહી સહેલાઈથી ચૂસી લે.

સારી અને સ્પષ્ટ છાપ લઈ શકાય તેવી ધાતુની પ્લેટ તથા કાષ્ઠ-કોતરણીપદ્ધતિથી બીબું તૈયાર કરવા માટેનાં ઓજારો તથા કાર્ય-પદ્ધતિમાં ઘણી સમાનતા છે. બંનેમાં આકૃતિ કોતરવા માટેના હસ્તકૌશલ પર પ્રભુત્વ તથા લાંબા સમય સુધીની ધીરજ જરૂરી છે. સમય જતાં હસ્તકૌશલ સરળ બને તેવાં ઓજારો તથા તે ઓજારોને સ્થાને તેજાબ વડે ધાતુની સપાટી કોતરવાના ‘ઇન્ટૅલ્યો’ પ્રકારો વિકસ્યા, જે નીચે મુજબ છે :

(1) ધાતુનિક્ષારણ (metal engraving) : ધાતુના – સામાન્ય રીતે તાંબાના – પતરાને ધારદાર ઓજારો વડે કોતરવામાં આવે છે. આ રીતે કોતરેલી રેખાઓ ઊંડી તથા સ્પષ્ટ કિનારવાળી હોય છે. આ પદ્ધતિથી લીધેલી છાપ ખૂબ જ સ્પષ્ટ હોય છે.

(2) ડ્રાઈ પૉઇન્ટ : ધાતુના પતરા પર અણીદાર સોયા જેવા ઓજાર વડે રેખાઓ દોરવામાં આવે છે. ધાતુ-કોતરણી પદ્ધતિમાં રેખાનો ભાગ કપાઈને પતરાથી છૂટો પડી જાય છે, જ્યારે ડ્રાઈ પૉઇન્ટ-પદ્ધતિમાં ઉઝરડા પડે છે, અને સપાટી લીસી ન રહેતાં, રેખાઓની ઊપસી આવેલી કિનારને કારણે ખરબચડી થઈ જાય છે. આને કારણે ડ્રાઈ પૉઇન્ટ-પદ્ધતિમાં અસ્પષ્ટ, ધૂંધળી તથા સૌમ્ય કિનારવાળી કોલસા કે ક્રેયૉન વડે દોરેલી હોય તેવી રેખાઓ જણાય છે.

(3) ધાતુખોતરણી (etching) : તેજાબ વડે ઘણી ધાતુ ખવાઈ જાય છે. આનો લાભ લઈ ધાતુના પતરાને કોતરવામાં આવે છે. સૌપ્રથમ  પતરાને તેજાબની અસરથી  મુક્ત, મીણ, રાળ જેવા પદાર્થના પાતળા પડથી ઢાંકી દઈ તેની ઉપર સોયા જેવાં તીક્ષ્ણ ઓજારો વડે આકૃતિ અંકિત કરી તે પતરાને તેજાબમિશ્રિત પાણીમાં ડુબાડવામાં આવે છે. તેજાબની તીવ્રતા કે મંદતા, સમય અને તાપમાનનાં પરિબળો વડે જાડી, પાતળી, આછી કે ઘેરી રેખાઓ કોતરી શકાય છે. આની છાપ ધાતુ-કોતરણીને મળતી હોય છે, પરંતુ કિનારની સ્પષ્ટતા ઓછી જોવા મળે છે. ધાતુની પ્લેટ (પતરા) પર આકૃતિ અંકિત કરતી વખતે ધાતુ-કોતરણી અને ડ્રાઈ પૉઇન્ટપદ્ધતિમાં વાપરવું પડતું સ્નાયુબળ વાપરવું પડતું નથી. તેથી કલાકાર કલમથી રેખાંકન બનાવે તેટલી સરળતાથી તત્ક્ષણ સ્વયંસ્ફુરિત અંકન કરી શકે છે.

(4) જલીય વર્ણઝાંય (aquatint) : છાપ લેતી વખતે જાપાની કલાકારો લાકડાના બીબા ઉપર ઓછું-વત્તું પાણી મેળવીને રંગો લગાડતા, જેથી છાપમાં તેની આછી ઘેરી કક્ષાઓ મેળવી શકાય; પરંતુ અપવાદરૂપ આ જાપાની કિસ્સાને બાદ કરતાં સામાન્ય રીતે બધા પ્રકારની છાપોમાં આખેઆખાં બીબાં કે પ્લેટ પર એકસરખી શાહી લગાડવામાં આવે છે. અને તેથી છાપમાં તે શાહીનો રંગ અને કાગળનો રંગ – એમ માત્ર બે જ રંગો દેખાય છે. વધુ રંગો છાપવાની રીત જુદી અને અટપટી હોય છે. છાપમાં એક જ રંગની આછી ઘેરી છાયા લાવવા કે તેવો આભાસ પેદા કરવાની એક રીત કાષ્ઠ-કોતરણીના પરિચય વેળા  વર્ણવી છે. એચિંગ પ્રકારની પદ્ધતિમાં રંગની આછી ઘેરી છાયાનો આભાસ આ રીતે હાંસલ કરી શકાય છે : પ્લેટ ઉપર રાળનો બારીક ભૂકો ભભરાવી તેને ગરમ કરવાથી તે ઓગળીને પ્લેટની સપાટી પર ચોંટી જાય છે. રાળ તેજાબની અસરથી મુક્ત રહેતો પદાર્થ છે. આથી, તેના બારીક કણો નીચે ઢંકાયેલી સપાટીને તેજાબ અસર કરતો નથી, પરંતુ કણોની વચ્ચેની ખુલ્લી જગ્યા પર અસર કરે છે.

તેજાબના દ્રાવણમાં પાણીના પ્રમાણનું તથા પ્લેટને તેમાં ડુબાડવાના સમયનું (2–3 સેકન્ડથી માંડીને 10–20 મિનિટ કે તેથીય વધુ) યોગ્ય રીતે જરૂર પ્રમાણે નિયંત્રણ કરીને આછી ઘેરી છાયાનો આભાસ લાવી શકાય છે. જળરંગમાં શક્ય તેવી છાયાઓ અહીં મેળવી શકાતી હોઈ, આવી છાપને ઍક્વા(જળ)ટિન્ટ (આછી વર્ણછાયા) કહે છે.

છેલ્લાં 60 વરસમાં છાપકામની દરેક પદ્ધતિમાં અવનવા પ્રયોગો થતા રહ્યા છે. શ્વેત-શ્યામની જે મર્યાદા યુરોપમાં લાંબો સમય પ્રચલિત હતી તેને સ્થાને બહુરંગી ઇન્ટૅલ્યો છાપો બનવા લાગી છે.

ઇન્ટૅલ્યોના વિવિધ પ્રકારો ઉપરાંત છાપના અન્ય પ્રકારોનો ઉપયોગ કરી કલાકારો છાપમાં ‘ગંગા-જમની’ વૈવિધ્ય પણ લાવે છે.

ઇન્ટૅલ્યો છાપમાં જે નવા પ્રયોગો થયા તેમાં નીચેના મુખ્ય છે :

(1) આખી પ્લેટ પર એક જ (સામાન્ય રીતે કાળી) શાહી લગાડવામાં આવતી, તેને સ્થાને, ચિત્રમાં રંગો ભરવામાં આવે છે તેમ પ્લેટ પર વિભાગવાર જુદા જુદા રંગો ભરી તેની છાપ એક જ વખતે સાથે લેવાવા લાગી.

(2) પ્લેટ પર એક કે વધુ રંગની શાહી વાપરી હોય તોપણ છાપતી વેળા તો તે માત્ર કોતરેલા ખાડા-ખાંચામાં જ ભરાયેલી રહે છે; કારણ કે છાપતાં પહેલાં સપાટી સાફ કરી નાંખવામાં આવે છે. આવી સપાટી પર એક કે વધુ રંગો લગાડી, તે બધાંની છાપ એકસાથે લેવામાં આવે છે. આમ, અહીં ઇન્ટૅલ્યો પદ્ધતિનો રિલીફ પદ્ધતિ સાથે યોગ જોવા મળે છે.

ઉપર્યુક્ત બંને પદ્ધતિઓમાં પ્લેટની ઉપરની સપાટી પર શાહીનો એક તથા અંદરની સપાટી પર બીજો સમૂહ –  એમ બે સ્તરનો ઉપયોગ થવા લાગ્યો. ફ્રાન્સના પૅરિસ શહેરમાં ઍટેલિયે–17 નામની છાપકલા માટેની વિખ્યાત કાર્યશાળામાં કૃષ્ણ રેડ્ડી અને કેકી મોતીવાલા નામના બે ભારતીય કલાકારો 1950ના દાયકામાં કામ કરતા હતા. તેમના ધ્યાનમાં આવ્યું કે તેલ-પાણી જેમ જુદાં રહે છે અને એકબીજામાં સહેલાઈથી ભળતાં નથી તેમ વધુ તેલ મેળવેલી શાહી ઉપર ઓછું તેલ ભેળવેલી શાહી લાગતી નથી. જો ક્રમ તથા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો વિવિધ પરિણામ આવી શકે છે. તે પોતાની આગવી અને મહદ્અંશે પ્રાકૃતિક–રાસાયણિક કારણો પર આધારિત હોઈ આકસ્મિક, પરંતુ નયનરંજક સ્વરૂપો ધારણ કરે છે. કૃષ્ણ રેડ્ડી તથા કેકી મોતીવાલા તથા તે કાર્યશાળામાં કામ કરતા અન્ય કલાકારોએ ‘વિસ્કૉસિટી’ નામથી ઓળખાતી ઇન્ટૅલ્યો છાપની નવી પદ્ધતિ વિકસાવી. તેમાં પ્લેટમાં માત્ર ઉપર અને અંદર એમ બે સ્તરને બદલે એ બેની  વચ્ચે ત્રીજા કે વધુ સ્તરો પર જુદી જુદી શાહી અને તેલનું પ્રમાણ તેમજ શાહી લગાડવા માટે ઓછી-વત્તી નરમાઈ-સખ્તાઈવાળાં રોલર વાપરીને રંગવૈવિધ્ય લાવી શકાય છે. જોકે સપાટી, પોત અને આકારોનું સૌંદર્ય વધુપડતું આકર્ષક બની જાય અને પરિણામે કલાકૃતિ દ્વારા કલાકારે રજૂ કરેલું મંતવ્ય ગૌણ બની રહે એવી શક્યતા આમાં રહેલી છે.

ઓગણીસમી સદીના આરંભે પથ્થર પરથી છાપ લેવાની શિલાછાપ કે શિલામુદ્રણ (lithography) નામની તદ્દન નવી પદ્ધતિ શોધાઈ. એમાં ખાસ પ્રકારની રાસાયણિક લાક્ષણિકતા તથા અણુરચના ધરાવતા ચૂના-પથ્થરની જાડી લાદી જેવી સપાટ શિલાનો ઉપયોગ કરવામાં આવે છે. ‘લિથો’ (litho) એ પથ્થર માટેનો ગ્રીક ભાષાનો શબ્દ છે. અન્ય  છાપ-માધ્યમોમાં ઓજાર કે રસાયણો વડે બીબાની સપાટી પર કોતરણી કરી સપાટીને ઊંચી-નીચી કરવી પડે છે. શિલાછાપમાં પથ્થરની સપાટી સમથળ જ રહે છે. ઊંચી, ઊપસેલી સપાટીને જ રોલર દ્વારા શાહી લાગે અને ખાડા કોરા રહે અથવા તો ઊપસેલી સપાટી કોરી રહે ને ખાડામાં શાહી ભરાઈ રહે તેવાં લક્ષણોને બદલે શિલાછાપ તેલ અને પાણીના પરસ્પરના ‘અનાકર્ષણ’ના ગુણો પર આધારિત છે.

લિથોગ્રાફી પદ્ધતિમાં ચૂનાની લાદી જેવી સપાટ શિલાને સૌપ્રથમ તૈલી ચીકાશથી મુક્ત કરવા સારી રીતે ઘસીને સાફ કરવામાં આવે છે. આ પછી તેના પર તૈલી પદાર્થયુક્ત કાજળથી બનાવેલી શાહી કે તેમાં મીણ મેળવી બનાવેલા ક્રેયૉન વડે આકૃતિ દોરવામાં આવે છે. છાપ સવળી મળે તે માટે આકૃતિ અવળી દોરવી આ પદ્ધતિમાં પણ જરૂરી છે. ચિત્ર અને રેખાંકન બનાવવામાં વપરાતાં કલમ, પીંછી, પેન્સિલ જેવાં સાધનો આમાં પણ ઉપયોગમાં લેવાય છે. એ કારણે આકૃતિમાં શીઘ્રસ્ફુરિત પ્રત્યાઘાતો, સંવેદના તથા કલાકારના હાથની નિજી લાક્ષણિકતા પૂરેપૂરી જળવાઈ રહે છે. આકૃતિ દોરતી વેળાએ તે માટે ઉપયોગમાં લેવાયેલી ખાસ શાહીમાં રહેલ તૈલી પદાર્થ પથ્થરની સપાટીમાં ચુસાઈ જાય છે. આકૃતિ દોરેલી શિલા પર પછી છાપતી વેળાએ, પહેલાં પાણી લગાડવામાં આવે છે, જે માત્ર જ્યાં તેલ ચુસાયું ન હોય તે વિભાગોને જ લાગે છે અને ત્યાં તે શિલામાં ચુસાઈ જાય છે. ત્યારબાદ આ સપાટી ભીની હોય ત્યારે જ તેની ઉપર રબરના અથવા ચામડું મઢેલ રોલર વડે તૈલી શાહી લગાડવામાં આવે છે. આ શાહી સપાટી પરના આકૃતિ દોરેલા વિભાગોને જ માત્ર લાગે છે, પણ પાણીથી ભીના વિભાગોને લાગતી નથી. હવે સપાટી પર કાગળ મૂકી છાપ લેવા માટેના ખાસ સંચામાં ભારે દબાણ હેઠળ તેને પસાર કરવાથી આકૃતિ પર લાગેલી શાહી કાગળ પર છપાઈ જાય છે. આ પદ્ધતિમાં શિલાની સપાટીને કોતરવામાં આવતી નથી; તેથી એકની એક શિલા અનેક વખત વાપરી શકાય છે. યુરોપમાં રેમ્બ્રાં, દૉમિયે, ગૉયા ઇત્યાદિ કલાકારોએ આ માધ્યમ વડે ભારે માત્રામાં કામ કર્યું છે.

હાલમાં મુદ્રણઉદ્યોગના ક્ષેત્રે ‘ઑફસેટ લિથોગ્રાફી’ નામે ઓળખાતી શિલાછાપની વધુ વિકસિત પદ્ધતિ ઉપયોગમાં છે; પરંતુ કલાકારો આ પદ્ધતિ ભાગ્યે જ વાપરે છે.

સેરિગ્રાફી : સોય વડે કાણાં પાડીને બનાવેલી આકૃતિ ધરાવતા કાગળને કે કાગળ જેવી સપાટ (પૂંઠાં–પતરાં, પ્લાસ્ટિક શીટ ઇત્યાદિ) વસ્તુને સાંચો અથવા સ્ટેન્સિલ કહે છે. આવા સ્ટેન્સિલને અન્ય સપાટી કે કાગળ પર મૂકી ઉપર રંગ ઘસવા કે ભભરાવવાથી કાણાના ખુલ્લા ગાળામાંથી પસાર થઈ રંગ નીચેની અન્ય સપાટી પર લાગે છે, છપાઈ જાય છે. મધ્યયુગમાં રાજસ્થાન, મધ્ય એશિયા, ઇટાલી તથા પૂર્વ યુરોપમાં ભીંત પર આવાં સ્ટેન્સિલ મૂકી રેખાંકનો છાપવામાં આવતાં હતાં, જેના પર કલાકારો પછીથી નિરાંતે બારીક ચિત્રકામ કરતા હતા. આજે પણ લગભગ બધા દેશોમાં કાપડ પર ભાત કે વેલબુટ્ટા અથવા ભોંય  પર આકૃતિઓ છાપવા માટે સ્ત્રીઓ આવાં કાગળનાં સ્ટેન્સિલનો ઉપયોગ કરે છે. વૈષ્ણવ મંદિરોમાં કાગળનાં સ્ટેન્સિલ અને પારસીઓ દ્વારા પતરાંનાં સ્ટેન્સિલ વપરાય છે. ભારતીય રેલવેના ડબાઓ પર કાણાંને બદલે છરી કે કાતર જેવાં ઓજાર વડે કાપી નાખેલા ગાળાવાળા સ્ટેન્સિલથી જાહેર જનતા જોગ સૂચનાઓ છપાય છે. માલસામાન પરના પૅકિંગ પર પણ આ પદ્ધતિથી સૂચનાઓ છપાય છે.

સેરિગ્રાફી એટલે સ્ક્રીન પ્રિન્ટિંગ. કલાકારોએ આ માધ્યમ અપનાવ્યું ત્યારે સ્ક્રીન માટે રેશમનો ઉપયોગ થતો હતો. આથી રેશમ પરથી લેવાયેલી છાપ માટે ‘સેરિગ્રાફી’ શબ્દ પ્રચલિત બન્યો. ગ્રીક શબ્દ ‘સેરી’ એટલે રેશમ. રેશમનું કાપડ ઉત્તમ રીતે સ્ટેન્સિલનું કામ આપે છે. નાયલૉનની શોધ પછી રેશમનું સ્થાન નાયલૉને લીધું છે.

સૌપ્રથમ લાકડાના ચોકઠા પર તાણીને રેશમ કે નાયલૉન જડી દેવામાં આવે છે. અહીં કાગળના સ્ટેન્સિલથી ઊલટું, ગાળા બંધ કરવાની પ્રક્રિયા કરવી પડે છે, જેથી બંધ કરેલા ભાગોમાંથી શાહી પસાર ન થાય. કાગળના સ્ટેન્સિલમાંથી શાહી પસાર થવા દેવા માટે ગાળા કાપવાની ક્રિયા કરવી પડે છે. આ રીતે તૈયાર થયેલા ‘સ્ક્રીન’ની ઉપરની બાજુએ માખણ જેવી ઘટ્ટતા ધરાવતી શાહીને સ્ક્વીઝી વડે દબાવી એક છેડાથી બીજા છેડા સુધી ધકેલવામાં આવે છે. આ સ્ક્વીઝી તે લાકડાના કે ધાતુના હાથામાં બેસાડેલી રબર અથવા પોચા પ્લાસ્ટિકની પટ્ટી છે. પ્રચલિત ભાષામાં તેને વેલણ કહી શકાય.

શાહીને એક છેડેથી બીજા છેડે ધકેલતી વખતે આ સ્ક્વીઝી રેશમ કે નાયલૉનના સ્ક્રીનમાં ખુલ્લા રાખેલ ભાગોમાંથી એકસરખી જાડાઈ ધરાવતું શાહીનું પાતળું પડ નીચે રાખેલ કાગળ કે કાપડ કે અન્ય કોઈ પણ સપાટી પર લગાડે છે. રંગના સપાટ પડ અને સ્પષ્ટ રેખાવાળી આકૃતિઓ આ પદ્ધતિની ખાસિયત છે.

1940 પછી કલાકારોએ સેરિગ્રાફીનું માધ્યમ અપનાવ્યું તે પછી યુરોપ, અમેરિકા તથા ભારતમાં 1960 પછી ઘણા કલાકારોએ આ માધ્યમ વડે કલાકૃતિઓ સર્જી.

મુદ્રણક્ષમ કલાના ક્ષેત્રે પ્રદાન કરનારાં ભારતીય કલાકારોમાં સોમનાથ હોર, કંવલ ક્રિશ્ન, લક્ષ્મા ગૌડ, જગમોહન ચોપ્રા, અનુપમ સૂદ, દેવરાજ, રીની ધુમાળ, જય ક્રિશ્ન, ભાસ્કરન્, જય જરોટિયા તથા મનજિત બાવા ખાસ ઉલ્લેખનીય છે.

આ ઉપરાંત ધાર્મિક સ્થળે યાત્રા કરનાર યાત્રિકો ત્યાંનાં શિલ્પો પર રંગ લગાડી ઉપર કાગળ મૂકી ઘસીને તેની છાપ લે છે, પરંતુ મૂળ શિલ્પી કલાકારને આ પ્રકારની છાપ લેવાનું અભિપ્રેત નહિ હોવાથી આવી છાપોને ખાસ ગંભીરતાથી લેવાતી નથી. તેમ છતાં ઘણાં મ્યુઝિયમો તથા પ્રવાસન વિકાસ ખાતાંઓ આ પ્રકારની છાપો તૈયાર કરી યાત્રા-ઉદ્યોગના વિકાસ અર્થે વેચે છે.

જ્યોતિ ભટ્ટ

અમિતાભ મડિયા