મુત્સુહીટો (જ. 3 નવેમ્બર 1852, ક્યોટો, જાપાન; અ. 30 જુલાઈ 1912, ટોકિયો, જાપાન) : જાપાનના સમ્રાટ. જાપાનની આધુનિકતાના તેઓ પ્રતીક બની રહ્યા. તેઓ કેવળ નામધારી (titular) રાજવી કૉમીના પુત્ર હતા અને તેમના વારસ તરીકે ગાદીએ આવ્યા હતા. એક જ વર્ષના ગાળામાં તો તેમણે છેલ્લા શોગુનને પણ ઉથલાવી દીધા. આ શોગુન તે જાપાનના કમાન્ડર-ઇન-ચીફ લેખાતા અને ત્યાંની સામંતશાહી પ્રથા અને પરંપરામાં શોગુનોએ છેલ્લાં 700 વર્ષથી એક પ્રકારની આપખુદ સત્તા ભોગવી હતી.
આ રાજવીના લાંબા શાસનકાળ દરમિયાન જાપાનનું લશ્કરીકરણ ઝડપી ગતિએ અને પાશ્ચાત્ય ઢબે થવા પામ્યું. 1871માં સામંતશાહીની પ્રથા નાબૂદ કરવામાં આવી. પરદેશી વેપાર પરનાં મોટાભાગનાં નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યાં. સલાહકારરૂપ કૅબિનેટ તથા ‘ઇમ્પીરિયલ ડાયટ’ (સર્વોચ્ચ વિધાનસભા) અંગે બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને 1889માં તે અમલમાં મુકાયું. બ્રિટનના નમૂના મુજબ નૌકાદળ રચવામાં આવ્યું અને જર્મન પદ્ધતિ મુજબ સેનાદળ ઊભું કરવામાં આવ્યું. 1894 અને ’95માં જાપાને ચીનને પરાજય આપ્યો અને તેના પગલે રશિયા-જાપાનના યુદ્ધમાં (1904–05) જાપાન રણમોરચે વિજયો મેળવતું રહ્યું. ત્યારે જાપાને કોરિયા અને મંચુરિયામાં પણ આર્થિક ક્ષેત્રે પગપેસારો કર્યો હતો. આમ આ જાપાનના યુવા રાજવીએ જાપાનમાં આધુનિકતાની નવી આબોહવા પ્રગટાવી તથા લશ્કરી ક્ષેત્રે તેને અગ્રેસર બનાવવામાં ચિરસ્મરણીય યોગદાન આપ્યું.
મહેશ ચોકસી