મુઝફ્ફરપુર

February, 2002

મુઝફ્ફરપુર : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 00´ ઉ. અ. અને 85° 20´ પૂ. રે.ની આજુબાજુનો 3,172 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પૂર્વ ચંપારણ, શેઓહર અને સીતામઢી જિલ્લા, પૂર્વમાં દરભંગા જિલ્લો, અગ્નિ તરફ સમસ્તીપુર જિલ્લો, દક્ષિણે વૈશાલી તથા પશ્ચિમે સારણ અને ગોપાલગંજ જિલ્લા આવેલા છે. જિલ્લાનું વહીવટી મથક મુઝફ્ફરપુર હોવા ઉપરાંત તે જિલ્લાના બંને ઉપવિભાગોનું મુખ્ય મથક પણ છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ ગંડક, બાગમતી તેમજ અન્ય નદીઓએ પાથરેલા કાંપનાં સમતળ ફળદ્રૂપ મેદાનોથી બનેલું છે. અહીં કોઈ ઊંચાણવાળા ભાગો જોવા મળતા નથી, પરંતુ ઘણી જગાઓએ પંક વિસ્તારો છે, તેમાં વરસાદ અને પૂરનાં પાણી ભરાઈ રહે છે. સમગ્ર જિલ્લો મેદાની હોવાથી વનસ્પતિ અને ખેતરોથી હરિયાળો દેખાય છે. વચ્ચે વચ્ચે આંબા અને વાંસ જેવાં વૃક્ષો પણ જોવા મળે છે. આ જિલ્લામાં જંગલો આવેલાં નથી, પરંતુ બૂઢી ગંડક અને બાગમતી વચ્ચેના ભાગમાં બાવળ પથરાયેલા છે. જિલ્લામાં ગંડક, બાગમતી, બૂઢી ગંડક અને બાયા નદીઓ આવેલી છે. મેદાની ભાગોમાં ગંડક, નારાયણી અને શાલિગ્રામ નામોથી પણ ઓળખાય છે. નેપાળમાં આવેલા મૂળ નજીકનું તેનું વહેણ સપ્તગંડકી કહેવાય છે. નેપાળમાંથી નીકળતી બાગમતી બૂઢી ગંડકને સમાંતર વહીને પછીથી તેમાં ભળી જાય છે. બૂઢી ગંડક જળમાર્ગ તરીકે વર્ષના મોટા ભાગ દરમિયાન ઉપયોગી બની રહેલી છે.

મુઝફ્ફરપુર જિલ્લો

ખેતીપશુપાલન : ડાંગર અહીંનો મુખ્ય કૃષિપાક છે, તે ઉપરાંત જિલ્લામાં ઘઉં, મકાઈ, શેરડી, બટાટા અને કેરીના પાક પણ લેવાય છે. ભરાઈ રહેલા જળવિસ્તારોમાંથી ખેતીને સિંચાઈ અપાય છે. તેનાથી બે હેતુ સરે છે, ખેતરોને પાણી મળે છે અને પંકવિસ્તારોને ખાલી કરી શકાય છે. સિંચાઈ માટે કૂવા અને ટ્યૂબવેલની વ્યવસ્થા પણ છે. જિલ્લાનું અર્થતંત્ર ખેતી અને પશુપાલન પર નભે છે. ગાય, ભેંસ, બળદ, આખલા, ઘેટાં, બકરાં અને ડુક્કરો અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. પશુઓની સંભાળ માટે પશુદવાખાનાં અને તેનાં ઉપકેન્દ્રો તેમજ કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રોની સુવિધા છે. મત્સ્ય-ઉછેર ઉપરાંત મરઘાંપાલનને વિશેષ મહત્વ અપાય છે.

ઉદ્યોગવેપાર : રાજ્યભરમાં આ જિલ્લો મહત્વના ઉદ્યોગોનું કેન્દ્ર બની રહેલો છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં પ્રભાત જર્દા ફૅક્ટરી, ભારત વૅગન ઍન્ડ એન્જિનિયરિંગ લિ., ચર્મવિકાસ નિગમ, તથા મુઝફ્ફર ડેરીનો સમાવેશ થાય છે. તેનાથી ઘણા લોકોને રોજીરોટી મળી રહે છે. મોટા ઉદ્યોગોને લીધે નાના ઉદ્યોગો પણ વિકસ્યા છે. આર્થર બટલર ફૅક્ટરી ખૂબ જાણીતી છે. અહીંથી જર્દા (તમાકુ-સોપારીનું મિશ્રણ), ખાંડ, તમાકુ, તેલીબિયાં તથા શણની નિકાસ થાય છે; જ્યારે સુતરાઉ કાપડ, કોલસો, લોખંડ-પોલાદની બનાવટો, પેટ્રોલિયમ-પેદાશો તથા અન્ય ઉપભોક્તા-ચીજોની આયાત થાય છે. મુઝફ્ફરપુર જિલ્લાનું મુખ્ય વેપારી કેન્દ્ર બની રહેલું છે. તે ઉપરાંત મોતીપુર, સાહેબગંજ, સકરા, ધોલી, બોચાહા અને સરૈયા પણ મુખ્ય વેપારી મથકો ગણાય છે. આ મથકોએ કાપડ અને ખાદ્યાન્નનો મોટા પાયા પર વેપાર થાય છે. મુખ્ય વેપારી કેન્દ્ર મુઝફ્ફરપુર ખાતે રાજ્ય સરકારે ‘બજાર સમિતિ’ની સ્થાપના કરી છે. 1978થી અહીં મોટું વેપારી પીઠું કાર્યરત છે. તેમાં 99 થી વધુ ધંધાદારી દુકાનો છે.

પરિવહનપ્રવાસન : પરિવહનક્ષેત્રે જિલ્લો સારી રીતે વિકાસ પામ્યો છે. અહીં રેલમાર્ગો અને સડકોની ગૂંથણી જોવા મળે છે. મોટી નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. જિલ્લાનાં મુખ્ય મથકો મુઝફ્ફરપુર સાથે સંકળાયેલાં રહે છે. સકરા, મુસાહરી, કાન્તિ અને બારુરાજ જેવા વિકાસ-ઘટકોમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે. અન્યત્ર બીજા રસ્તાઓ પણ છે. છેલ્લા દસકામાં ગ્રામમાર્ગો પણ વિકસ્યા છે. ગાડીઓ, રાજ્ય-પરિવહનની તેમજ ખાનગી બસોની સેવા સારા પ્રમાણમાં વિકસેલી છે. જિલ્લામાં હારડી, અમ્બર ચોક, જૈન્તપુર, કત્રાસગઢ, મોતીપુર, રાજખંડ, તુરકી અને ખુદીરામ બોઝ સ્મારક જોવાલાયક સ્થળો છે.

વસ્તી : 2011 મુજબ જિલ્લાની વસ્તી 47,78,610 જેટલી છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુ અને મુસ્લિમ લોકોનું પ્રમાણ વિશેષ છે, જ્યારે ખ્રિસ્તી, શીખ, જૈન અને બૌદ્ધોનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. શિક્ષિતોની સંખ્યા 8,51,995 જેટલી છે. મુખ્ય નગરો ઉપરાંત 1,393 ગામડાંઓમાં શિક્ષણની સગવડો ઉપલબ્ધ છે. જિલ્લામાં કુલ 24 જેટલી કૉલેજો આવેલી છે. નગરો, સમાજ વિકાસ ઘટકો ઉપરાંત 644 જેટલાં ગામોમાં તબીબી સેવાની સગવડો છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 2 ઉપવિભાગોમાં અને 14 સમાજ વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 3 નગરો અને 1,796 (84 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : ઉત્તર બિહારના હાલના મુઝફ્ફરપુર જિલ્લાના પ્રદેશમાં પ્રાચીન સમયમાં વૃજ્જીનું ગણરાજ્ય હતું. તે રાજ્યમાં લિચ્છવીઓનું વર્ચસ્ હતું. મગધનો રાજા બિંબિસાર (ઈ. પૂ. છઠ્ઠી સદી) લિચ્છવી રાજકન્યા ચેલ્લણા સાથે પરણ્યો હતો. તે પછી તેના પુત્ર અજાતશત્રુએ વૃજ્જી રાજ્યનું પાટનગર વૈશાલી જીતી લીધું. ઈ. સ.ની સાતમી સદીમાં આ પ્રદેશ સમ્રાટ હર્ષની સત્તા હેઠળ હતો. આઠમીથી અગિયારમી સદી દરમિયાન બંગાળના પાલ વંશના રાજાઓએ ત્યાં રાજ્ય કર્યું. તે પછી સેન વંશના રાજાઓએ ઉત્તર બિહાર પર સત્તા ભોગવી. ઈ. સ. 1323માં ગિયાસુદ્દીન તુગલુકે આ જિલ્લો કબજે કર્યો. તે પહેલાં સિમ્રાન વંશના ગંગદેવ, રામસિંહ, હરસિંહદેવ વગેરે રાજાઓ થઈ ગયા. ચૌદમી સદીનાં છેલ્લાં વરસોમાં આ પ્રદેશ જૉનપુર રાજ્યનો ભાગ બન્યો. તે પછી તે પ્રદેશ મુઘલ સામ્રાજ્યની સત્તા હેઠળ રહ્યો. બકસરની લડાઈ બાદ, 1764માં આખો બિહાર પ્રાંત બ્રિટિશ સત્તા હેઠળ આવ્યો. 1857માં આ જિલ્લામાં રાખેલી ઘોડેસવાર ટુકડીએ બળવો કર્યો હતો, પરન્તુ ગુરખા ટુકડી આવી ગયા બાદ બળવો કચડી નાખવામાં આવ્યો. વીસમી સદીના પ્રથમ દાયકામાં ત્યાં ક્રાંતિકારી પ્રવૃત્તિ વિકસી હતી. મુઝફ્ફરપુરના ડિસ્ટ્રિક્ટ-જજ કિંગ્સફર્ડની બગ્ગી પર બૉંબ નાખવામાં આવ્યો. તે માટે ખુદીરામ બોઝને ફાંસી આપવામાં આવી હતી. મુઝફ્ફરપુર જિલ્લાના લોકોએ સ્વાતંત્ર્ય-ચળવળમાં ભાગ લીધો હતો. સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ બાદ ખુદીરામ બોઝનું સ્મારક ત્યાં બનાવવામાં આવ્યું છે.

મુઝફ્ફરપુર (શહેર) : બિહાર રાજ્યના મુઝફ્ફરપુર જિલ્લાનું વડું વહીવટી મથક અને શહેર. ભૌગોલિક સ્થાન : 26° 07´ ઉ. અ. અને 85° 24´ પૂ. રે. તે બૂઢી ગંડક નદીના કાંઠા નજીક અગ્નિકોણમાં આવેલું છે. આ સ્થળ મુઝફ્ફરખાને 18મી સદીમાં વસાવેલું. તેની વસ્તી વધતાં 1864માં તેને મ્યુનિસિપાલિટીનો દરજ્જો મળ્યો. પટણા-નેપાલ માર્ગ પર તે સડક અને રેલમાર્ગનું જંકશન હોવાથી મોકાનું સ્થાન ધરાવે છે. તેથી વેપારી મથક તરીકે તેનો વિકાસ થયેલો છે. અહીં ડાંગર છડવાની અને ખાંડની મિલો આવેલી છે. આ શહેરમાં ઘરવપરાશની ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. તે બિહાર યુનિવર્સિટીનું મુખ્ય મથક છે.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ