મુઝફ્ફરનગર : ઉત્તર પ્રદેશ રાજ્યના મેરઠ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 11´થી 29° 45´ ઉ. અ. અને 77° 03´થી 78° 07´ પૂ, રે. વચ્ચેનો 4,008 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સહરાનપુર, પૂર્વમાં બિજનોર, અગ્નિ તરફ હરદ્વાર, દક્ષિણે મેરઠ તથા પશ્ચિમે હરિયાણાનો કરનાલ જિલ્લો આવેલા છે. ગંગા તેની પૂર્વ સરહદ અને યમુના તેની પશ્ચિમ સરહદ રચે છે, આથી આ જિલ્લો બે નદીઓના દોઆબ વિસ્તારમાં આવેલો છે. જિલ્લાનો આકાર લંબચોરસ જેવો છે. (દોઆબ = બે નદીઓ વચ્ચેનો વિસ્તાર) જિલ્લામથક જિલ્લાની મધ્યમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ–વનસ્પતિ–જળપરિવાહ : આ જિલ્લાની આબોહવા એકધારી રહે છે. નદીઓનો દોઆબ વિસ્તાર કાંપથી બનેલો છે. અહીં વૃક્ષો, ઘાસ અને છોડવા નજરે પડે છે. વૃક્ષોમાં ખાખરો, લીમડો, સીસમ, સરસડો, આંબો, જાંબુડો, તુન, મહુડો, વડ, પીપળો વગેરેનો સમાવેશ થાય છે. ગંગા, યમુના ઉપરાંત કૃષ્ણા, હિંદણ જેવી નદીઓ આ જિલ્લામાં થઈને વહે છે.
ખેતી–પશુપાલન : ઘઉં, શેરડી અને બટાટા અહીંના મુખ્ય કૃષિપાકો છે. આ ઉપરાંત અહીં કઠોળ, તેલીબિયાં, તમાકુ અને ડાંગર પણ થાય છે. ગાયો, ભેંસો, ટટ્ટુ, ઘેટાં, બકરાં અને મરઘાં અહીંનાં મુખ્ય પાલતુ પ્રાણીઓ છે.
ઉદ્યોગ–વેપાર : આ જિલ્લામાં આર્થિક ર્દષ્ટિએ મહત્વની કોઈ ખનિજ-પેદાશો મળતી નથી. ખાંડનાં કારખાનાં અહીંના મુખ્ય ઔદ્યોગિક એકમો છે. આ ઉપરાંત આટાની મિલો, કાગળના માવાના, વનસ્પતિ-ઘી, દૂધની અને રબ્બરની પેદાશોના તથા જંતુનાશક દવાઓના એકમો આવેલા છે. વળી નાનામોટા ગૃહઉદ્યોગો પણ વિકસ્યા છે. અહીં ચોખા, હાથસાળનું કાપડ, ઊન, માટીના ઘડા, કોથળા અને થેલા, ધાબળા, ગરગડીઓ, લોખંડના સળિયા, બળદગાડાં, ગોળ અને ખાંડનું ઉત્પાદન થાય છે. આ પૈકીની ઘણીખરી પેદાશો તથા શેરડી, ચામડાનાં પગરખાં, ફળો, ડુંગળી અને રાતાં મરચાંની નિકાસ થાય છે; જ્યારે કાપડ, દવાઓ, કેરોસીન, યાંત્રિક ભાગો, ચામડાં, લાકડાં, બૉલબેરિંગ, ઊનના રેસા, લોખંડ અને ખેતીનાં ઓજારોની આયાત કરવામાં આવે છે.
પરિવહન–પ્રવાસન : જિલ્લાના ઘણાખરા ભાગોમાં રસ્તાઓ સુધારીને અવરજવરને યોગ્ય બનાવ્યા હોવાથી જિલ્લાની આર્થિક સ્થિતિ સુધરી છે. જિલ્લામાં આશરે 70 કિમી. લંબાઈના રેલમાર્ગો છે. આ જિલ્લો દિલ્હી સાથે રેલ અને સડકમાર્ગોથી જોડાયેલો છે. જિલ્લામાં પુરાતત્વીય ર્દષ્ટિએ મહત્વનાં ગણી શકાય એવાં કેટલાંક સ્થળો આવેલાં છે. આ પૈકી ઝિંઝાણા, કૈરાના અને થાણા-ભવનની મસ્જિદો ઉલ્લેખનીય છે. મઝેરા, જનસથ, મિરાનપુર અને કૈથાણા જેવાં સ્થળો પુરાતત્વીય મહત્વ ધરાવે છે. આ ઉપરાંત ઐતિહાસિક મહત્વ ધરાવતાં કેટલાંક સ્થળો પણ આવેલાં છે. જિલ્લામાં વારતહેવારે મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.
વસ્તી : જિલ્લાની વસ્તી 2011 મુજબ 41,38,605 જેટલી છે, તે પૈકી 54 % પુરુષો અને 46 % સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 75 % અને 25 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ, શીખો અને જૈનોની વસ્તીનું પ્રમાણ વિશેષ છે. અહીં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. શિક્ષણસંસ્થાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. જિલ્લામાં 9 જેટલી કૉલેજો આવેલી છે. વહીવટી સરળતાની ર્દષ્ટિએ જિલ્લાને 4 તાલુકાઓ, 14 સમાજ વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 20 નગરો અને 1,027 (અવશેષરૂપ, 141 વસ્તીવિહીન) ગામડાં છે.
ઇતિહાસ : ઈ. સ. પૂ. છઠ્ઠી સદીમાં આ જિલ્લાના પ્રદેશમાં કુરુ નામનું મહાજનપદ (રાજ્ય) આવેલું હતું. પુરાતત્વીય અવશેષો તથા મળી આવેલા સિક્કા ઉપરથી અનુમાન કરી શકાય છે કે આ વિસ્તારમાં, ઈ. સ. પૂ.ની ત્રીજી સદી અને ઈ. સ.ની પ્રથમ સદી વચ્ચેના સમયમાં મૌર્ય, શુંગ અને કુશાન રાજાઓની સત્તા પ્રવર્તતી હતી. સાતમી સદીની મધ્યમાં તે સમ્રાટ હર્ષની સત્તા હેઠળનો પ્રદેશ હતો. ચીની યાત્રી હ્યુ એન શ્વાંગે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેરમી સદીથી દિલ્હી સલ્તનતનો તે એક ભાગ બન્યો. તે પછી મુઘલ શહેનશાહ અકબરના સમયમાં સહારનપુર સરકાર(પ્રાંત)માં આ જિલ્લાનો સમાવેશ થયો હતો. શાહજહાંના સમયમાં સૈયદ મુઝફ્ફરખાન ખાનજહાનના માનમાં મુઝફ્ફરનગરની સ્થાપના કરવામાં આવી. 1803માં અંગ્રેજોએ આ પ્રદેશ જીતીને મોરાદાબાદ જિલ્લામાં તેનો સમાવેશ કર્યો. 1826માં મુઝફ્ફરનગરનો અલગ જિલ્લો રચવામાં આવ્યો. આ વિસ્તારમાં જાટ લોકોની વસ્તી વધારે છે. 14 મે, 1857ના રોજ મુઝફ્ફરનગરમાં લોકોએ બળવો કરીને સરકારી દફતર અને અધિકારીઓના બંગલા બાળી નાખ્યા હતા. ક્લેક્ટર અને ડેપ્યુટી ક્લેક્ટર નાસી ગયા હતા અને જિલ્લાનાં ગામોમાં પણ હિંસક બનાવો બન્યા હતા. સહારનપુરમાં પણ આવા બનાવો બન્યા હતા.
મુઝફ્ફરનગર (શહેર) : મુઝફ્ફરનગર જિલ્લાનું વડું વહીવટી મથક તથા શહેર. ભૌગોલિક સ્થાન : 29° 28´ ઉ. અ. અને 77° 41´ પૂ. રે. તે દિલ્હીથી ઉત્તર તરફ આવેલું છે તેમજ દિલ્હી સાથે સડક અને રેલમાર્ગોથી જોડાયેલું છે. આ સ્થળ ખાનેજહાને 1633માં સ્થાપેલું અને તેના પિતા મુઝફ્ફરખાનના નામ પરથી તેને મુઝફ્ફરનગર નામ આપેલું. અહીં કૃષિ-પેદાશોનું બજાર આવેલું છે તથા કેટલાક નાના પાયા પરના ઉદ્યોગો પણ વિકસેલા છે. અહીં શાળાઓ ઉપરાંત કૉલેજ-શિક્ષણની પણ વ્યવસ્થા છે.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ