મુગલી, આર. એસ.

February, 2002

મુગલી, આર. એસ. (જ. 15 જુલાઈ 1906, હોલે, અલૂર, કર્ણાટક; અ. 20 ફેબ્રુઆરી 1992, બૅંગાલુરુ) : ક્ન્નડ ભાષાના કવિ, વિવેચક અને નવલકથાકાર. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે 14 વર્ષની વયે થોડા સમય માટે શાળા-અભ્યાસ છોડી દીધો હતો. પાછળથી અભ્યાસ શરૂ કરીને તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ., એમ. એ. તથા ડી. લિટ્.ની ડિગ્રી મેળવી હતી. સાંગલીની વિલ્સન કૉલેજમાં કન્નડના પ્રોફેસર, મૈસૂર સરકારના સાહિત્ય અને સાંસ્કૃતિક વિભાગના મુખ્ય નિયામક તથા બૅંગાલુરુ યુનિવર્સિટીના કન્નડ ભાષા વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ – એમ વિવિધ પદો પર રહી તેમણે શૈક્ષણિક કામગીરી બજાવી.

સૌપ્રથમ તેમને કવિ તરીકે પ્રતિષ્ઠા મળી. તેઓ પ્રકૃતિ અને સૌંદર્યના ચાહક હતા, તેથી તેમણે નાજુક ભાવોનાં સહજ ઊર્મિગીતોથી પ્રારંભ કર્યો. વર્ષો જતાં તેમની કવિતા અર્થસભર અને ગહન બની. ‘મણિમાલા’(1976)માં આવાં ચિંતનાત્મક 102 કાવ્યોમાં જીવન તથા માનવનું સર્જનના એક અંગ રૂપે વૈશ્વિક સંઘર્ષમાં નિરૂપણ થયું છે. નવલકથાકાર તરીકે તેમનું વલણ આદર્શવાદી છે. તેમના નાયકો જીવનને અર્થપૂર્ણ રીતે જીવવાની મથામણ કરતા હોય છે.

કન્નડ સાહિત્યજગતમાં તેઓ અગ્રણી વિદ્વાન અને વિવેચક તરીકે સન્માન પામ્યા હતા. કન્નડ સાહિત્યના ઇતિહાસના તેઓ અધિકારી તજ્જ્ઞ લેખાતા, એ સંદર્ભમાં ‘કન્નડ સાહિત્ય ચરિત્ર’ પ્રથમ ઉલ્લેખનીય ગ્રંથ છે. તેને 1956ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. સાહિત્ય અકાદમી માટે તેમણે એ પુસ્તકનું સંક્ષિપ્ત અંગ્રેજી ભાષાંતર કર્યું હતું. તેમણે એકાંકી, ટૂંકી વાર્તાઓ તથા લાંબાં નાટકો પણ લખ્યાં છે. પિસ્તાલીસમી કન્નડ સાહિત્ય પરિષદના તેઓ અધ્યક્ષ હતા. તેમણે ફ્રાંસ, બેલ્જિયમ, હોલૅન્ડ તથા ઇંગ્લૅન્ડનો પ્રવાસ કર્યો હતો.

મહેશ ચોકસી