મુખરજી, શાંતિસુધા મણિમોહન (જ. 4 જાન્યુઆરી 1909, કૉલકાતા; અ. 7 જૂન 1984, અમદાવાદ) : ભૂસ્તરશાસ્ત્રના જાણીતા પ્રાધ્યાપક. પૂરું નામ શાંતિસુધા મણિમોહન મુખરજી. કૉલકાતાના ઉચ્ચ બંગાળી કુટુંબમાં જન્મ. શાળાથી કૉલેજ સુધીનો અભ્યાસ કૉલકાતામાં. ભૂસ્તરશાસ્ત્ર અને ભૂગોળના વિષયો સાથે ત્યાંની પ્રેસિડન્સી કૉલેજમાંથી એમ. એસસી. થયા. તેમાં યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ તેમને સુવર્ણચંદ્રક મળેલો.
પોતાની નાની વયે પિતાનો દેહાંત થતાં કુટુંબની જવાબદારી માતાને શિરે આવી પડેલી. અભ્યાસ પૂર્ણ થયા પછી થોડાંક વર્ષો માટે કૉલકાતામાં નોકરી કરેલી. એ ગાળામાં અમદાવાદ ખાતે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સ્થપાતાં એલ. ડી. આર્ટસ કૉલેજ અને એચ. એલ. કૉમર્સ કૉલેજો શરૂ કરવામાં આવી. તેમાં ભૂગોળના પ્રાધ્યાપક તરીકે જોડાવા આમંત્રણ મળતાં 1937માં અમદાવાદ આવ્યા. માતાની સેવા કરવાના એકમાત્ર ઉદ્દેશથી તેઓ આજીવન કુંવારા રહેલા. 1946-47માં એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થતાં તેમાં ભૂસ્તરશાસ્ત્રનો વિષય શરૂ કરાવ્યો અને નિવૃત્ત થયા ત્યાં સુધી વિભાગીય વડાનું સ્થાન શોભાવ્યું. ગુજરાતમાં ભૂસ્તરશાસ્ત્રના શિક્ષણના તેઓ આદ્ય પ્રણેતા ગણાય છે.
તેમણે ભૂસ્તરશાસ્ત્ર અને ભૂગોળનો સમન્વય કરતા સંશોધનલેખો બહાર પાડેલા. આ પૈકી ગુજરાતના દરિયાકિનારાની આકારિકી પરનો સંશોધનલેખ સવિશેષ ઉલ્લેખનીય છે. 1969માં નિવૃત્ત થયા બાદ પણ બાર વર્ષ સુધી ભૂસ્તરશાસ્ત્રના અનુસ્નાતક અધ્યાપનકાર્ય માટે શરૂઆતમાં સવેતન અને પછીથી અવેતન સેવાઓ આપેલી. માઉન્ટ આબુની પોલીસ ટ્રેનિંગ એકૅડેમીએ તેમને કેટલાંક વર્ષો સુધી વ્યાખ્યાનો માટે આમંત્રેલા.
સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યક્ષેત્રે પણ તેમનું પ્રદાન ઉલ્લેખનીય છે. ગરીબ વિદ્યાર્થીઓને તેઓ ગુપ્ત રીતે મદદ કરતા. અમદાવાદના બંગાળી સમાજની પ્રવૃત્તિઓમાં તેમણે ઘણો રસ લીધેલો. જિજ્ઞાસુઓને તેઓ બંગાળી ભાષા શીખવતા. રવીન્દ્રસંગીતના પણ તેઓ સારા જ્ઞાતા હતા, રવીન્દ્રસંગીતમાં રુચિ ધરાવતા શ્રોતાઓ અને ગાયકો માટે તેમણે એક મેળાવડો પણ યોજેલો.
બંગાળી અને અંગ્રેજી સાહિત્યના વાચનનો તેમને ખૂબ જ શોખ હતો. બંગાળી બાળસાહિત્યક્ષેત્રે પણ તેમનું યોગદાન છે. તેમણે બંગાળીમાં ‘પૃથિવીર માનુષ નય’ – ‘હું પૃથ્વીનો માણસ નથી’ અને ‘છેલે ધરા સર્કસ’ નામની બે નવલકથાઓ લખેલી. તેઓ બાળકો માટેનાં સામયિકો (‘આનંદ’ અને ‘રામધનુ’)માં નાની વાર્તાઓ લખતા. વાર્તાઓમાં મનોરંજન સાથે બાળકોને સાહજિક રીતે જ જ્ઞાન મળી રહે એવો એમનો પ્રયત્ન રહેતો. રોજબરોજની સામાજિક ઘટનાઓ તેમાં સામેલ રહેતી.
ટૂંકી માંદગી ભોગવ્યા બાદ અમદાવાદ ખાતે તેમનું નિધન થયેલું.
સુજ્ઞા નલિન શાહ