મુખરજી, રાધાકમલ (જ. 1888, બરહામપુર, જિ. મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળ; અ. 24 ઑગસ્ટ 1968) : અગ્રણી કેળવણીકાર અને લેખક. તેમણે માધ્યમિક શિક્ષણ બરહામપુરમાં અને ઉચ્ચ શિક્ષણ કોલકાતામાં લીધું હતું. તેઓ 1921થી 1952 સુધી લખનૌ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના પ્રોફેસર હતા. ત્યારબાદ 1955થી 1957 દરમિયાન તેઓ લખનૌ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર હતા. તેમણે 40 કરતાં વધારે પુસ્તકો લખ્યાં છે. તેમાં ‘ડેમૉક્રસિઝ ઑવ્ ધી ઈસ્ટ’, ‘એ સ્ટડી ઇન કમ્પેરેટિવ પૉલિટિક્સ’, ‘થિયરી ઍન્ડ આર્ટ ઑવ્ મિસ્ટિસિઝમ’, ‘મૅન ઍન્ડ હિઝ હૅબિટેશન’, ‘ધ સોશિયલ સ્ટ્રક્ચર ઑવ્ વૅલ્યૂઝ’, ‘ધ ડાઇનૅમિક્સ ઑવ્ મૉરલ્સ’, ‘ધ કલ્ચર ઍન્ડ આર્ટ ઑવ્ ઇન્ડિયા’, ‘ધ સિમ્બૉલિક લાઇફ ઑવ્ મૅન’ અને ‘ધ ફિલૉસૉફી ઑવ્ સોશિયલ સાયન્સ’ મુખ્ય છે.

જયકુમાર ર. શુક્લ