મુક્ત વેપાર વિસ્તાર : વેપારમાં વૃદ્ધિ કરવા માટે ભૌગોલિક સાંનિધ્ય અથવા મહદ્અંશે સમાન વિચારસરણી ધરાવતાં રાષ્ટ્રોએ વિકસાવેલું પ્રાદેશિક બજારક્ષેત્ર. પ્રત્યેક રાષ્ટ્રનાં આંતરિક બજારો સામાન્ય રીતે સાંકડાં હોય છે, તેથી આધુનિક ઉદ્યોગીકરણ, તાંત્રિક પરિવર્તન અને ઉચ્ચ સ્તરની અર્થવ્યવસ્થા માટે તેમની શક્તિ મર્યાદિત હોય છે. આ વિઘ્ન દૂર કરવા માટે ભૌગોલિક સાંનિધ્ય અથવા મહદ્અંશે સમાન વિચારસરણી ધરાવતાં રાષ્ટ્રો પરસ્પર વ્યાપાર અંગે કરાર કરીને પ્રાદેશિક બજારક્ષેત્ર ઊભું કરે છે. તે પ્રક્રિયામાં ત્રણ પૃથક્ પૃથક્ તબક્કાઓ હોય છે : (1) સહકાર, (2) સમન્વય અને (3) સંપૂર્ણ વિલયન જે વાસ્તવમાં વ્યાપારી ઉદારીકરણ છે. તેનાં પાંચ સ્વરૂપો જોવામાં આવે છે : (1) આર્થિક સંઘ, (2) જકાત સંઘ, (3) ખાસ તરફેણ કરતા કરાર, (4) લાંબા ગાળાના વ્યાપારી કરાર અને (5) મુક્ત વેપાર વિસ્તાર.

1995થી વિશ્વ વેપાર સંગઠન (WTO : World Trade Organisation) અસ્તિત્વમાં આવ્યું. ત્યાં સુધી ‘ગૅટ’ (General Agreement on Tariffs and Trade) હેઠળ વૈશ્વિક વ્યાપાર ચાલતો હતો. ‘ગૅટ’ હેઠળ કેટલીક શરતોને અધીન એક યા વધારે દેશો વચ્ચે વ્યાપારી કરારો કરવાની છૂટ આપવામાં આવી હતી. કોઈ એક વિસ્તારના દેશો પ્રાદેશિક સંગઠન કરીને પરસ્પરના વ્યાપારી અવરોધો દૂર કરી શકતા હતા. એક યા અન્ય કારણે ખાસ તરફેણ કરવાના કરાર (preferential trade agreements) પણ દેશો પરસ્પર કરી શકતા હતા. એ જ પ્રમાણે કેટલાક દેશો ભેગા થઈને મુક્ત વ્યાપાર વિસ્તાર(free trade area)ની પણ રચના કરી શકતા હતા. મુક્ત વ્યાપાર વિસ્તારમાં જોડાતા દેશો પરસ્પરની જકાતો સંપૂર્ણ રદ કરતા હતા. વિસ્તારમાં જોડાયેલા દેશો સિવાયના બહારના દેશો સાથે દરેક દેશ પોતાને યોગ્ય લાગે તેવી અને તેટલી જકાતો લાદી શકતા હતા.

‘ગૅટ’ અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં મહત્તમ તરફદારીની કલમ (Most Favoured Nation’s Clause) અસ્તિત્વમાં હતી. અંગ્રેજોએ જે જે દેશોમાં રાજ્ય કર્યું તેમની વચ્ચે આ કલમ હેઠળ કરાર થતા હતા. આ કલમ હેઠળના દેશો આયાત-નિકાસના વેપારમાં પરસ્પરની ખાસ તરફદારી કરતા હતા. ‘ગૅટ’ હેઠળ તે કલમ ચાલુ રાખવાની પરવાનગી અપાઈ, તેથી તેને પગલે પગલે એક જ વિસ્તારમાંના યુરોપના દેશો જેવા દેશોએ ભેગા થઈને સંગઠનો રચ્યાં. યુરોપીયન મજિયારા બજાર જેવાં સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં. ખાસ તરફદારીની કલમ હેઠળ વ્યાપાર કરવામાં એકબીજાની તરફદારી કરવાની હતી, જ્યારે સંગઠનમાં જોડાયેલા દેશોએ નક્કી કર્યા પ્રમાણેની એકસરખી જકાતો જ વસૂલ લેવાની હતી. મુક્ત વ્યાપાર વિસ્તારના દેશોએ પરસ્પરના વ્યાપારમાં જકાતો શૂન્ય કરવાની રહેતી. એક ટકો જેટલી નજીવી જકાત રાખવામાં આવે તોપણ તેને મુક્ત વ્યાપાર વિસ્તાર તરીકે ‘ગૅટ’ હેઠળ સ્વીકારવામાં આવતો નહોતો. મુક્ત વ્યાપાર વિસ્તારના દેશો એક જ વિસ્તારના હોવાનું અનિવાર્ય નહોતું. અલબત્ત, બહુધા તેઓ ભૌગોલિક રીતે નજીકના દેશો હતા. 1995માં વિશ્વ વ્યાપાર વ્યવસ્થાના આગમન બાદ આવા પ્રકારના કરારો, સંગઠનો, કલમોનું અસ્તિત્વ પ્રસ્તુત રહ્યું નથી.

સૂર્યકાન્ત શાહ