મુકાદમ, વામનરાવ સીતારામ

February, 2002

મુકાદમ, વામનરાવ સીતારામ (જ. 26 જાન્યુઆરી 1885, ગોધરા, જિ. પંચમહાલ; અ. 16 ફેબ્રુઆરી 1950, મુંબઈ) : સ્વાતંત્ર્યસેનાની, લોકસેવક. તેમના પિતાશ્રી મધ્યમવર્ગના મહારાષ્ટ્રીય દેવકુળે બ્રાહ્મણ હતા. મૅટ્રિક સુધીનું શિક્ષણ ગોધરામાં લીધા બાદ, વામનરાવ ત્યાંની ન્યૂ હાઇસ્કૂલમાં શિક્ષક બન્યા. તેમના ઇતિહાસના શિક્ષણકાર્યથી વિદ્યાર્થીઓ પ્રભાવિત થતા હતા. લોકમાન્ય ટિળકના મરાઠી સાપ્તાહિક ‘કેસરી’ના વાચનથી તેઓ પ્રખર દેશભક્ત અને ઉદ્દામ વિચારના બન્યા. 1905ના બંગભંગ અને સ્વદેશી આંદોલનથી તેમણે જાહેર જીવનની શરૂઆત કરી. ઑક્ટોબર 1906માં તેમણે મુંબઈ પ્રાંતિક રાજકીય પરિષદમાં હાજરી આપી. તેમણે 1916માં ગોધરામાં હોમરૂલ લીગની શાખા સ્થાપી. પોતાના સાથીદારો વકીલ દલસુખભાઈ શાહ, વકીલ પુરુષોત્તમ શાહ અને ડૉ. માણેકલાલ શાહના સંપૂર્ણ સહકારથી તેમણે હોમરૂલની પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લામાંથી વેઠપ્રથા નાબૂદ કરવાનો જોરદાર પ્રચાર કર્યો. પંચમહાલમાં હોમરૂલના પ્રચારથી રાજકીય જાગૃતિ વધી. તાલુકા-મથકોમાં હોમરૂલ લીગની શાખાઓ સ્થાપી વામનરાવે સ્વરાજના વિચારો ગામડાંઓમાં ફેલાવ્યા. મુંબઈથી શંકરલાલ બૅંકર, મનસુખલાલ માસ્તર, વકીલ ચંદ્રશંકર પંડ્યા, બી. જી. હૉર્નિમન, જમનાદાસ દ્વારકાદાસ જેવા આગેવાનોને ગોધરા બોલાવી વામનરાવે જાહેર સભાઓ યોજી. ગોખલેની સંવત્સરીની ઉજવણી માટે ફેબ્રુઆરી 1917માં ગાંધીજી ગોધરા આવ્યા ત્યારે તેમનો મુકામ વામનરાવને ઘેર હતો. નવેમ્બર 1917માં  તેમના અને મણિલાલ હરિલાલ મહેતાના આમંત્રણથી ગોધરામાં પ્રથમ ગુજરાત રાજકીય પરિષદ ભરવામાં આવી. તેમાં ગાંધીજી, લોકમાન્ય ટિળક, મહંમદ અલી ઝીણા, વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, અબ્બાસ તૈયબજી વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. આ પરિષદમાં વેઠપ્રથા નાબૂદ કરવા તથા સ્વદેશીનો પ્રચાર કરવાના ઠરાવો કરવામાં આવ્યા. પંચમહાલના આગેવાનોએ હોમરૂલ લીગના નેજા હેઠળ રાષ્ટ્રીય પક્ષ સ્થાપી, મુકાદમના નેતૃત્વ હેઠળ જિલ્લાનાં ગામોનો પ્રવાસ કરી, વેઠની પ્રથા નાબૂદ કરવા હજારો પત્રિકાઓ વહેંચી, સભાઓ ભરી, લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગ્રત કર્યા. આખરે કલેક્ટરે વેઠની પ્રથા નાબૂદ કરવી પડી. આ દરમિયાન ખેડા સત્યાગ્રહ ચાલતો હોવાથી તેમણે એપ્રિલ, 1918માં ખેડા જિલ્લાનાં કઠલાલ, તોરણા, કપડવંજ વગેરે ગામોની સભાઓમાં ગીતો દ્વારા વેઠપ્રથા વિરુદ્ધ પ્રચાર કર્યો. અમદાવાદમાં 1920માં ભગુભાઈના વંડામાં મળેલી ચોથી ગુજરાત રાજકીય પરિષદમાં વામનરાવે બુલંદ અવાજે, પંજાબમાં બ્રિટિશ સરકારે કરેલા અત્યાચારો વિરુદ્ધ સિંહગર્જના કરી હતી. તેઓ ગુજરાતમાં ટિળકના પટ્ટશિષ્યોમાંના એક અને ગાંધીજીના પ્રશંસક હતા. તેઓ પ્રખર વક્તા હતા અને વિદેશી સરકારની વિરુદ્ધમાં તેમની જીભમાંથી આગ વરસતી હતી. તેઓ સરદાર પટેલ જેટલા જૂના, કસાયેલા અને ખડતલ કાર્યકર હતા. પંચમહાલના યુવકો તેમની નીડરતાથી ઘણા પ્રભાવિત થયા હતા. તેઓ પંચમહાલના સિંહ કહેવાતા હતા. તેમની કુશાગ્ર બુદ્ધિ, હૈયાઉકલત, હાજરજવાબીપણું અને હાથમાં લીધેલ પ્રશ્નનો તલસ્પર્શી અભ્યાસ કરવાની ટેવને કારણે ગાંધીજી તેમને વકીલ માનતા હતા. તેમનું વક્તૃત્વ સાદી ભાષામાં, પરંતુ કહેવતો, રૂઢિપ્રયોગો તથા ગામઠી ઉપમાઓથી ભરેલું તેમજ ડરપોક વ્યક્તિનાં પણ રૂંવાડાં ઊભાં કરી દે તેવું હતું. અસહકારની ચળવળ (1920–22) દરમિયાન વામનરાવ મામા ફડકે, વાડીલાલ શાહ, પુરુષોત્તમ શાહ વગેરેને લઈને દારૂની દુકાનો પર પિકેટિંગ કરતા અને અન્ય યુવકોની ટુકડીઓ બનાવી પિકેટિંગ કરવા મોકલતા. તેમણે આદિવાસીઓમાં દારૂનિષેધનો ઘનિષ્ઠ પ્રચાર કર્યો હતો. તેના પરિણામે દારૂનું વેચાણ નોંધપાત્ર ઘટી ગયું હતું. 1921માં રાષ્ટ્રીય સપ્તાહ(6થી 14 એપ્રિલ)ની ઉજવણી દરમિયાન અને ટિળકની પ્રથમ પુણ્યતિથિના રોજ ગોધરામાં સરઘસ કાઢી તેમણે વિદેશી કાપડની હોળી કરી હતી. દેશબંધુ સી. આર. દાસે સ્થાપેલ સ્વરાજ પક્ષમાં જોડાઈ, મુંબઈની ધારાસભામાં ચૂંટાઈ તેઓ મુખ્ય દંડક બન્યા હતા. ગોધરામાં 1928માં ગણેશચતુર્થીના દિવસે સરઘસના આગેવાન મુકાદમ પર મુસલમાનોએ પ્રાણઘાતક હુમલો કર્યો; પરંતુ પુરુષોત્તમ શાહે આગળ આવી, અનેક ઘા ઝીલી એમને બચાવી લીધા અને શહીદ થયા.

ગાંધીજીએ સવિનય કાનૂનભંગની ચળવળ (1930–32) શરૂ કરી ત્યારે ધારાસભામાંથી રાજીનામું આપી તેઓ સત્યાગ્રહમાં જોડાયા. જિલ્લાના નેતાઓ સાથે વામનરાવ સચિન પાસેના ઉબેર ગામે ગાંધીજીને મળ્યા અને પંચમહાલમાં વિશિષ્ટ પ્રકારનો જંગલ-સત્યાગ્રહ કરવાની અનુમતિ મેળવી હતી. તેમના નેતૃત્વ હેઠળ પંચમહાલના 25 સ્વયંસેવકોની ટુકડીએ 3 જૂન, 1930ના રોજ ધરાસણાના મીઠાના અગરો પર હુમલો કર્યો. વામનરાવનું અપમાન કરી પોલીસે તેમને ફટકાર્યા. એક સાર્જન્ટ તેમને ધક્કા મારતો, ખેંચતો, ગાળો દેતો કૅબિન સુધી લઈ ગયો અને સોટીઓ મારી. ત્યારબાદ તેમને દોઢ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી. 1932માં ફરીવાર તેમની ધરપકડ કરી વિસાપુર જેલમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. 1937માં થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે તેઓ મુંબઈની ધારાસભામાં ચૂંટાયા. પંચમહાલના ખેડૂતોને ઋણરાહત આપવા તેમણે ધારાસભામાં અને સરકારમાં જોરદાર રજૂઆત કરી. 1938માં તેઓ પંચમહાલ જિલ્લા લોકલ બૉર્ડના પ્રમુખ તરીકે ચૂંટાયા. 22 નવેમ્બર, 1940ના રોજ ગોધરામાં વ્યક્તિગત સત્યાગ્રહ કરી, ધરપકડ વહોરી તેમણે એક વરસની કેદ ભોગવી. 1942માં ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થતાં તેમની ધરપકડ કરીને અટકાયતમાં રાખવામાં આવ્યા. જેલમાં તેમણે ‘શિવાજી મહારાજ’ નામનું પુસ્તક લખ્યું. 1944માં અન્ય નેતાઓ સાથે જેલમાંથી છૂટ્યા. 1946માં તેઓ મુંબઈની ધારાસભામાં ચૂંટાયા અને કૉંગ્રેસ પક્ષના મુખ્ય દંડક બન્યા. 1948માં ગોધરામાં આગથી હજારો મકાનો બળી ગયાં. અસરગ્રસ્તોને રાહત આપવા તેમણે દિવસરાત કામ કર્યું. તેઓ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ હતા. તેઓ સ્વભાવે રમૂજી અને મશ્કરા તથા ડરપોકપણાના વિરોધી હતા. સરદાર પટેલ તેમની દેશભક્તિ, ત્યાગ, નિ:સ્વાર્થ સેવા, વીરતા અને ફનાગીરીને ઓળખતા હતા; તેથી સરદારે આખર સુધી મુકાદમની કદર કરી હતી. તેઓ ‘વીર ગર્જના’ નામનું સામયિક ગોધરાથી પ્રગટ કરતા હતા.

જયકુમાર ર. શુક્લ